અમદાવાદઃ ફુલેકું ફેરવી દેનારાની યાદીમાં ભારતની ટોચની કંપની વીડિયોકોનનું પણ નામ સામેલ થયું છે. છેલ્લા છ માસથી વીડિયોકોન ગ્રુપના દેવા વિશે બજારમાં ચર્ચાઓ થઈ રહી હતી. પીએનબી કેસમાં નીરવ મોદી અને મેહુલ ચોકસી બાદ રોટોમેક અને ભારતભરના વધુ ત્રણ-ચાર કારોબારીઓ પર તપાસ એજન્સીઓએ ગાળિયો કસ્યો હતો. આ યાદીમાં સાતમીએ વીડિયોકોન ગ્રુપનું નામ પણ ઉમેરાયું છે. કુલ રૂ. ૫૩,૦૦૦ કરોડના ગંજાવર દેવા હેઠળ દબાયેલા વીડિયોકોન જૂથના વિવિધ ઠેકાણાઓ પર ક્રાઈમબ્રાન્ચે દરોડા પાડયાં છે. તપાસ એજન્સીઓએ કંપનીઓના શંકાસ્પદ વ્યવહારો વિશે તપાસ આદરી છે. વીડિયોકોનની બેન્કરપ્સી સામે છ બેંકોએ સીબીઆઈમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી દીધી છે. સીબીઆઈએ છ બેન્કોના અધિકારીઓને સવારે બોલાવ્યા હતા. દરમિયાન સીબીઆઈમાં ચાલી રહેલા ઘટનાક્રમની ગંધ આવતા વીએન જૂથના અગ્રણીઓ વિદેશ ભાગી ગયા હોવાની આશંકા છે.