નવી દિલ્હીઃ શિવસેનાએ પહેલાં ભાજપ સાથે છૂટાછેડા કરીને લોકસભાની ચૂંટણી એકલા લડવાનું નક્કી કર્યું હતું. હવે અન્ય એક પક્ષ અને આંધ્ર પ્રદેશના સત્તાધારી ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ પણ મોદી સરકાર સામે બાયો ચડાવી છે અને પોતાના બે પ્રધાનોને મોદી સરકારમાંથી પરત બોલાવી લીધા છે. તેઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આંધ્રને સહાય કરવામાં મોદી સરકાર પણ નિષ્ફળ રહી છે અમારા મોદી સરકારમાં જે બે પ્રધાનો છે તેઓ ગુરુવારે રાજીનામું આપશે. આ પહેલા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ વિધાનસભામાં ત્રણ કલાક પોતાનું ભાષણ આપીને મોદી સરકારને આડેહાથ લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે મોદીજી જ્યારે વિપક્ષમાં હતા ત્યારે કોંગ્રેસને આંધ્ર પ્રદેશ મુદ્દે ઘેરી હતી અને હવે જ્યારે તેઓ સત્તામાં છે ત્યારે આપેલા વચનો પુરા નથી થઇ રહ્યા. ચંદ્રબાબુ નાયડુએ ચેતણી આપી હતી કે મે ચાર વર્ષ સુધી આંધ્ર પ્રદેશને ન મળેલા વળત મુદ્દે મૌન રાખ્યું પણ હવે ચુપ નહીં બેસું. જોકે કેન્દ્ર સરકાર અને ટીડીપી વચ્ચેનો સંબંધ તૂટે નહીં એ માટે હજી કેન્દ્ર સરકારે ચર્ચા વિચારણા કરવાનું નક્કી કર્યું છે.