નવી દિલ્હીઃ મથુરામાં કૃષ્ણના જન્મસ્થળને લઈને ચાલતા વિવાદ વચ્ચે મહત્ત્વની માહિતી સામે આવી છે. એક RTI (રાઇટ ટુ ઇન્ફર્મેશન) એટલે કે માહિતીના અધિકારના જવાબમાં ભારતીય પુરાતત્વ વિભાગે (એએસઆઇ) કહ્યું છે કે મુગલ શાસક ઔરંગઝેબે સંકુલમાં મસ્જિદ માટે એક હિન્દુ મંદિર તોડી પાડ્યું હતું. જોકે, આરટીઆઈના જવાબમાં કૃષ્ણ જન્મભૂમિનો તો ખાસ ઉલ્લેખ નથી, પરંતુ કેશવદેવ મંદિરનો જરૂર ઉલ્લેખ છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહી ઈદગાહને હટાવવા માટે ચાલી રહેલી કાયદાકીય લડાઈમાં આરટીઆઈનો જવાબ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ઉત્તર પ્રદેશના મૈનપુરીના અજય પ્રતાપ સિંહે કેશવદેવ મંદિરને તોડી પાડવા અંગે માહિતી માંગતી RTI દાખલ કરી હતી અને તે સ્થળ કૃષ્ણ જન્મભૂમિ સંકુલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પુરાતત્વ વિભાગના આગ્રા સર્કલના અધિકારી દ્વારા આરટીઆઇનો જવાબ આપવામાં આવ્યો હતો. તે વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે વિવાદિત સ્થળ પર સ્થિત કેશવદેવ મંદિરને મુઘલ શાસક દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એએસઆઇને મથુરાએ કૃષ્ણ જન્મભૂમિના 1920 ગેઝેટના ઐતિહાસિક રેકોર્ડના આધારે આ માહિતી આપી છે. તેમાં ગેઝેટના અંશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘કટરા ટેકરાના કેટલાક ભાગો કે જે નઝુલના કબજામાં ન હતા, ત્યાં કેશવદેવનું મંદિર અગાઉ ઊભું હતું, તેને તોડી પાડવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ ઔરંગઝેબની મસ્જિદ માટે કરવામાં
આવ્યો હતો.’
આ માહિતી શા માટે મહત્વપૂર્ણ?
‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ અનુસાર, મસ્જિદ વિરુદ્ધ અરજી કરનારાઓમાંના એક એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહનું કહેવું છે કે તેઓ અલ્હાબાદ હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ પુરાવા રજૂ કરશે. તેમણે કહ્યું, ‘ઐતિહાસિક પુરાવાના આધારે અમે અમારી અરજીમાં જણાવ્યું છે કે ઔરંગઝેબે 1670માં મથુરામાં કેશવદેવ મંદિરને તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો.’ તેણે કહ્યું, ‘આ પછી ત્યાં શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી. હવે ભારતીય પુરાતત્વ વિભાગે એ આરટીઆઇના જવાબમાં માહિતી આપી છે. અમે હાઈ કોર્ટમાં ભારતીય પુરાતત્વ વિભાગનો જવાબ પણ રજૂ કરીશું.’
તેમણે કહ્યું કે આનાથી શાહી ઇદગાહ મસ્જિદના સર્વેની અમારી માંગને મજબૂતી મળશે. ગયા અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદની કોર્ટની દેખરેખ હેઠળ અલ્હાબાદ હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. આ પ્રતિબંધ એપ્રિલના મધ્ય સુધી અમલમાં રહેશે.
અજય પ્રતાપ સિંહે કેશવદેવ મંદિરને ‘વિખેરી નાખવા’ વિશે ચોક્કસ માહિતી માંગી હતી અને કૃષ્ણ જન્મભૂમિ મંદિર સંકુલનો ભાગ હોવાનો દાવો કર્યો હતો. આરટીઆઈના જવાબમાં, ભારતીય પુરાતત્વ વિભાગે ‘કૃષ્ણ જન્મભૂમિ’ શબ્દોનો ખાસ ઉલ્લેખ ન કરતાં મુઘલ સમ્રાટ દ્વારા વિવાદિત સ્થળ પર કેશવદેવના ભૂતપૂર્વ મંદિરને તોડી પાડવાની પુષ્ટિ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું કે ઐતિહાસિક પુરાવાઓના આધારે, અમે અમારી અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે ઔરંગઝેબે 1670માં મંદિરને તોડી પાડવા માટે એક હુકમનામું બહાર પાડયું હતું. તે પછી, ત્યાં શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી. હવે ભારતીય પુરાતત્વ વિભાગે આરટીઆઇના જવાબમાં માહિતી પ્રમાણિત કરી છે. અમે 22 ફેબ્રુઆરીની સુનાવણી દરમિયાન ભારતીય પુરાતત્વ વિભાગનો જવાબ હાઇ કોર્ટમાં આગળ મોકલીશું.’
બ્રિટિશ સરકારના ગેઝેટમાં 37મા ક્રમે મંદિરનો ઉલ્લેખ। કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના પ્રમુખ એડવોકેટ મહેન્દ્ર પ્રતાપે જણાવ્યું હતું કે બ્રિટિશ શાસન દરમિયાન કાર્યરત જાહેર બાંધકામ વિભાગના મકાન અને માર્ગ વિભાગ દ્વારા 1920માં અલ્હાબાદથી પ્રકાશિત ગેઝેટમાં નોંધણી મુજબ ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળોએ 39 સ્મારકોની સૂચિ પ્રદાન કરી હતી. આ યાદીમાં કટરા કેશવ દેવ ભૂમિ ખાતેની શ્રી કૃષ્ણ ભૂમિનો ઉલ્લેખ 37મા નંબરે છે. તેમાં નોંધાયું છે કે પહેલા કટરા ટેકરા પર કેશવ દેવ મંદિર હતું. તેને તોડી પડાયું હતું અને તે જગ્યાનો ઉપયોગ મસ્જિદ માટે કરાયો હતો.


