શિવસેનાને 56 વર્ષમાં સૌથી મોટો કમરતોડ ફટકો, ફરી બેઠાં થવું મુશ્કેલ

Saturday 09th July 2022 07:19 EDT
 
 

મહારાષ્ટ્રમાં અચાનક શિવસેનામાં રાજકીય બળવો થવાને પગલે ઉદ્ધવ ઠાકરેના ટેકેદારોની સંખ્યા ઘટી જવાને પગલે તેમને મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દેવું પડયું અને બળવાખોર એકનાથ શિંદેની મુખ્ય પ્રધાન પદે વરણી થઇ છે. આ સાથે 2012માં પક્ષના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના અવસાન બાદ પક્ષ સામે ફરી એક વાર મોટો પડકાર આવી પડયો છે. ઉદ્ધવ ઠાકરેએ 29 જૂને ભાવુક બનીને મુખ્ય પ્રધાનપદેથી રાજીનામાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હવે હું પહેલાની જેમ દાદરમાં આવેલા શિવસેના ભવનમાં બેસીને લોકોને મળીશ.
જોકે સમય હવે બદલાયો છે
હવે મહાનગરપાલિકાની ચૂંટણીઓ તોળાઇ રહી છે ત્યારે પક્ષ માટે આ કપરાં ચડાણ છે. નવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ સત્તાના જોરે ઉદ્ધવ ઠાકરેના પક્ષને વધારે નબળો પાડવામાં કોઇ કમી નહીં રાખે. વરિષ્ઠ રાજકીય સમીક્ષકોના જણાવ્યા અનુસાર શિવસેના તેના 56 વર્ષના ઇતિહાસમાં આવા અનેક બળવા જોઇ ચૂકી છે અને દરેક વખતે વધારે મજબૂત બનીને બહાર આવી છે. 1991માં પક્ષના દલિત નેતા છગન ભુજબળે, 2005માં નારાયણ રાણેએ, 2006માં રાજ ઠાકરેએ પણ શિવસેના સામે બળવો પોકાર્યો હતો. પણ એ વખતે જે નુકશાન થયું હતું તેની સરખામણીમાં આ વખતે મોટું નુકશાન થવાની સંભાવના છે. એ સમયે કોઇ બળવાખોર પાસે સત્તા નહોતી. આ વખતે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન છે એ મોટો ફરક છે. અગાઉ ભુજબળ અને રાણેએ બળવો કર્યો ત્યારે મોટાપાયે શિવસૈનિકોએ વિરોધ કર્યો હતો અને એ પછીની ચૂંટણીઓમાં બંને નેતાઓને હરાવ્યા હતા.
પણ 2014માં લોકસભામાં ભાજપે હિન્દુત્વના જોરે દેશમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું તે સાથે શિવસેના માટે મુશ્કેલ સમયની શરૂઆત થઇ હતી. જોકે 2019માં ચૂંટણી પૂર્વે થયેલી યુતિને ચાતરી કોંગ્રેસ અને એનસીપી સાથે બેસી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન તરીકે સત્તા હાંસલ કરતાં ભાજપના પેટમાં તેલ રેડાયું હતું. જેના પગલે ભાજપ શિવસેનાને સાણસામાં લેવા માટેની તક શોધતો હતો જે તેને એકનાથ શિંદેના સ્વરૂપે મળી હતી.
એકનાથ શિંદેએ કરેલા બળવાને કારણે શિવસેનાને તેના ગઢ સમાન વિસ્તારો થાણે, કોંકણ અને મરાઠવાડામાં પણ મોટો ફટકો પડયો છે. મુખ્ય પ્રધાન તરીકે આખરી કેબિનેટ મિટિંગમાં ઉદ્ધવ ઠાકરે સાથે માત્ર ત્રણ શિવસૈનિકો હતા જેમાં તેમના પુત્ર આદિત્ય ઠાકરે, સુભાષ દેસાઇ અને અનિલ પરબનો સમાવેશ થતો હતો.
જોકે, મહારાષ્ટ્રના રાજકારણની નાડ પારખતા જાણીતા પત્રકાર કુમાર કેતકર જણાવ્યું હતું કે શિવસેનાના નામે હાલ હિસાબ પુરો કરી નાંખવો એ વહેલું ગણાશે, કેમ કે શિવસેનાને તેના શિવસૈનિકોનો મોટો ટેકો છે. શિવસેના ખતમ થઇ નથી તે ફરી ઉભી થશે. જે રીતે ઉદ્ધવ ઠાકરેની સરકારને ઉથલાવવામાં આવી છે તે મતદારોને પસંદ પડ્યું નથી. આ કોઇ વિચારધારાની લડાઇ નથી. આ તો સત્તાની સાઠમારી છે. એકનાથ શિંદે થાણેના નેતા છે જ્યારે ઉદ્ધવ ઠાકરે આખા મહારાષ્ટ્રના નેતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter