વિશ્વની સૌથી મોટી એઆઇ સમિટ

Thursday 19th February 2026 04:08 EST
 
 

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ શિખર સંમેલન પાયાના ત્રણ સૂત્રો પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રામ (લોકો, પૃથ્વી અને પ્રગતિ) પર આધારિત છે. આ સમિટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પર સહયોગ અંગે ભારતનો દૃષ્ટિકોણ દર્શાવે છે. એઆઈ ઈન્ડિયા એક્સ્પોમાં અંદાજે 100 બિલિયન અમેરિકન ડોલર (અંદાજે 8.3 લાખ કરોડ રૂપિયા)થી વધુના સહયોગ અને રોકાણ સંબંધિત જાહેરાતો થવાની શક્યતા છે. આ એઆઈ સમિટ સાથે ભારતે પોતાને એક ઊભરતી વૈશ્વિક શક્તિના રૂપમાં સ્થાપિત કરી લીધું છે, જ્યાં એઆઈ તેના વિકાસના કેન્દ્રમાં હશે. ભારત દુનિયાનો લગભગ 20 ટકા ડેટા પેદા કરે છે અને અહીં 70 કરોડથી વધુ ઈન્ટરનેટ વપરાશકારો છે.

ભારત દુનિયાનું સૌથી મોટું એઆઈ ટેલેન્ટ પૂલનું ઘર છે. તેથી ભારત એઆઈ-આધારિત ઉત્પાદનો અને સેવાઓ માટે સૌથી મહત્વપૂર્ણ ઈનોવેટિવ કેન્દ્રોમાંથી એક બનવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ સમિટમાં 600થી વધુ અસાધારણ સ્ટાર્ટ્અપ્સ તેમની અત્યાધુનિક ટેક્નોલોજી દુનિયાને દર્શાવી છે. આ સ્ટાર્ટઅપ્સ એઆઈથી વર્કિંગ સોલ્યુશન્સ દર્શાવશે, જે વાસ્તવિક વિશ્વમાં ડિપ્લોય કરાયા છે. આ સમિટ દરમિયાન ભારત મંડપમમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ, 500થી વધુ સીસીટીવી અને 5,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે.
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા એઆઈ સમિટમાં દુનિયાભરમાંથી એઆઈ કંપનીઓના સીઈઓ ભાગ લઇ રહ્યા છે, જેમાં ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સુંદર પીચાઈ, ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન, માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ, બ્રેડ સ્મિથ, ગૂગલ ડીપમાઈન્ડના ડેમિસ હસાબિસ, એન્થ્રોપિકના ડારિયો અમોદેઈનો સમાવેશ થાય છે.
500થી વધુ સેશન, 3250થી વધુ વક્તા,
600 સ્ટાર્ટઅપ્સ અને 13 દેશોના પેવેલિયન
દિલ્હીના ભારત મંડપમમાં 70,000 ચો. મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ પ્રદર્શન વિશ્વની ટેક્નોલોજી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક અને સંશોધક સંસ્થાઓ, કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોને એક મંચ પર લાવશે. આ એઆઈ સમિટમાં 500થી વધુ સત્રો યોજાશે, જેમાં 3,250થી વધુ વક્તા અને પેનલ સભ્યો એઆઈ ટેક્નોલોજીના ભવિષ્ય અને માનવજીવન પર તેની અસર સહિતના વિષયો પર ચર્ચા કરશે. આ એક્સ્પોમાં 2.5 લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લેશે તેવી અપેક્ષા છે.
ઈન્ડિયા એઆઈ એક્સ્પોમાં એઆઈ ઈકોસિસ્ટમમાં 13 દેશોના પેવેલિયન્સમાં આંતરરાષ્ટ્રીય સહયોગ જોવા મળશે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, યુનાઈટેડ કિંગ્ડમ, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ, સ્વીટ્ઝરલેન્ડ, સર્બિયા, ઈસ્ટોનિયા, તાજિકિસ્તાન અને આફ્રિકાનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter