વિશ્વની સૌથી ઊંચી યુદ્ધ ભૂમિમાં દરરોજ જિંદગી સામે જંગ લડતા ભારતીય જવાનો

Wednesday 17th February 2016 07:16 EST
 
 

વિશ્વના સૌથી ઊંચા અને ઠંડા એક્ટિવ વોર ઝોન સિયાચીનમાં બરફાચ્છાદિત ગ્લેશિયર પર દેશની રક્ષા કરતા કરતા નવ જવાનો શહીદ થયા અને તેમાં બચેલા લાન્સ નાયક હનુમનથપ્પાનું બુધવારે નિધન થયું છે. ત્યારે સિયાચીન પર આપણી સેના કેવી રીતે કામ કરે છે તેના પર બધાનું ધ્યાન ગયું છે. સિયાચીનના આર્મી બેઝ કેમ્પ પર સ્ટોન મેમોરિયલ કોતરાયેલું છે કે, Quartered in snow, slient in remain, whe the bugle calls, they shall rise and march again. છેલ્લા ૧૭ વર્ષથી ઈન્ડિયન આર્મી આ જગ્યા પર ખડેપગે છે. અહીં સૂર્યપ્રકાશ પર નહીં પણ કેરોસિનના ભરોસે જીવન જીવાય છે. આ કેટલીક એવી વાતો છે જે સિયાચીનમાં રહેલા ઈન્ડિયન આર્મી સોલ્જર્સને થેન્ક યુ કહેવા મજબૂર કરશે.
ઘણી વાર ભારતીય સૈનિકોને આપણે જે કિંગ સાઈઝ બેડ બનાવીએ છીએ તેટલા નાનાં ઈગ્લૂમાં રહેવું પડે છે. આ ઈગ્લૂમાં એક સાથે છ સૈનિકો હોય છે. તેમને ગરમ રાખતી એક જ વસ્તુ છે તે છે કેરોસિન સ્ટવ. આને કારણે થતો ધુમાડો આખા ઈગ્લૂને કવર કરે છે. અહીં ગરમ પાણીની બોટલ્સ પણ લાંબા સમય સુધી ગરમ નથી રહી શકતી. તેઓ અહીં રાત્રે સૂતા નથી.
અહીં તાપમાન માઈનસ ૫૦ ડિગ્રીથી નીચે પહોંચી જાય છે. એટલે જો તમે મેટલથી બનેલી કોઈપણ વસ્તુને ખુલ્લા હાથે પકડો તો સેકન્ડ્સમાં ફ્રોસ્ટ બાઈટ થઈ શકે. એટલા માટે ગન્સ અને બીજી આર્ટિલરીઝને ત્યારે જ વાપરી શકાય છે કે જ્યારે તેમણે એન્ટિ ફ્રોસ્ટબાઈટ ગ્લવ્સ પહેર્યાં હોય. આને કારણે હાથમાં પરસેવો થાય છે અને તે પણ જામી જાય છે. ક્યારેક સોલ્જર્સની આંગળીઓ પણ કાપવી પડે છે.
જે સૈનિકોને બેઝ કેમ્પ પાછા લવાય તેમને મોટેભાગે સાંભળવાની, આઈ સાઈટની અને મેમરી લોસ જેવી તકલીફો જોવા મળે છે. આવું ઓક્સિજન માસ્કના સતત ઉપયોગના કારણે થાય છે.
બોલવામાં તકલીફ, નોશિયા, ઓછી ઊંઘ અને ડિપ્રેશન અહીં કામ કરવાના સૌથી કોમન પ્રોબ્લેમ્સમાંના એક છે. આટલી હાલાકીઓ છતાં ભારતીય આર્મીના જવાનો ત્રણમાંથી બે ખૂબ જ અગત્યના પાસની રક્ષા કરે છે. જેમાંનો એક હાઈએસ્ટ મોટરેબલ પાસ ખરદુંગલા પાસ છે.
