સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 10th April 2019 08:34 EDT
 

દેશી બોફોર્સ ‘ધનુષ’ ભારતીય સૈન્યમાં સામેલ:  દેશી બોફોર્સ ‘ધનુષ’ સોમવારે સૈન્યના બેડામાં સામેલ થઈ ગઈ. જબલપુરની ગન કેરેજ ફેક્ટરી (જીસીએફ)માં ઉત્પાદિત છ ધનુષ ગન સૈન્યને સોંપી દેવાઈ છે. તે ભારતમાં ઉત્પાદિત લાંબી રેન્જની પહેલી તોપ છે. ધનુષને બોફોર્સની જેમ ડિઝાઇન અને વિકસિત કરાઈ છે. સૈન્યે ૧૧૪ તોપોનો ઓર્ડર આપ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ સચિવ (ઉત્પાદન) અજયકુમાર અને આયુધ નિર્માણ બોર્ડના અધ્યક્ષ સૌરભકુમારે કહ્યું કે ધનુષ તોપનું ઉત્પાદન ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની સફળતાનું ઉદાહરણ છે.
• કાશ્મીરમાં અલગતાવાદીઓની સુરક્ષા પાછી ખેંચાઈઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છઠ્ઠીએ જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરના ૨૨ અલગાવવાદીઓ સહિત ૯૧૯ લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે. દેશ વિરોધી ગતિવિધિઓ સાથે સંકળાયેલા લોકોને સ્પષ્ટ અને આકરો સંદેશો પહોંચાડવા સરકારે આ પગલું ભર્યાનું જણાવ્યું છે. 
• દગડુશેઠ ગણપતિને ૩ કિલો સોનાનો ખેસ: ગુડી પડવા નિમિત્તે દગડુ શેઠ ગણપતિને ૩ કિલો સોનાનો ખેસ અર્પણ કરાયો હતો. વ્યંકટેશ હચરિજના પ્રમુખ વ્યકંટેશ રાવે ૩ કિલો સોનાનો ખેસ અર્પણ કર્યો હતો. બાપ્પાના વસ્ત્રોમાં કેસ નહોતો, પણ હવે એ કમી પૂરી થઈ છે. હવે દગડુશેઠ ગણપતિ પાસે વસ્ત્રો અને ઘરેણાં મળીને કુલ ૧૦૦ કિલોના દાગીના થયા છે.
• કરમવીરસિંહને નેવી ચીફ બનાવવા સામે અરજી: વાઇસ એડમિરલ બિમલ વર્માએ કરમવીરસિંહને નેવી ચીફ બનાવવા સામે કોર્ટમાં અરજી કરી છે. તેમણે કહ્યું છે કે તેમની સિનિયોરીટીને ધ્યાનમાં લેવાઈ નથી. હાલના નેવી ચીફ સુનિલ લામ્બા ૩૧મેએ નિવૃત્ત થશે. કરમવીરસિંહ તેમના અનુગામી બનશે. બિમલ વર્મા હાલમાં આંદામાન નિકોબાર કમાન્ડના કમાન્ડર ઇન ચીફ છે.
• ‘કલમ ૩૭૦ નાબૂદ તો દેશમાં આગ’: જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફતીએ આઠમીએ ટ્વિટ કર્યું છે કે, ભાજપ કાશ્મીરમાં કલમ ૩૭૦ દૂર કરવા ધારે છે, પણ આ કલમ નાબૂદ થશે તો કાશ્મીર નહીં દેશ સળગશે. આપણે જાતે જ ચૂંટણી લડવાના અધિકારથી વંચિત થઈ જઈશું.
• પાકિસ્તાને ભારત માટે હવાઈ માર્ગ ખોલ્યો: બાલાકોટ હુમલાને એક મહિના જેટલો સમય થયા પછી પાકિસ્તાને તેની એર સ્પેસનો એક રૂટ ભારતીય વિમાનો માટે ખોલી નાંખ્યો છે. જેથી એર ઇન્ડિયાને ઘણી રાહત થઈ છે. અમેરિકા અને યુરોપ જનારી ફ્લાઇટ હવે પહેલાં કરતા ૧૫ મિનિટ વહેલી નિયત સ્થાને પહોંચી શકશે.
• જૈશે મોહમ્મદના સઈદ હિલાલ અંદ્રાબીની ધરપકડઃ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ૨૦૧૭માં સીઆરપીએફના કેમ્પ પર થયેલા હુમલા સાથે સંકળાયેલા પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના સભ્ય સઈદ હિલાલ અંદ્રાબીની છઠ્ઠીએ ધરપકડ કરી છે. સઈદ હિલાલ અંદ્રાબી લિથપોરા, પુલવામામાં ૩૦ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ થયેલા હુમલાના ષડયંત્ર સાથે સંકળાયેલો હોવાનું મનાય છે. 
• ખંડણીખોર ઓબેદ રેડિયોવાલાનું પ્રત્યાર્પણ: સુપરસ્ટાર શાહરુખ ખાન ડિરેક્ટર મહેશ ભટ્ટ, નિર્માતા કરીમ મોરાની સહિતના બોલિવૂડની હસ્તીઓ પાસે ખંડણી અને મોતની ધમકી આપનાર કુખ્યાત ગેન્ગસ્ટર રવિ પૂજારાના સાથીદાર ઓબેદ રેડિયોવાલા (ઉં. ૪૬)ને આખરે મુંબઈ ગુના શાખાની કસ્ટડીમાં લવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter