વિશ્વનિવાસી ભારતીયોને દેશની વિકાસ કૂચમાં જોડાવા આમંત્રણ આપતા રાષ્ટ્રપતિ

Wednesday 30th January 2019 05:50 EST
 

વારાણસીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશની પૌરાણિક ધર્મનગરીમાં યોજાયેલા ૧૫મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રને સંબોધતાં કહ્યું હતું કે ભારતીય પ્રવાસીઓનો સમુદાય વિશ્વમાં સૌથી વિશાળ છે તો તેમનો ઇતિહાસ પણ તેમના જેટલો જ વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. આપણા પૂર્વજો વ્યાપારી અને ભિક્ષુના સ્વરૂપે દક્ષિણ-પૂર્વ એશિયામાં પહોંચ્યા હતા અને આ વાતને સદી થતાં સુધીમાં તો આપણા સમુદાય લાખો લોકો સાત સમંદર પાર જઇ પહોંચ્યા હતા. આજે આપણા પ્રવાસી ભારતીયો સાથે દુનિયા ઘણી આગળ વધી ચૂકી છે. ભારતીય સમુદાય પોતાના સાંસ્કૃતિક પરંપરા અને વિવિધતાને જાળવીને આજે વૈશ્વિક ઊંચાઇને આંબી રહ્યા છે. જોકે ભારતીયોએ એક સમુદાયના રૂપમાં પોતાની એકતાનું જતન કરવું પડશે, તેને વધુ મજબૂત કરવી પડશે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારતીય પ્રવાસીઓની સફળતા અને આકરી મહેનતે એક મિશાલ સ્થાપી છે. તેઓ ભારતનો ચહેરો છે અને વિદેશોમાં ભારતની ઓળખ છે. અમને બધાને તેમના પર અને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત આજે એક અબજ વિચારો ધરાવતી ભૂમિ છે. ભારત એક અબજ અવસરોની ભૂમિ છે. તેમને પ્રવાસી ભારતીયોને દેશની વિકાસ કૂચમાં સામેલ થવા આહવાન કર્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અમે પ્રવાસી ભારતીયોને જ્ઞાનદાતા અને પર્યટકોના સ્વરૂપે ભારતમાં આવવા માટે આમંત્રણ આપીએ છીએ. રાષ્ટ્રપતિએ પ્રવાસી ભારતીયોને ન્યૂ ઇંડિયામાં યોગદાન આપવા અને ભાગીદાર બનવા માટે અનુરોધ કર્યો હતો.
આ પૂર્વે પ્રવાસી ભારતીય દિવસમાં મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહેલા મોરિશિયસ રિપબ્લિકના વડા પ્રધાન પ્રવિંદ જન્નાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ ચર્ચા દરમિયાન રાષ્ટ્રપતિએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા બદલ જગન્નાથનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેમની ઉપસ્થિતિ ભારત-મોરિશિયસના ખાસ અને અદ્વિતીય સંબંધો, સંયુક્ત ઇતિહાસ અને વારસા સાથે જોડાયેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter