વિહિપે રામમંદિરના રૂ. ૧,૪૦૦ કરોડનો ગોટાળો કર્યો: નિર્મોહી અખાડા

Friday 17th November 2017 07:07 EST
 
 

નવી દિલ્હી: આર્ટ ઓફ લિવિંગના વડા શ્રી શ્રી રવિશંકર રામમંદિર વિવાદમાં પક્ષકારો વચ્ચે મધ્યસ્થી કરવા અયોધ્યા પહોંચે તે પહેલાં કેસના મહત્ત્વના પક્ષકાર એવા નિર્મોહી અખાડાએ વિશ્વ હિંદુ પરિષદ પર ગંભીર આરોપો મૂકતાં કહ્યું છે કે વિહિપ પર ભરોસો નથી. નિર્મોહી અખાડાના સંત સીતારામે જણાવ્યું હતું કે, વિશ્વ હિંદુ પરિષદે રામમંદિરનાં નામે ૧,૪૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. જોકે, વિશ્વ હિંદુ પરિષદે નિર્મોહી અખાડાના આરોપો પાયાવિહોણા ગણાવ્યા હતા.

નિર્મોહી અખાડાના સંત સીતારામે જણાવ્યું હતું કે, વિશ્વ હિંદુ પરિષદનાં લોકો રૂપિયા ૧,૪૦૦ કરોડ ખાઈ ગયાં છે. વિહિપે ઘેર ઘેર ફરીને એક એક ઈંટ માગી, પૈસા ઉઘરાવ્યા અને પછી એ પૈસા ખાઈ ગયા. આ પૈસાથી જ સરકાર બનાવવામાં આવી છે. અમે તો રામજીનાં સંતાનો છીએ. અમને ક્યારેય પૈસા આપવાનો પ્રસ્તાવ અપાયો નથી. પૈસા ખાઈને તો નેતાઓ બેઠા છે.

મુસ્લિમો રામમંદિરના વિરોધમાં એ બાબતે તથ્યો અલગ: રવિશંકર

આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, મુસ્લિમો રામમંદિરનો વિરોધ કરતા નથી. હું જાણું છું કે, કેટલાંક લોકો આ વાત સાથે સંમત થતાં નથી પરંતુ મોટી સંખ્યામાં મુસ્લિમો રામમંદિરના વિરોધી નથી. અત્યારે વાતાવરણ સકારાત્મક છે. લોકો આ વિવાદથી છુટકારો ઇચ્છે છે. હું જાણું છું કે આ વિવાદનો ઉકેલ સરળ નથી. અત્યારે કોઈ તારણ પર પહોંચવું વહેલું ગણાશે. ઘણી વાર સમસ્યાનો અંત દેખાતો નથી, પરંતુ જનતા, યુવાનો અને બંને સમુદાયના આગેવાનો તેને શક્ય બનાવી શકે છે.

રવિશંકરની મુલાકાત શિષ્ટાચારઃ યોગી

અયોધ્યાવિવાદનો ઉકેલ લાવવાની રવિશંકરની યોજનાની હવા કાઢી નાખતાં યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, રવિશંકરની મુલાકાત ફક્ત શિષ્ટાચાર છે. ચર્ચા દ્વારા વિવાદનો ઉકેલ લાવવામાં ઘણું મોડું થઈ ગયું છે. જો આ વિવાદને વાતચીતથી જ ઉકેલવો હતો તો તેની પહેલ ઘણી વહેલી કરવાની જરૂર હતી. રવિશંકરના પ્રયાસોમાં જો બંને પક્ષ તૈયાર થશે તો સરકાર તેમને સાથ આપશે. અત્યારે તો સરકારને આ પ્રયાસો સાથે કશી લેવાદેવા નથી.

સુન્ની વક્ફ બોર્ડને રૂ. ૨૦ કરોડની ઓફર: અખાડાનો આરોપ

નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્રદાસને એક સ્ટિંગ ઓપરેશનમાં એમ કહેતા સાંભળી શકાય છે કે, રામમંદિરનાં નિર્માણ માટે સુન્ની વક્ફ બોર્ડને રૂપિયા ૧ કરોડથી ૨૦ કરોડની ઓફર અપાય તેવી સંભાવના છે. લોકોમાં વાતચીત થઈ છે કે રામમંદિર બને. મસ્જિદના મામલે વિદ્યાકુંદ પાસે જમીન છે તે મુસ્લિમોને આપી દેવાશે. તેમને રૂપિયા ૧થી ૨૦ કરોડ આપી શકાય છે, જેથી તેમની મરજીથી રામમંદિરનું નિર્માણ થાય. સમજૂતી એ જ થવાની છે કે મુસ્લિમો નાણાં લઈને હટી જાય અને રામમંદિર બનાવવા દે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter