વૈષ્ણોદેવી મંદિરે નાસભાગની ઘટનામાં ૧૨ યાત્રાળુના મૃત્યુ, ૨૬ને ઇજા

Saturday 01st January 2022 04:32 EST
 
 

કટરાઃ વિશ્વભરમાં નવા વર્ષના આગમનની ધમાકેદાર ઉજવણી થઇ રહી છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીથી આઘાતજનક સમાચાર આવ્યા છે. શનિવારે - ૨૦૨૨ના નૂતન વર્ષની વહેલી સવારે વૈષ્ણોદેવી મંદિના પ્રાંગણમાં યાત્રાળુઓ વચ્ચે નાસભાગ મચતાં ૧૨ દર્શનાર્થીઓના મૃત્યુ થયા છે જ્યારે ૨૬ને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. દુર્ઘટનાસ્થળે હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. એક વર્ગ આ દુર્ઘટના માટે મંદિર વહીવટી તંત્રના અણઘડ વહીવટને જવાબદાર ઠેરવે છે ત્યારે બીજી તરફ મંદિર મેનેજમેન્ટ આ ઘટના માટે યાત્રાળુઓના પ્રચંડ ધસારાને કારણભૂત ગણાવે છે.
આ ઘટનાનો ભોગ બનેલા મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબના શ્રદ્ધાળુઓ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે એક યાત્રાળુ જમ્મુ-કાશ્મીરનો હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે. નાસભાગની આ ઘટના ટ્રિકુલા હિલ પર મંદિરની બહાર થઈ હતી. ઉલ્લેખનીય છે કે કટરાસ્થિત વૈષ્ણોદેવી મંદિર દર્શનાર્થીઓ માટે ચોવીસેય કલાક ખુલ્લું રહેતું હોય છે.
જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહે કહ્યું હતું કે કેટલાક દર્શનાર્થીઓ વચ્ચે ઝઘડો થવાથી ધક્કામુકી થઈ અને પરિણામે નાસભાગ મચી ગઇ હતી. વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસે જ થયેલી આ દુર્ઘટના બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોકની લાગણી વ્યક્ત કરી હતી અને દરેક મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter