શ્રીનિવાસન અને ચંદ્રાના પરિવારના સભ્યો બિઝનેસ હિતથી સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ

ચંદ્રાના પત્ની અને પુત્રએ સ્થાપેલી કંપનીને શ્રીનિવાસનની માલિકીની ટીવીએસ મોટર કંપનીએ લિઝ પર જમીન આપી છે

Tuesday 29th September 2026 12:33 EDT
 
 

અમદાવાદ: ટાટા સન્સમાં બહુમતી હિસ્સો ધરાવતી બે ટ્રસ્ટ પૈકીના સર દોરાબજી ટાટા ટ્રસ્ટ દ્વારા 17સપ્ટેમ્બરે યોજાનારી બોર્ડ બેઠકમાં મતદાન નહીં કરવાની સુચના અપાઇ હોવા છતાં તેની વિરુદ્ધ જઈને આ બેઠકમાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રાની પાંચ વર્ષ માટે પુનઃ નિયુકિત અને કંપનીના લિસ્ટિંગની તરફેણમાં વોટિંગ કરાનારા વેણુ શ્રીનિવાસન અને એન. ચંદ્રા એકબીજા સાથે વ્યાવસાયિક હિતોથી સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ એક અંગ્રેજી અખબારે કર્યો છે.
‘ધ મિન્ટ’ અખબારના દાવા મુજબ એન. ચંદ્રાના પરિવારના સભ્યો ટીવીએસ મોટર કંપની સાથે બિઝનેસ રિલેશન ધરાવે છે એવા દસ્તાવેજો ઉપલબ્ધ છે. વેણુ શ્રીનિવાસન ટીવીએસ મોટર કંપનીના ચેરમેન એમિરેટ્સ છે અને ટાટા ટ્રસ્ટ્સના વાઈસ ચેરમેન પણ છે. સૌથી નોંધનીય બાબત એ છે કે શ્રીનિવાસન કે એન. ચંદ્રા બન્નેમાંથી એક પણ વ્યક્તિએ તેમના આ વ્યાવસાયિક સંબંધો અંગે ટાટા સન્સના બોર્ડને જાણકારી આપી નથી. આ બાબત ટાટા જૂથના કોડ ઓફ કંડક્ટના ભંગ સમાન છે એમ આ અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે.
ટાટા જૂથના કોડ ઓફ કંડકટ પ્રમાણે કોઈ પણ કર્મચારી તેના પરિવારના સભ્ય અથવા તો અન્ય કોઈ નિકટનો નાતો ધરાવતા વ્યક્તિ દ્વારા જે નિર્ણયનું સમર્થન કરe/gx હોય તેના કારણે કોઈ લાભ મેળવે તો તેને કારણે હિતોનો સંઘર્ષ ઊભો થાય છે. આવો સંબંધ હોય તો બોર્ડને જાણ કરવી જરૂરી છે.
ક્યા પ્રકારના બિઝનેસ રિલેશન?
એન. ચંદ્રા અને વેનુ શ્રીનિવાસન વચ્ચે કેવો નાતો છે તેની વાત કરીએ તો ચંદ્રાના પુત્ર પ્રણવ અને પત્ની લલિતા માર્ચ, 2025માં સ્થાપવામાં આવેલી હેન્નો વન વેરહાઉસિંગ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર્સ છે. હેન્નો ઈન્ફ્રા એલએલપી આ કંપનીમાં 99.99 ટકા હિસ્સો ધરાવે છે અને હેન્નો ઈન્ફ્રા એલએલપી વતી લલિતા હસ્તાક્ષર કરે છે જ્યારે પ્રણવ આ કંપનીમાં એક શેર ધરાવે છે. હેન્નો વનની સ્થાપના કરાઇ તેના ત્રણ મહિના પછી એટલે કે જુન, 2025માં ટીવીએસ મોટર કંપનીએ તામિલનાડુના ક્રિષ્ણાનગરી જિલ્લાના ઉદ્દનપલ્લી ગામમાં આવેલી 17 એકર જમીન હેન્નો વનને લિઝ પર આપી હતી. આ જમીનના લિઝ રાઇટ્સના આધારે એચડીએફસી બેંકે કંપનીને બાંધકામ માટે રૂ. 60 કરોડની લોન પણ આપી હતી.
બેંકની ટર્મ શિટમાં ઉપલબ્ધ વિગતો મુજબ 3.3 લાખ ચોરસ ફુટનો ટીવીએસ મોટરના આ વેરહાઉસ પ્રોજેક્ટનું બાંધકામ માર્ચ, 2027સુધીમાં રૂ. 1,063 કરોડના ખર્ચે પૂર્ણ થાય એવી શક્યતા છે. ટીવીએસ મોટર કંપનીએ આ લિઝ કઈ શરતોએ આપી છે તેની જાણકારી ઉપલબ્ધ નથી. હેનો વનની સ્થાપના 10 માર્ચ, 2025ના રોજ એન. ચંદ્રાના પત્ની અને પુત્ર દ્વારા કરવામાં આવી હતી અને ચંદ્રા જે જે કંપનીઓના બોર્ડમાં છે તે તે કંપનીઓને તે સમયે આ જાણકારી આપવામાં આવી હતી. જોકે આ કંપનીએ એક પ્રોજેક્ટ અંતર્ગત ટાટા સન્સના બોર્ડના સભ્ય વેણુ શ્રીનિવાસનની કંપની પાસેથી જમીન લિઝ પર લીધી છે એવી જાણકારી ટાટા ટ્રસ્ટને આપવામાં આવી ન હતી એવો દાવો આ અહેવાલમાં ટાટા ટ્રસ્ટના પ્રવક્તાને ટાંકીને કરવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter