વિશ્વમાં સૈન્ય ખર્ચમાં ભારત ત્રીજા ક્રમે, અમેરિકા-ચીન ટોચના સ્થાને

Wednesday 04th May 2022 08:03 EDT
 
 

સ્ટોકહોમ: રશિયા-યૂક્રેન યુદ્ધના પગલે વિશ્વમાં ફરી એક વાર સૈન્ય ખર્ચને લઈને હરીફાઈ જામી છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે સોમવારે વિશ્વના મુખ્ય દેશોના સૈન્યના વાર્ષિક ખર્ચ પર રિપોર્ટ જાહેર કર્યો છે. આ અનુસાર, વિશ્વ સૈન્ય ખર્ચ 2021માં 2.1 ટ્રિલિયન અમેરિકી ડોલરની સાથે સૌથી ઊંચા સ્તરે પહોંચ્યો છે. સૌથી વધુ સૈન્ય ખર્ચના મામલામાં અમેરિકા ટોપ પર છે, ત્યારબાદ ચીન અને ત્રીજા ક્રમે ભારત છે.
ચાર વર્ષ પહેલા એટલે કે 2018માં ભારતનું સૈન્ય ખર્ચના મામલામાં પાંચમુ સ્થાન હતું અને ત્યારે કુલ ખર્ચ 66.5 બિલિયન ડોલર હતો. એટલે કે 2021 સુધીમાં ભારતના સૈન્ય ખર્ચમાં 10.1 બિલિયન ડોલર એટલે કે 7.74 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર, ગ્લોબલ મિલિટ્રી એક્સપેન્ડિચર 2021 માં 0.7 ટકા વધીની 2113 બિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચ્યો. 2021માં સૈન્ય પર સૌથી વધુ ખર્ચ કરનાર પાંચ દેશોમાં અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયા સામેલ હતા. દુનિયામાં કુલ સૈન્ય ખર્ચનો 62 ટકા આ પાંચ દેશોનો છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ મિલિટ્રી એક્સપેન્ડિચર અને આર્મ્સ પ્રોડક્શન પ્રોગ્રામના સીનિયર રિસર્ચર ડો. ડિએગા લોપેજ દ’સિલ્વાએ કહ્યું કે, કોરોના મહામારી પછી આર્થિક ઘટાડાની વચ્ચે સૈન્ય ખર્ચ વિક્રમજનક સ્તર પર પહોંચ્યો છે. મોંઘવારીને લીધે વિકાસદરમાં મંદી હતી. જોકે, તેમ છતાં સૈન્ય ખર્ચમાં 6.1 ટકાનો વધારો થયો છો.
ભારતનો સૈન્ય ખર્ચ ગત વર્ષે 76.6 બિલિયન અમેરિકી ડોલરની સાથે ત્રીજા સ્થાન પર રહ્યો. સરકારે 2020ની તુલનામાં 0.9 ટકાનો વધારો કર્યો છે. ભારતે ચીન અને પાકિસ્તાનની સાથે ચાલી રહેલા તણાવ તથા સરહદ વિવાદને પગલે સૈન્ય બજેટ વધાર્યું છે. ભારતનું 76.6 બિલિયન અમેરિકી ડોલર, એટલે કે 5.87 લાખ કરોડનું સૈન્ય ખર્ચ વિશ્વમાં ત્રીજા નંબર પર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter