શિરડી એરપોર્ટ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કાર્યરત

Wednesday 20th September 2017 10:03 EDT
 
 

મુંબઈઃ શિરડી સાઈબાબાના ભક્તો માટે સારા સમાચાર એ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં શિરડી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની (MADC) દ્વારા ૩૫૦ કરોડ રુપિયાના ખર્ચે શિરડી એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં શ્રી સાઈ બાબા સંસ્થાન દ્વારા ૫૦ કરોડ રુપિયાનું દાન અપાયું છે.
દૈનિક ઓછામાં ઓછાં ૫૦૦ યાત્રાળુઓ આ એર સર્વિસનો લાભ લેશે તેવી શક્યતાથી મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદથી ૧૨ ઉડ્ડયનનું આયોજન કરાયું છે. સરકારના સૂત્રોએ જણાવ્યા મુજબ પહેલી ઓક્ટોબરે એરપોર્ટનું ઉદ્ઘાટન થઈ શકે છે. ૨૦૦૪માં સ્થાપિત MADC દ્વારા સૌપ્રથમ શિરડી એરપોર્ટનું નિર્માણ કરાયું છે. એરપોર્ટનો રનવે ૩,૨૦૦ મીટરનો છે, જ્યારે ટર્મિનલ બિલ્ડિંગ ૨,૭૫૦ ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને હેંગરમાં ચાર વિમાનના પાર્કિંગની સુવિધા છે. એરપોર્ટ ખાતે દર્શન અને પ્રસાદના પાસ આપવાનાં કાઉન્ટર્સ પણ રખાશે તેમજ ૧૫ કિલોમીટરના અંતરે આવેલા મંદિર સુધી ટ્રાન્સપોર્ટની ઓફર પણ કરાશે.
મુંબઈ અને શિરડી વચ્ચે દિવસની ચાર જ્યારે, દિલ્હી અને હૈદરાબાદથી એક-એક ઉડ્ડયન સેવા ચાલુ થશે. મુંબઈ અને દિલ્હીથી એલાયન્સ એરલાઈન્સની સેવા મળશે અને ટ્રુજેટ હૈદરાબાદથી ઓપરેટ કરશે. ઈન્ડિગો દ્વારા પણ ઉડ્ડયન માટે અરજી કરાઈ છે જેનો નિર્ણય ટુંક સમયમાં લેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter