નવી દિલ્હી:કોંગ્રેસના રાજ્યસભાના બે સભ્યોએ દેશના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સામેની મહાભિયોગ દરખાસ્તને ફગાવી દેવાના રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ લીધેલા નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં સોમવારે પડકાર્યો હતો. પંજાબના કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય પ્રતાપસિંહ બાજવા અને ગુજરાતના રાજ્યસભાના સભ્ય અમી હર્ષદરાય યાજ્ઞિકે સંયુક્ત અરજીમાં જણાવ્યું હતું કે, બંધારણીય રીતે જરૂરી હોય તેટલી સંખ્યામાં અર્થાત્ ૫૦ સાંસદોના હસ્તાક્ષર હોવા છતાં નાયડુએ દરખાસ્તને ફગાવી દીધી હતી. તેઓએ રજૂઆત કરી કે, મહાભિયોગની દરખાસ્ત પર બંધારણની જોગવાઈ મુજબની સંખ્યામાં સાંસદો તરફથી હસ્તાક્ષર થઈ ચૂક્યા હોય તે પછી રાજ્યસભાના અધ્યક્ષ પાસે મુખ્ય ન્યાયમૂર્તિ સામેના આક્ષેપોની તપાસ માટે સમિતિની રચના સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.