શેરબજારમાં ‘આખલા’એ દોટ મૂકીઃ ૨૩ વર્ષમાં શ્રેષ્ઠ બજેટ દિવસ

Wednesday 03rd February 2021 03:48 EST
 
 

મુંબઇઃ નાણા પ્રધાન સીતારમણે ૨૦૨૧-૨૨ માટે રજૂ કરેલું બજેટ શેરબજાર રોકાણકારો માટે ડ્રીમ બજેટ બની રહ્યું હતું. શેરબજારે બજેટને છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળાનો શ્રેષ્ઠ પ્રતિસાદ આવ્યો હતો, જેની પાછળ બેન્ચમાર્ક સેન્સેક્સ ૫ ટકા અથવા ૨૩૧૫ ઊછળી ૪૮,૬૦૧ના સ્તરે બંધ રહ્યો હતો. બીજા દિવસે મંગળવારે સુધારો આગળ વધ્યો હતો અને સેન્સેક્સ ૧૧૯૭ પોઇન્ટ વધીને ૪૯,૭૯૭ પર બંધ રહ્યો હતો.
સોમવારે રજૂ થયેલા બજેટે બજારમાં સતત છ દિવસથી જોવા મળતાં ઘટાડાને બ્રેક મારવા સાથે અંતિમ કેટલાક દિવસોમાં માર્કેટમાં જોવા મળેલા તીવ્ર ઘટાડાની સાથે ૬૦ ટકા રિકવરી દર્શાવી દીધી હતી. બજેટના બુસ્ટર ડોઝ પાછળ બજારે એક ઝાટકામાં તેના તમામ મહત્ત્વના અવરોધોને પાર કર્યા હતા. નિફ્ટીએ ૬૪૭ પોઈન્ટ્સના સુધારે ૧૪,૨૮૧નો બંધ દર્શાવ્યો હતો.
એનાલિસ્ટના મતે બજાર ફરી મજબૂત બન્યું છે. સોમવારે એક દિવસમાં ૫ ટકાનો ઉછાળો નોધાયો હતો. જે ૧૯૯૭ બાદ એટલે કે અંતિમ ૨૩ વર્ષોમાં બજેટ દિવસનો શ્રેષ્ઠ દેખાવ હતો. અંતિમ દાયકામાં રજૂ થયેલા ૧૪ બજેટ દરમિયાન બજારના દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે છેલ્લા વર્ષોમાં આટલો તીવ્ર ઉછાળો નથી જોવા મળ્યો. ગયા વર્ષે નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટની પ્રતિક્રિયામાં બજારે ૨.૪૩ ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter