નવી દિલ્હી: લદ્દાખમાં ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ચીની સેનાની ઘૂસણખોરીના પ્રયાસને અટકાવવા દરમિયાન થયેલા માઇન બ્લાસ્ટમાં તિબેટિયન સૈનિક નાઇમા તેનજિંગ શહીદ થયાં હતાં. નાઈમાના તાજેતરમાં અંતિમ સંસ્કાર થયાં તેમાં ભારતમાં સત્તાધારી પાર્ટીના વરિષ્ઠ નેતા રામ માધવની હાજરી સૂચક બની રહી હતી. ભારત સરકારે રામ માધવને મોકલીને પોતાની નીતિમાં આવેલા બદલાવનો ચીનને સ્પષ્ટ સંકેત આપી દીધો છે. લેહમાં આવેલા ચોગલામસાર તિબેટિયન શરણાર્થી કેમ્પમાં રહેતા તેનજિંગને રામ માધવે ‘ભારત માતા કી જય’ના નારા વચ્ચે શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપસ્થિત લોકોએ તિબેટનો પણ જયકાર બોલાવ્યો હતો. રામ માધવે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, લદ્દાખમાં ભારતની સરહદની રક્ષા કરતા પોતાના જીવનની આહુતિ આપનારા સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના કંપની લીડર નાઇમા તેનજિંગની અંતિમક્રિયામાં મેં હાજરી આપી. આવા બહાદુર જવાનના બલિદાનથી ભારત અને તિબેટની સરહદ પર શાંતિ સ્થપાય તેવી હું આશા રાખું છું. તિબેટિયન સૈનિકના મિલિટરી સન્માન સાથેના અંતિમ સંસ્કારમાં રામ માધવની હાજરી બેઇજિંગને સ્પષ્ટ સંકેત આપે છે. અગાઉ ભારત તિબેટિયન ઓટોનોમસ રિજિયનને ચીનનો હિસ્સો માની ચૂક્યો છે. ભૂતકાળમાં ક્યારેય તિબેટિયન જવાનના જાહેરમાં મિલિટરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયાં નથી
ભારતના વિદેશ અને સંરક્ષણ મંત્રાલયે તેનજિંગના અંતિમ સંસ્કાર અને રામ માધવની હાજરી પર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. ભૂતકાળમાં ક્યારેય આ રીતે તિબેટિયન જવાનના આ રીતે જાહેરમાં મિલિટરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયાં નથી. વિદેશમંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રામ માધવ સરકારનું પ્રતિનિધિત્વ કરતાં નથી. અંતિમ સંસ્કાર અંગે ફક્ત મીડિયા રિપોર્ટ આવ્યાં છે. તેનાથી સરકારની નીતિમાં કોઈ બદલાવ થતો નથી.
ભારતમાં નિર્વાસિત તિબેટિયનોની વિકાસ રેજિમેન્ટના કંપની લીડર હતા તેનજિંગ
ચીની સેના સામેના બ્લેક ટોપ ખાતેના ઓપરેશન દરમિયાન અકસ્માતે માઇન વિસ્ફોટ થતાં તેનજિંગ શહીદ થયાં હતાં. આ ઓપરેશનમાં ભારતમાં નિર્વાસિત તિબેટિયનોની સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સની વિકાસ રેજિમેન્ટ જોડાઈ હતી. આ રેજિમેન્ટમાં તિબેટથી ભારતમાં આશ્રય માટે આવેલા અને ગેરીલા યુદ્ધમાં મહારત રાખતા સૈનિકોને મહત્ત્વ આપવામાં આવે છે. સામાન્ય રીતે સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના જવાનની શહાદતને જાહેર કરવામાં આવતી નથી. ૩૩ વર્ષીય તેનજિંગની શહાદતની પણ સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ નહોતી.