શ્રી રામ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ બપોરે 12-20 કલાકે

Sunday 26th November 2023 16:29 EST
 
 

અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી-2024ના રોજ અભિજીત મુહૂર્ત મૃગષિરા નક્ષત્રમાં બપોરે 12-20 કલાકે કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થશે. આ આયોજનને ભવ્ય બનાવવાની તૈયારીઓ અત્યારથી શરૂ થઇ છે.
અયોધ્યામાં જે રીતે દિવાળીના શુભ અવસર પર મંદિરને શણગારાયું હતું, એ જ પ્રકારે ભગવાન રામની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા વેળા અયોધ્યાના તમામ મઠ-મંદિરોને પણ શણગારાશે.
આ કાર્યક્રમને ચાર તબક્કામાં વહેંચાયો છે. પ્રથમ તબક્કાનો આરંભ રવિવારથી થઈ ગયો છે, જે 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન સમગ્ર સમારોહની રૂપરેખા તૈયાર થશે, આ અંતર્ગત જિલ્લા અને તાલુકા સ્તર પર દસ લોકોની ટીમ બનાવાશે, જે વધુને વધુ લોકોને જોડશે. પહેલી જાન્યુઆરીથી શરૂ થતા દ્વિતીય તબક્કામાં લગભગ 10 કરોડ પરિવારોમાં પૂજા - અક્ષત અને રામલલાના વિગ્રહનું ચિત્ર, પત્રક અપાશે. આ દરમિયાન ઘેર-ઘેર જઈને ભગવાન રામના ઉત્સવને મનાવવા અપીલ કરાશે. 22 જાન્યુઆરીથી આરંભ થતાં તૃતીય ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાન રામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા થશે. એ દિવસે સમગ્ર દેશમાં ઉત્સવ તથા ઘેર-ઘેર અનુષ્ઠાન જેવો માહોલ બનાવશે. જ્યારે ચોથા તબક્કામાં મંદિર વહીવટી તંત્રના પ્રયાસ રહેશે કે વધુને વધુ ભક્તો રામમંદિરમાં ભગવાનના રામના દર્શન કરવા માટે આવે, આ માટે દેશભરમાં અભિયાન ચલાવવામાં આવશે. ચોથો તબક્કો 22 ફેબ્રઆરી, 2024 સુધી ચાલશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter