વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની વ્યથા-કથાને વાચા આપતી ‘ધ કશ્મીર ફાઇલ્સ’

Friday 18th March 2022 05:20 EDT
 
 

નવી દિલ્હીઃ ‘ક્યા કશ્મીરી પંડિતો કો ફિર સે અપને ઘર - કશ્મીર જાને કા મૌકા મિલેગા?’ આ ડાયલોગ એક જ લાઇનનો છે, પણ બહુચર્ચિત ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’નું કથાવસ્તુ રજૂ કરી દે છે. આ ફિલ્મ એક સમયે કાશ્મીરને બંધારણીય વિશેષાધિકાર આપતા આર્ટિકલ 370ના પગલે રાજ્યમાં વસતા લઘુમતી હિન્દુ સમુદાયને થયેલા અન્યાય અને કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની વ્યથાકથા રજૂ કરે છે.
ફિલ્મ ભારતમાં જ નહીં, વિશ્વમાં ચર્ચાસ્પદ
ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં ચર્ચાસ્પદ બની છે. આ ફિલ્મ મનોરંજન ઉદ્યોગથી માંડીને રાજકીય વર્તુળો અને સોશિયલ મીડિયાથી માંડીને પરિવારજનોમાં છવાઇ ગઇ છે. એક સમયે જે ફિલ્મની સફળતા સામે આશંકા દર્શાવાતી હતી તે ફિલ્મ કરોડોમાં કમાણી કરી રહી છે. ભારતમાં તો આ ફિલ્મ દર્શાવી રહેલાં થિયેટર સ્ક્રીન્સની સંખ્યા ૨૦૦થી વધારીને ૨૦૦૦ કરવી પડી છે. ગુજરાત સહિતના અનેક રાજ્યોએ ફિલ્મને કરમુક્ત જાહેર કરી છે.

ફિલ્મકળા દ્વારા દેશસેવાઃ અગ્નિહોત્રી
‘ધ કશ્મીર ફાઇલ્સ’ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી અને તેમના અભિનેત્રી પત્ની પલ્લવી જોશી રવિવારે એક થિયેટરમાં પહોંચ્યા હતા. તેમને જોઈને ફેન્સે ઘેરી લીધા હતા અને ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર ગુજારાયેલા અત્યાચારોને, તેમણે સહન કરેલી પીડાને વાચા આપવા બદલ બિરદાવ્યા હતા. વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીએ લોકો સાથે વાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કાશ્મીરી પંડીત સમુદાયના સુરેન્દ્ર કૌલ તેમને અમેરિકાના હ્યુસ્ટનમાં મળ્યા હતા, અને તેમની સાથેની વાતચીતમાંથી ફિલ્મનું કથાવસ્તુ મળ્યું હતું.
અગ્નિહોત્રીએ કહ્યું કે, દેશના સૈનિકો બહાદુરીથી દેશની રક્ષા કરે છે તો આપણે આપણી કળાથી દેશસેવા કરવી જોઈએ આ ઉત્સાહ સાથે અમે ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. આ ફિલ્મ અમારી ચાર વર્ષની આકરી મહેનતનું ફળ છે. વચ્ચે બે વર્ષ કોરોના કાળમાં શૂટિંગ ન થઈ શક્યું. અને ફરી જ્યારે શૂટિંગ કરવા કાશ્મીર પહોંચ્યા તો ઝરણું એકદમ જામી ગયું હતું. ખૂબ મુશ્કેલીથી શૂટિંગ થઈ શક્યું છે. આ પછી લોકોના પ્રચંડ વિરોધ અને ફિલ્મના પ્રદર્શનને લઈને હેરાનગતિ થઈ, પરંતુ આજે દર્શકોનો આટલો પ્રેમ મળતો જોઇને બધો થાક ઉતરી ગયો છે.
વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરી પંડિતો પાસેથી પોતાના વિસ્થાપનની સાચી વાર્તા જાણીને તેને ફિલ્મની સાથે હેશટેગ કરીને શરૂઆત કરી છે કારણ તેઓ માને છે કે આ વાર્તા આખી દુનિયા જોશે અને તેમને ઘરે પરત ફરવામાં સરળતા રહેશે.
વડા પ્રધાને પ્રશંસા કરી...
‘ધ કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ માત્ર તેના કથાવસ્તુના કારણે જ નહીં, પરંતુ પ્રમોશનના મામલે પણ ચર્ચાસ્પદ બની છે. ફિલ્મમેકર અભિષેક અગ્રવાલ અને ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી, જેનો ફોટો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેમની સાથે એકટ્રેસ-પત્ની પલ્લવી જોશી પણ જોવા મળી રહ્યાં છે. ફિલ્મ 11 માર્ચના રોજ રિલીઝ થઈ અને 12 માર્ચના રોજ વિવેક અગ્રિહોત્રીનો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો ફોટો વાઇરલ થયો હતો. પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલે નરેન્દ્ર મોદી સાથેના વાઇરલ ફોટો સાથે લખ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનું સૌભાગ્ય મળ્યું, અને ખાસ એ રહ્યું કે #TheKashmirFiles માટે તેમના તરફથી પ્રશંસા મળી. ધન્યવાદ મોદીજી.’
અભિષેકના આ ટ્વીટને રિટ્વિટ કરતાં વિવેક અગ્રિહોત્રીએ લખ્યું કે ‘હું તમારાથી ખૂબ જ ખુશ છું. અભિષેક તમે ભારતના સૌથી પડકારજનક સત્યને પ્રોડ્યુસ કરવાનું સાહસ કર્યું. #TheKashmirFilesનું અમેરિકામાં સ્ક્રીનિંગ થવું એ સાબિત કરે છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયાનો મૂડ બદલાઈ રહ્યો છે.’
આ ફોટો વાઇરલ થયા બાદ ઘણા પ્રકારની પ્રતિક્રિયા આવી. અમુકે ફિલ્મોનાં વખાણ કરવામાં આવ્યાં, તો અમુકે આ ફિલ્મને રાજનીતિથી દૂર રાખવાનું કહ્યું.
... અને કપિલ પર ટીકાની ઝડી વરસી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો ફોટો વાઈરલ થતાંની સાથે જ લોકોએ જાણીતા કોમેડિયન કપિલ શર્માને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ટ્રોલર્સે કહ્યું હતું કે કપિલ શર્મા શોમાં વળી કેવું પ્રમોશન, પ્રમોશન તો આને કહેવાય... વાત એમ હતી કે છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયામાં વિવાદ ચાલે છે કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના મેકર્સે ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્માનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે આ માટે ઇન્કાર કરી દીધો હતો. સોશિયલ મીડિયામાં લોકોએ કપિલ શર્મા પર આક્ષેપ કર્યા કે કપિલ શર્મા ગભરાયેલો હતો એટલે તેમણે આ ફિલ્મ પ્રમોટ કરવા ના પાડી દીધી છે. આ પછી કપિલ શર્મા તરફથી જવાબ આવ્યો. તેણે રિટ્વિટ કરીને લખ્યું, ‘આ સત્ય નથી.’
આ જ ટ્વિટની એક કોમેન્ટમાં કપિલ શર્માને પૂછાયું કે શું તેઓ વિવેક અગ્નિહોત્રીને તેના શોમાં આવવા માટે આમંત્રણ આપશે? જોકે કપિલ શર્માએ આનો જવાબ આપ્યો નહોતો, પરંતુ વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કર્યું કે, 'ના'.
અનેક રાજ્યોમાં કરમુક્તિ
‘કશ્મીર ફાઈલ્સ’ને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરવાની જાહેરાત સોમવારે રાજ્ય સરકારે કરી હતી, જેનો થિયેટર માલિકોએ તત્કાળ અસરથી અમલ શરૂ કરી દીધો છે. આ અગાઉ હરિયાણા સરકાર આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી ચૂકી છે. અને હવે મધ્ય પ્રદેશ, ગોવા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ એક પછી એક રાજ્યો ફિલ્મને કરમુક્ત જાહેર કરી રહ્યા છે.
ત્રણ દિવસમાં રૂ. 33 કરોડની કમાણી
ટ્રેડ એનાલિસ્ટના જણાવ્યા મુજબ 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે 3.55 કરોડ કમાણી કરી હતી જ્યારે બીજા દિવસે 8.5 કરોડની કમાણી કરી છે. ફિલ્મે બીજા દિવસે 139.44 ટકા વધુ કમાણી કરી છે. ફિલ્મે બે દિવસમાં 12.5 કરોડ અને ત્રણ દિવસમાં 15 કરોડની કમાણી કરી છે. ફિલ્મે માત્ર દેશમાં જ નહીં વિદેશોમાં પણ ડંકો વગાડ્યો છે. આ ફિલ્મે ત્રણ જ દિવસમાં વિશ્વભરમાં 33 કરોડની કમાણી કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter