ઉત્તર પ્રદેશના લખનઉના વતની એવા 40 વર્ષના શુભાંશુ શુક્લા પોતાને અજ્ઞેયવાદી માને છે, એટલે કે તેઓ માને છે કે માનવજ્ઞાનની મર્યાદાઓ છે. આપણે બધું જ જાણી શકતા નથી. બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરનાર શુભાંશુ શુક્લાના પત્નીનું નામ છે કામના અને આ યુગલના પુત્રનું નામ છે કિયાશ.
વર્ષ 2000ની આસપાસની વાત છે. શુભાંશુના પિતા શંભુ દયાલ ઘરે બેઠા હતા, ત્યારે તેમનો લેન્ડલાઇન ફોન રણક્યો. સામેથી અવાજ આવ્યો... અભિનંદન, તું એનડીએમાં પસંદ થઈ ગયો છે. ફોન કરનારો વ્યક્તિ શુભાંશુનો મિત્ર હતો, જે તેને અભિનંદન આપવા માગતો હતો. આમાં ચોંકાવનારી વાત એ હતી કે, તે ફોન કોલ પછી જ શુભાંશુ શુક્લાના પિતાને ખબર પડી કે શુભાંશુએ એનડીએનું ફોર્મ ભર્યું હતું અને તે ભારતીય સેનામાં જોડાવા માગે છે. ખરેખર શંભુ દયાલ શુક્લા તેમના દીકરાને આઈએએસ બનાવવા માગતા હતા. પરંતુ શુભાંશુના મનમાં કંઈક બીજું જ હતું.
એક મુલાકાતમાં શંભુ દયાલ કહે છે કે, તે ક્યારેય પોતાની યોજના અગાઉથી કહેતો નથી. તેને જ્યારે આ મિશન માટે પસંદ કરાયો ત્યારે પણ અમને ચાર દિવસ પછી કહ્યું હતું. શુભાંશુની માતા આશા શુક્લા કહે છે કે, તે બાળપણથી જ ખૂબ જ મહેનતુ હતો. ક્યારેય કોઇ વસ્તુ માંગતો નહીં. ઘરે જે કંઈ બને તે ખાઈ લેવાનું અને જે મળે તેનાથી સંતુષ્ટ રહેવાની તેની ટેવ હતી. તેની શાળા સીએમએસના સ્થાપક ભારતી ગાંધી કહે છે કે, શુભાંશુ અભ્યાસમાં સરેરાશ હતો, પણ મહેનતુ હતો. પિતા શંભુ દયાલ કહે છે કે, શુભાંશુ બજરંગ બલીનો ભક્ત છે અને બાળપણથી જ તેમની
પૂજા કરે છે. આજે પણ તેમનો જ ભક્ત છે. તે ગીતાનો પાઠ પણ કરે છે. નવરાશની પળોમાં તેને કસરત કરવી અને વિજ્ઞાન સંબંધિત પુસ્તકો વાંચવા ગમે છે.
પિતા સરકારી અધિકારી હતા
શુભાંશુ શુક્લાનો જન્મ લખનઉમાં શંભુ દયાલ અને આશા શુક્લાના ઘરે થયો હતો. પિતા ઉત્તરપ્રદેશ સચિવાલયમાં અધિકારી હતા. માતા ગૃહિણી છે. પ્રારંભિક શિક્ષણ લખનઉની સિટી મોન્ટેસરી સ્કૂલમાં લીધું. 16 વર્ષની ઉંમરે એનડીએમાં પસંદગી થઈ. અહીં કમ્પ્યૂટર સાયન્સમાં સ્નાતક કર્યું. પછી ભારતીય વિજ્ઞાન સંસ્થા-બેંગલુરુમાં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી લીધી.
શુભાંશુની લવ સ્ટોરી ફિલ્મી છે. તેમની પત્ની ડો. કામના મિશ્રા ડેન્ટિસ્ટ છે, જે તેની સ્કૂલની મિત્ર છે. ત્રીજા ધોરણથી અનેક વર્ષો સુધી બંને સાથે ભણ્યા છે. પછી પરિવારની સહમતિ સાથે બંનેએ લગ્ન કર્યા. તેમનો એક પુત્ર ક્રિયાશ છે.
ગગનયાન મિશનથી આઈએસએસ સુધી
વર્ષ 2006માં શુભાંશુએ ભારતીય વાયુસેનામાં ફાઈટર પાઇલટ તરીકે કારકિર્દી શરૂ કરી. તેમની પાસે 2000 કરતા વધુ કલાકના ઉડ્ડયનનો અનુભવ છે, જેમાં સુખોઈ-30, એમકેઆઈ, મિગ-21 જેવા વિમાન સામેલ છે. 2019માં ઇસરોએ તેમને ગગનયાન મિશન માટે પસંદ કર્યા હતા. પછી 25 જૂન 2025ના રોજ એક્સિઓમ-4 મિશનમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશને પહોંચ્યા છે.