સિયાચીનમાં ફ્રેશ ફૂડ તો એક રેર લક્ઝરી છે. અહીં ફ્રૂટ્સ ફ્રીઝ થઈને ક્રિકેટ બોલ જેટલાં હાર્ડ થઈ જાય છે. ૨૧૦૦૦ ફૂટની ઊંચાઈ પર ફૂડ મેળવવું એક ટાસ્ક છે. ઈન્ડિયન મેડ ચીતા હેલિકોપ્ટર્સ તેમની હાઈએસ્ટ બાઉન્ડ્રીની બહાર જઈને અહીં કેન્ડ ફૂડ પહોંચાડે છે અને તેમાં પણ જો વાતાવરણ ખરાબ હોય તો ઘણું બધું ફૂડ બરફમાં બરબાદ થઈ જાય છે.
ઠંડીથી મરવાની શક્યતાઓ એટલી બધી વધારે હોય છે અહીં રહેતા સૈનિકો મહિને એક વાર નહાય છે. અને તે પણ ડીઆરડીઓ દ્વારા સ્પેશિયલી ડિઝાઈન કરેલા બાથરૂમ્સમાં. પીવાનું પાણી સ્ટવ પર બરફ ગરમ કરીને મેળવાય છે. અહીં કામ કરતા દરેક સૈનિકને ૯૦ દિવસના પોસ્ટિંગ માટે ૧૪ પેર થર્મલ સોક્સ અપાય છે.
સૈનિકોએ સિયાચીનમાં સોનમ નામની જગ્યા પર વિશ્વનું સૌથી ઊંચું હેલિપેડ બનાવ્યું છે. આ હેલિપેડ સમુદ્ર સપાટીથી ૨૧૦૦૦ ફૂટ ઉપર છે. આ પેડ આખા વર્ષ દરમિયાન સપ્લાઈઝ લાવવા માટે વપરાય છે.
૧૮૦૦૦ ફૂટની ઊંચાઈ પર ચાલતી હવાઓને કારણે મોર્ટાર શેલિંગ પણ ખૂબ જ અઘરું બની જાય છે. કેટલીક વાર તો એવી જગ્યાએ પડે છે કે જ્યાં તમે વિચાર્યું જ ન હોય. રાઈફલ્સને વારંવાર કેરોસિન સ્ટ્વસ પર ગરમ કરવી પડે છે અને મશીન ગન્સને જામી જતી બચાવવા માટે ઊકળતા પાણીમાં ડુબાડી રાખવી પડે છે. જોકે, સૈનિકોને તો ગમે ત્યારે આવી ચડતા એવેનાસ્ચ અને બ્લિઝાર્ડસનો વધારો ખતરો લાગે છે.
એક વર્ષમાં લગભગ ૩૫ ફૂટ સ્નો અને બ્લિઝાર્ડ વચ્ચે આ જવાનો દુશ્મનો સામે જ આ જગ્યાને નથી બચાવતા પણ સાથે બરફથી આ જગ્યા ઢંકાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખે છે. આ માટે તેમની પાસે માત્ર પાવડા અને લાઈટ મશિનરી જ હોય છે.
જ્યારે સ્નો સ્ટોર્મ શરૂ થાય ત્યારે તે લગભગ અડધો મહિનો ચાલે છે અને આ જગ્યા પર મેદાન કરતા ૧૦ ટકા જેટલો જ ઓક્સિજન હોય છે.
ભારતીય સૈનિકો સિયાચીન આસપાસના ઊંચા ભાગ પર અને પાકિસ્તાની સૈનિકો નીચા ભાગમાં હોવાથી અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભારતીય આર્મી નીચે ન જઈ શકે અને પાકિસ્તાની આર્મી ઉપર ન આવી શકે. આ યુદ્ધ કોઈ જીતી શકે તેમ નથી.
આવી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં ભારતીય આર્મી પાસે ક્યારેય વોલેન્ટીયર્સની કમી નથી થઈ કે જે સિયાચીનમાં કામ કરી શકે. આ બ્રેવ હાર્ટર્સને હૃદયપૂર્વક સલામ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter