નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપતા ત્રાવણકોર મંદિર મેનેજમેન્ટમાં રાજપરિવારનો હક માન્ય રાખ્યો છે. મંદિર મેનેજમેન્ટની નવી સમિતિ બનશે એમાં રાજ પરિવારની નિર્ણાયક ભૂમિકા રહેશે. આ ખજાનાની રખેવાળી પણ રાજવી પરિવાર પાસે રહેશે. આ મંદિર દુનિયાનું સૌથી ધનિક હિન્દુ મંદિર હોવાનું કહેવાય છે. ભગવાન પદ્મનાભ મંદિરના મેનેજમેન્ટને લઈને વર્ષોથી વિવાદ ચાલે છે. કેરળ સરકાર અને ત્રાવણકોર રાજ પરિવાર વચ્ચે ચાલતા આ કેસનો આખરે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે.
શ્રીપદ્મનાભ મંદિરની સંપત્તિ ૨૦ બિલિયન ડોલરની હોવાનો અંદાજ છે અને હજુ પણ જે ખજાનો ખુલ્યો નથી તેનું મૂલ્ય તો અબજો રૂપિયાનું હોવાની શક્યતા છે. આ ખજાના વિશે અનેક અટકળો થતી રહે છે.
ઉલ્લેખનીય છે કે કેરળ હાઈ કોર્ટે ૨૦૧૧માં કેરળ સરકારની તરફેણમાં ચુકાદો આપતા મંદિર મેનેજમેન્ટનો હક સરકારને આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૨૦૧૧ માં કેરળ હાઈ કોર્ટના ચુકાદા સામે સ્ટે આપ્યો હતો. આઠ વર્ષ પછી આખરે એ કેસનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે.
સર્વોચ્ચ અદાલતના ચુકાદા અનુસાર, પદ્મનાભ મંદિરના ખજાનાની રખેવાળી પણ ત્રાવણકોરના રાજવી પરિવાર પાસે રહેશે. જોકે, એ મંદિરમાં જ્યાં કોરોડોનો રહસ્યમય ખજાનો પડયો છે તેની તિજોરી ખોલવામાં આવશે નહીં. આ મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જ્યાં સુધી નવી મેનેજમેન્ટ કમિટિ બનશે નહીં ત્યાં સુધી જિલ્લા ન્યાયધીશના નેતૃત્વમાં કમિટી મંદિરનું સંચાલન કરશે.
ગેમચેન્જર ચુકાદો
મંદિર મેનેજમેન્ટના ચેરમેન રહી ચૂકેલા નિવૃત્ત આઈએએસ અધિકારી સી.વી આનંદ બોઝે ચુકાદાને ગેમ ચેન્જર ગણાવતા કહ્યું હતું કે ત્રાવણકોર રાજવી પરિવાર સદીઓથી મંદિરની અને ખજાનાની રખેવાળી કરે છે તે વિશ્વસનીયતાને સુપ્રીમ કોર્ટે માન્યતા આપી છે. ત્રાવણકોરના રાજ પરિવારે મંદિરના મેનેજમેન્ટમાં ઉદાહરણરૂપ કામગીરી કર્યાનો ઈતિહાસ છે.
ત્રાવણકોર રાજવી પરિવારે આ ચુકાદાને આવકારતા નિવેદનમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી રાજવી પરિવાર અને મંદિર અભિન્ન છે તે સાબિત થયું છે. ત્રાવણકોર રાજ પરિવારના સભ્યોએ હંમેશા ભગવાન પદ્મનાભ સ્વામીના સેવકો તરીકે સેવા કરી છે. એ અધિકાર સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો તેનો આનંદ છે.