સંક્ષિપ્ત સમચાર (ભારત)

Friday 17th July 2020 06:31 EDT
 

• અમેરિકી બનાવટની ૭૨,૦૦૦ એસોલ્ટ રાઇફલનો સોદોઃ ચીન સાથે ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે ભારતે ભારતીય સૈન્ય માટે અમેરિકા પાસેથી અત્યાધુનિક એવી સિગ SIG૭૧૬ રાઈફલો મંગાવી હોવાના અહેવાલ ૧૨મીએ હતા. આ રાઈફલોમાં ૭૨,૦૦૦ રાઈફલો તો ભારતને સોંપી પણ દેવાઈ છે. ભારતે આ તમામ રાઈફલો ઉત્તરી કમાંડ અને અન્ય સ્થળોએ સૈનિકોના ઉપયોગ માટે મોકલી આપી છે.
• રાણા કપૂર-વાધવાનની ૨,૨૦૩ કરોડની સંપત્તિ જપ્તઃ ઇડીએ મની લોન્ડરિંગ મામલે યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂર, તેમના પરિવારના સભ્યો, દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિ. (ડીએચએફએલ)ના પ્રમોટર કપિલ અને ધીરજ વધાવાન અને અન્યોની રૂ. ૨,૨૦૩ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ ઉપરાંત એજન્સીએ કપૂરની અમુક વિદેશી સંપત્તિઓ ઉપર પણ રોક લગાવી હતી. ઈડીનો આરોપ છે. કે કપૂર અને તેમના પરિવારના સભ્યો તથા અન્ય લોકોએ બેન્કના માધ્યમથી મોટી લોન આપવા બદલ લાંચ લીધી હતી.
• અરુણાચલમાં ૬ ઉગ્રવાદીઓ ઠારઃ અરુણાચલ પ્રદેશના ખોંસા વિસ્તારમાં ૧૨મી જુલાઈએ સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં નાગા ઉગ્રવાદી સંગઠન એનએસસીએન (આઇએમ)ના ૬ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. અથડામણમાં આસામ રાઇફ્લ્સનો એક જવાન પણ ઇજા પામ્યો છે. સુરક્ષા દળોએ જણાવ્યું કે તેમને માહિતી મળી હતી કે તિરપ જિલ્લાના જનરલ ક્ષેત્રના ખોંસામાં કેટલાક ઉગ્રવાદીઓ છુપાયેલા છે.
• ફોક્સકોન ભારતમાં ૭૫૦૦ કરોડનું રોકાણ કરશેઃ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની જગતની સૌથી મોટી કંપની ફોક્સકોને ભારતમાં ૧ અબજ ડોલર (અંદાજે ૭૫૦૦ કરોડ રૂપિયા) રોકવાનો નિર્ણય લીધો છે. ફોક્સકોન એ તાઈવાનની કંપની છે અને મુખ્યત્વે એપલના ફોન માટે જરૂરી સ્પેરપાર્ટ્સ બનાવે છે. ફોક્સકોનના પ્લાન્ટ ચીન સહિત જગતના અન્ય દેશોમાં ફેલાયેલા છે.
• અલગતાવાદી સંગઠનના વડા સેહરાહની ધરપકડઃ જમ્મુ-કાશ્મીર પોલીસે અલગતાવાદી સંગઠન તહરીક-એ-હુર્રિયતના ચેરમેન મોહમ્મદ અશરફ સેહરાઇની રવિવારે ધરપકડ થઈ હતી. જન સુરક્ષા અધિનિયમ (પીએસએ) હેઠળ તેમની સામે આ કાર્યવાહી કરાઇ છે. પીએસએ હેઠળ પોલીસ કોઇ પણ આરોપીને ૧ વર્ષ સુધી કોઇ કેસ વિના કસ્ટડીમાં રાખી શકે છે.
• કર્ણાટકમાં ઓનર કિલિંગઃ કર્ણાટકના રાયચૂર જિલ્લામાં એક યુવતીના પ્રેમલગ્નથી નારાજ પરિવારજનોએ યુવકના માતા-પિતા, બે ભાઇ અને બહેનની ૧૧મી જુલાઈએ હત્યા કરી નાંખી હતી. પોલીસના કહેવા મુજબ રાયચૂરના સિંધનૌર વિસ્તારના મૌનેશ અને મંજુલાએ ૮ મહિના અગાઉ ઘરેથી ભાગીને લગ્ન કર્યાં હતાં.
• મોદી કેબિનેટમાં સિંધિયાના સમાવેશની અટકળો: મોદી સરકારની બીજી ટર્મની કેબિનેટનું પ્રથમ વિસ્તરણ ઓગસ્ટમાં થાય તેવી શક્યતા છે. એમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને સમાવાય તેવી અટકળો થઈ છે.
• અમેરિકાની ક્વોલકોમનું જિઓમાં રૂ. ૭૩૦ કરોડનું રોકાણ: રિલાયન્સ જિઓમાં વધુ એક અમેરિકન કંપની ક્વોલકોમ દ્વારા રિલાયન્સ જિઓમાં રૂ. ૭૩૦ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરાઈ છે. જે બદલ કંપનીને જિઓની ૦.૧૫ ટકા ભાગીદારી મળશે. વાયરલેસ ટેક્નોલોજી માટે જાણીતી ક્વોલકોમ ઇનકોર્પોરેટેડની ઇનવેસ્ટમેન્ટ કંપની ક્વોલકોમ વેન્ચર્સે જિઓમાં રોકાણની જાહેરાત કરી છે. આ ડીલ માટે જિઓની ઇક્વિટી વેલ્યુ રૂ. ૪.૯૧ લાખ કરોડ આંકવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter