નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય વિજય થયા બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ, અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને શુભેચ્છા પાઠવી હતી. નેતાન્યાહૂએ તો એનડીએની તરફેણમાં ટ્રેન્ડ આવ્યો ત્યાં જ ટ્વીટ કરીને મોદીને નવી શરૂઆત માટે વધામણી આપી દીધી હતી.
વિશ્વભરના નેતાઓએ નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સૌપ્રથમ અભિનંદન આપતા નેતાન્યાહૂએ ટ્વીટ કર્યું હતુંઃ અસરકારક વિજય મેળવવા બદલ મિત્ર નરેન્દ્ર મોદીને અભિનંદન... આ વિજયે ફરી વખત દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં તમારા પ્રભાવને સાબિત કર્યો છે. આપણે સાથે મળીને બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનાવીશું.
ચીનના પ્રમુખ જિનપિંગે મોદીને પત્ર લખીને એનડીએના વિજય બદલ શુભેચ્છા પાઠવી હતી. જિનપિંગે લખ્યું હતું કે તમારા નેતૃત્વમાં એનડીએને લોકસભાની ચૂંટણીમાં વિજય મળ્યો તે બદલ અભિનંદન, આપણે સાથે મળીને ચીન-ભારત સંબંધોને વધુ બહેતર બનાવવાની દિશામાં સદ્ધર કામ કરીશું.
રશિયન પ્રમુખ પુતિને ફોનમાં મોદીને લોકસભામાં વિજય બદલ અભિનંદન આપ્યા હતા. એ જ રીતે જાપાનના વડા પ્રધાને પણ ફોન કરીને શુભકામના પાઠવી હતી. ભૂટાનના નરેશ ખેસર નામગ્યાસે ટેલિફોન કરીને મોદીને શુભેચ્છા આપી હતી.
શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરિસેનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતું ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે મોદીએ મેળવેલા ભવ્ય વિજય માટે તેમને અભિનંદન આપું છું. લોકોએ તમારી લીડરશીપમાં ફરીથી વિશ્વાસ મૂક્યો છે. શ્રીલંકા આપની સાથે ઘનિષ્ઠ અને મજબૂત રિલેશનશિપ ઈચ્છે છે.
ટાન્ઝાનિયાના પ્રેસિડન્ટ ડો. જોન મગુફુલીએ દેશની જનતા વતી મોદીને અભિનંદન આપ્યાં હતાં. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે આપણે આગામી સમયમાં પણ સાથે મળીને દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત બનાવીશું. અન્ય નેતાઓમાં શ્રીલંકાના વડા પ્રધાન વિક્રમેસિંઘે, અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગની, નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ વડા પ્રધાનને શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.
ઇમરાનની આશા, મોદીની અપેક્ષા
પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતથી વિજયી રહી સત્તા સંભાળનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે. પાકિસ્તાની વડા પ્રધાને આશા વ્યક્ત કરી હતી કે લોકોની ભલાઈ માટે બંને દેશો મળીને કામ કરશે. ઈમરાન ખાનના ફોનના જવાબમાં વડા પ્રધાન મોદીએ ઇમરાન ખાનને કહ્યું કે, ક્ષેત્રની શાંતિ અને સમૃદ્ધિ માટે હિંસામુક્ત અને આતંકમુક્ત માહોલ ઘણો જરૂરી છે. જ્યાં સુધી આતંકવાદની સ્થિતિમાં સુધારો નહીં આવે ત્યાં સુધી બંને દેશો વચ્ચે સ્થિતિ સુધરે તેમ નથી.