સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 19th April 2017 10:43 EDT
 

• તેલંગાણામાં મુસ્લિમો- જનજાતિઓ માટે વધુ ચાર ટકા અનામતઃ તેલંગાણામાં મુસ્લિમો, એસટી માટે અનામતનો ક્વોટા વધારવા સંબંધિત અનામત બિલ રવિવારે વિધાનસભાના એક દિવસના વિશેષ સત્રમાં પાસ કરી દેવાયું છે. હવે તેલંગાણામાં મુસ્લિમો માટે અનામત ચાર ટકાથી વધી ૧૨ ટકા થઈ ગયું છે. જોકે એસટી માટે અનામત છથી વધીને ૧૦ ટકા કરી દેવાયું છે. રાજ્યમાં કુલ અનામત ૫૦થી વધારીને ૬૨ ટકા કરી દેવાયું છે.
• માલવણમાં દરિયા કિનારે ફરવા ગયેલા સાત કોલેજિયનના મોતઃ સિંધુદુર્ગ જિલ્લાના માલવણ તાલુકામાં વાયરી સમુદ્ર કિનારે પિકનિક માટે ગયેલા એન્જિનિયરિંગ કોલેજના ત્રણ વિદ્યાર્થી, ચાર વિદ્યાર્થિની અને એક પ્રોફેસરનું ૧૫મીએ ડૂબી જતાં મૃત્યુ થયું હતું. આ દરમિયાન એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થિનીને બચાવી લેવાઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સમુદ્રમાંથી આઠ મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
• શ્રીનગરમાં અબ્દુલ્લાની જીતઃ શ્રીનગર લોકસભા પેટાચૂંટણીમાં પીડીપી ઉમેદવાર નઝીરખાનને ૧૦,૭૦૦ મતથી પરાજય આપીને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાહ ચૂંટાઇ ગયા છે. પેટા ચૂંટણીમાં ૭.૨ ટકા મતદાન થયો હતો. જીત્યા પછી ફારૂકે મહેબૂબા મુફ્તીના નેતૃત્વવાળી પીડીપી-ભાજપ સરકાર બરતરફ કરીને રાજ્યમાં રાજ્યપાલ શાસન લાદવાની માગણી કરી છે. તેમણે એવો દાવો કર્યો છે કે મહેબૂબાના નેતૃત્વવાળી સરકાર શાંતિપૂર્વક ચૂંટણીઓ યોજવામાં નિષ્ફળ નીવડી છે. પરિણામ શનિવારે જાહેર કરવામાં આવ્યાં છે.
• ‘ભીમ એપ સાથે જોડનારને વ્યક્તિદીઠ રૂ. ૧૦નું ઈનામ અપાશે’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪મીએ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની ૧૨૬મી જન્મજયંતીએ ભીમ તેમજ આધાર પે ફેસિલિટી લોન્ચ કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાને ખુલ્લી મૂકી હતી. મોદીએ ભીમ એપને લોન્ચ કરતાં કહ્યું કે, હવે લોકો તેમની આંગળીઓનાં ટેરવે પેમેન્ટ કરી શકશે. મોદીએ કહ્યું કે જે લોકો ભીમ એપથી અન્ય વ્યક્તિને જોડશે તેમને દરેક વ્યક્તિ દીઠ રૂ. ૧૦ ઈનામ આપવામાં આવશે.
• અફઘાનમાં અમેરિકી બોમ્બ હુમલામાં કેરળના આતંકીનું મોતઃ ઈસ્લામિક સ્ટેટની જેહાદમાં જોડાનારા કેરળના યુવકનું યુએસ મિલિટરીએ ઝીંકેલા બોમ્બમાં મૃત્યુ થયું છે. કેરળના બિઝનેસમેનને મોબાઈલ એપ 'ટેલિગ્રામ' પર બે સંદેશ મળ્યા હતા કે, તમારા પુત્ર મુર્શિદ મોહમ્મદ અમેરિકન સેનાએ ઝીંકેલા દસ હજાર કિલોના બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ થયું છે. આઈએસના આતંકવાદીઓ આ યુવકોના માતાપિતા સાથે ટેલિગ્રામ એપ થકી સંપર્કમાં રહેતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter