શિવસેના-કંગના વચ્ચે વરવો વિખવાદઃ સત્તાના મદમાં નૈતિક્તાના લીરા ઉડ્યા

Thursday 17th September 2020 06:19 EDT
 
 

મુંબઇ: સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં બોલિવૂડ, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા બાદ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે શરૂ થયેલા વાક્યુદ્ધે મુંબઇમાં વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું. અત્યારે તો આ યુદ્ધ થોડુંક શાંત પડ્યું હોય તેમ જણાય છે, પરંતુ કંગના રનૌત અને શિવસેના વચ્ચેના જુબાની જંગમાં ન કેવળ નૈતિકતાના લીરેલીરા ઊડયા પરંતુ રાજનીતિ કેટલી અધમ કક્ષાએ પહોંચી છે તેનો ઉદાહરણ મુંબઇમાં જોવા મળ્યું હતું. શિવસેના શાસિત મહાનગરપાલિકાએ સત્તાના મદમાં કંગનાની ઓફિસ તોડી પાડી હતી.

કંગનાએ ભારે હૈયે મુંબઈ છોડયું

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પાંચ દિવસ મુંબઈમાં શિવસેના સાથે શાબ્દિક યુદ્ધ ખેલ્યા પછી આખરે વાયા ચંડીગઢ થઈને તેના વતન મનાલી પાછી ફરી હતી. કંગનાએ કહ્યું કે તેણે ભારે અને ભગ્ન હ્ય્દયે મુંબઈ છોડયું છે. તેણે કહ્યું કે હું જીવ બચાવીને મુંબઈથી ભાગી છું. ચંડીગઢ ઊતરતા જ મારી સિક્યુરિટી માત્ર નામની રહી ગઈ છે. લોકો મને અભિનંદન આપી રહ્યાં છે.
એક દિવસ હતો જ્યારે મુંબઈમાં હું માતાનાં આંચલ જેવી શીતળતા અનુભવતી હતી આજ એવો દિવસ છે કે જાન બચી તો લાખો પાયે, શિવસેનાએ સોનિયા સેના બનતાં જ મુંબઈમાં આતંકી પ્રશાસનની બોલબાલા જોવા મળી છે. આ વર્ષે દિલ્હીમાં લોહી રેડાયું. સોનિયા સેનાએ મુંબઈમાં કાશ્મીરની આઝાદીનાં સૂત્રો પોકાર્યા. એકની મુક્તિ માટે બીજાનો અવાજ મહત્ત્વનો બને છે. મારો અવાજ પણ સંભળાય તેમ હું ઇચ્છું છું. પણ સાવધ રહેજો, હવે મુક્તિ ફક્ત અવાજ ઉઠાવવાથી નહીં મળે, તેને માટે લોહી રેડવું પડશે.

કંગનાને પીએમઓનું સમર્થન: રાઉત

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે, અમે તો નાના માણસો છીએ. જેની પાછળ પીએમઓ (વડા પ્રધાન કાર્યાલય) હોય તેવી મહાન વ્યક્તિ કશું કહેતી હોય તે મુદ્દે વાત કરવાનું યોગ્ય નથી. દેશની સરકાર જેની સાથે ઊભી હોય તે અંગે વાત કરવાનું મને યોગ્ય લાગતું નથી. કેન્દ્ર સરકાર જવાબ આપવો હશે તે આપશે. સમજદારને ઈશારો જ કાફી છે. કાયદો અને વ્યવસ્થા એ રાજ્યનો અધિકાર છે તેમાં કેન્દ્રએ દખલગીરી કરવાની જરૂર નથી.

કંગના મહારાષ્ટ્રના ગવર્નરની મુલાકાતે

કંગના રનૌતે રવિવારે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી. તેની સાથે થયેલા અન્યાય વિશે વાત કરી હતી. આ પછી કંગનાએ જણાવ્યું કે, ગવર્નર આપણા બધાના અભિભાવક છે. જેવી રીતે મારી સાથે ખરાબ વર્તન થયું છે, તે વિશે વાત કરી છે. આશા રાખું છું કે, મને ન્યાય મળશે, જેથી યુવતીઓ સહિત તમામ નાગરિકોનો સિસ્ટમ પ્રત્યેનો વિશ્વાસ જળવાઇ રહેશે. હું નસીબદાર છું કે, રાજ્યપાલે એક દીકરીની જેમ મારી વાતો સાંભળી. નોંધનીય છે કે, રાજ્યપાલ સાથેની મુલાકાત દરમિયાન કંગના રનૌત સાથે તેની બહેન રંગોલી પણ હતી.

એવું ન સમજતાં કે જવાબ નથીઃ ઉદ્ધવ

કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ મધ્યે રવિવારે મહારાષ્ટ્રની જનતા જોગ સંદેશામાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, હું ચૂપ છું તેનો અર્થ એ નથી કે મારી પાસે કોઇ જવાબ નથી. મહારાષ્ટ્ર સરકાર અત્યારે અત્યંત પ્રતિકૂળ સમયમાં કામ કરી રહી છે. અત્યારે હું રાજનીતિની વાત કરવા માગતો નથી. મહારાષ્ટ્રને બદનામ કરવાનો જે સિલસિલો ચાલી રહ્યો છે તેના પર હું સીએમપદનું માસ્ક ઉતારીને વાત કરીશ. રાજનીતિ અને જાહેર આરોગ્ય પર બોલતાં ઉદ્ધવે જણાવ્યું હતું કે, હું બંને વચ્ચે સંતુલન જાળવી લઇશ.

તો ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી દે: નિવૃત્ત નેવી અધિકારી

શિવસેના પર વ્યંગ કરતા એક કાર્ટૂનના કારણે શિવસૈનિકોના હુમલાનો ભોગ બનેલા નિવૃત્ત નેવી અધિકારી મદન શર્માએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થામાં કોઇ સુધારો આવ્યો નથી. જો કાયદો અને વ્યવસ્થા ન જળવાતી હોય તો ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દેવું જોઇએ. મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિશાસન લાદવું જોઇએ. ઉદ્ધવ સરકારને બરખાસ્ત કરી દેવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter