નવી દિલ્હીઃ પ્રજાસત્તાક પર્વ પહેલાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ૨૦૧૭ના વર્ષ માટે પદ્મ પુરસ્કારો મેળવનારા મહાનુભાવોના નામ ૨૫મી જાન્યુઆરીએ જાહેર કર્યાં હતાં. સાત મહાનુભાવોને પદ્મવિભૂષણ, સાતને પદ્મભૂષણ અને ૭૫ને પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ હતી. ગુજરાતના સાત મહાનુભાવોને વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ પદ્મ પુરસ્કારો એનાયત થશે.
પદ્મવિભૂષણ મેળવનારા મહાનુભાવોમાં રાજકીય નેતા શરદ પવાર, ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, ગાયક યશુદાસ, આધાત્મિક નેતા એસ. જે વાસુદેવ, વિજ્ઞાન-પર્યાવરણ માટે ઉદિપી રામચંદ્ર રાવના નામની જાહેરાત થઈ હતી. આ સિવાય લોકસભાના પૂર્વ અધ્યક્ષ પી એ સંગમા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન સુંદરલાલ પટવાને મરણોત્તર પદ્મવિભૂષણ એનાયત થશે.
પદ્મભૂષણ પણ સાત મહાનુભાવોને એનાયત થશે. ભારતીય મૂળના અને વિદેશી નાગરિકોને મળીને પાંચ પદ્મ એવોર્ડ્સ આપવાની જાહેરાત થઈ છે. આ સિવાય ૭૫ મહાનુભાવોને પદ્મશ્રી એનાયત થવાની જાહેરાત કરાઈ હતી. તેમાં ક્રિકેટર વિરાટ કોહલી, રમત ગમત ક્ષેત્રે દીપા કરમાકર, સાક્ષી મલિક, ગાયન-સંગીત ક્ષેત્રે કૈલાશ ખેર, અનુરાધા પૌંડવાલના નામનો સમાવેશ થાય છે.
કુલ ૮ ખેલાડીઓને પદ્મ પુરસ્કારો મળશે. આ યાદીમાં વિવિધ ક્ષેત્રની કુલ ૧૯ મહિલાઓને સ્થાન મળ્યું છે. બિહારના સ્વામી નિરંજનાનંદ સરસ્વતીને યોગ માટે પદ્મભૂષણ આપવાની જાહેરાત થઈ છે. તો થાઈલેન્ડની રાજકુમારી મહાચકરી સિરિનધોર્નને પણ વિદેશી મહાનુભાવોની કેટેગરીમા પદ્મ ભૂષણ અપાશે.
ગુજરાતના આઠ મહાનુભાવોને પદ્મ ઇલકાબ
આધ્યાત્મિક-સામાજિક ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ રત્ન સુંદર મહારાજને પદ્મભૂષણ એનાયત થશે. ગુજરાતના જાણીતા ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયને આર્ટ-સંગીત ક્ષેત્ર માટે પદ્મશ્રી અપાશે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે વી.જી. પટેલ અને વિષ્ણુ પંડયા, મેડિકલ ક્ષેત્રે ડો. સુબ્રતો દાસ અને ડો. દેવેન્દ્ર ડી. પટેલ અને એગ્રીકલ્ચર ક્ષેત્રે ગેનાભાઈ પટેલને પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ છે.
ગોળીયાના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈને પદ્મશ્રી
બનાસકાંઠા જિલ્લાના લાખણીના ગોળીયા ગામે રહેતા દિવ્યાંગ ખેડૂતે દાડમની ખેતી થકી સમગ્ર દેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. અત્યાર સુધીમાં કૃષિના વિવિધ એવોર્ડ મેળવનાર ગેનાજીને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ અપાયો છે. જેઓ બનાસકાંઠા જિલ્લામાં એવોર્ડ મેળવનારા સૌ પ્રથમ ખેડૂત બન્યા છે.
લાખણીના સરકારી ગોળીયા ગામના દિવ્યાંગ પ્રગતિશીલ ખેડૂત ગેનાભાઇ પટેલે દાડમથી બાગયતી ખેતીમાં કાઠુ કાઢ્યું છે. આખી જિંદગી ઘરમાં બેસીને રોટલા ખાવા કરતાં વર્ષો સુધી લાભ મળે તેવી ખેતી કરવાની ઝંખના સાથે તેઓ દેશના અનેક રાજ્યો ખુંદી વળ્યા હતા. જેમાં મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન દાડમની ખેતીને ગામની આબોહવા અને હવામાન માફક આવશે તે જાણી દાડમની ખેતીમાં ઝંપલાવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં કૃષિના વિવિધ ૧૭ જેટલા એવોર્ડ મળ્યા છે. જેમની દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિને ડીસા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નોંધ લીધી હતી. ૨૫મીએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા એવોર્ડમાં પદ્મશ્રી માટે ગેનાભાઇનું નામ જાહેર થયું હતું. ગેનાભાઈ બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર એવોર્ડ મેળવનારા ખેડૂત છે.
ગેનાભાઈ કહે છે કે, આ સન્માન માટે મોબાઇલ પર દિલ્હીથી ફોન આવ્યો હતો. જેમાં મને જણાવાયું હતું કે, પદ્મશ્રી સન્માનની યાદીમાં આપનું નામ છે. આ સાંભળીને મને એટલી બધી ખુશી થઇ હતી કે મને પ્રત્યુત્તર આપવા માટે શબ્દો મળ્યા હતા. બે ઘડી પછી મારા ભાઇ સાથે વાત કરી શક્યો હતો. એવોર્ડ માટે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગુજરાત સરકાર અને કૃષિ યુનિવર્સિટીનો હું આભારી છું.