સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Friday 19th April 2019 10:14 EDT
 

પ્રથમ તબક્કામાં ૬૯.૪ ટકા મતદાનઃ ચૂંટણી પંચના આંકડા પ્રમાણે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં મહિલા મતદારોએ પુરુષોથી વધુ મતદાન કર્યું હતું. ૯૧ બેઠક માટે ૧૧ એપ્રિલે થયેલા મતદાનમાં ૭૩ ટકા મહિલાએ મતદાન કર્યું, જે આઝાદી પછી મહિલાઓનું બીજી વાર સર્વાધિક મતદાન છે. જ્યારે પુરુષોએ ફક્ત ૬૯.૫ ટકા મતદાન કર્યું હતું. પહેલા તબક્કામાં સરેરાશ મતદાન ૬૯.૪૩ ટકા થયું હતું. પ્રથમ તબક્કામાં આંધ્રમાં (૨૫ બેઠક) ૬૬ ટકા, ઉત્તરાખંડ (૫) ૫૭.૮૫ ટકા, તેલંગણા (૧૭) ૬૦ ટકા, સિક્કિમ (૧) ૬૯ ટકા, મિઝોરમ (૧) ૬૦ ટકા, મણિપુર (૧) ૭૮.૨ ટકા, નાગાલેન્ડ (૧) ૭૯ ટકા, ત્રિપુરા (૧) ૮૧.૮ ટકા, અસમ (૫) ૬૮ ટકા, પશ્ચિમ બંગાળ (૨) ૮૧ ટકા, ઉત્તર પ્રદેશ (૮) ૬૩.૬૯ ટકા, છત્તીસગઢ (૧) ૫૬ ટકા, જમ્મુ-કાશ્મીર (૨) ૫૪.૪૯ ટકા, અરુણાચલ પ્રદેશ (૨) ૬૬ ટકા, બિહાર (૪) ૫૦ ટકા, મહારાષ્ટ્ર (૭) ૫૬ ટકા, મેઘાલય (૨) ૬૭.૧૬ ટકા, ઓડિશા (૪) ૬૮ ટકા મતદાન થયું હતું. તે ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન નિકોબાર (૧) ૭૦.૬૭ ટકા, લક્ષદ્વિપ (૧) ૬૬ ટકા મતદાન થયું હતું.
• ઇવીએમ મુદ્દે વિપક્ષ ફરી સુપ્રીમ કોર્ટમાં જશેઃ વિપક્ષોએ ફરી ઈવીએમ સામે મોરચો માંડયો છે. સંયુક્ત વિપક્ષે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માગ દોહરાવી છે. રવિવારે દિલ્હીમાં ૨૧ મુખ્ય વિપક્ષોની બેઠક મળી હતી. બેઠક બાદ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ટીડીપીના નેતા ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું હતું કે, અમે ઈવીએમના મુદ્દે ફરી એક વાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવીશું. ઘણા ઓછા દેશ ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરી રહ્યાં છે. જર્મનીએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની શરૂઆત કરી છે. નેધરલેન્ડમાં પણ હવે બેલેટ પેપર દ્વારા ચૂંટણી થાય છે. પેપર ટ્રેઇલ મશીન દ્વારા જ મતદારનો વિશ્વાસ હાંસલ કરી શકાશે. જનતા ચૂંટણી પંચ સામે ઘણી નારાજ છે.
• ‘આપ’ ગઠબંધનના દરવાજા ખુલ્લાઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનનો મામલો અટવાયો છે. હવે ‘આપ’ અને કોંગ્રેસ બંનેના નેતાઓ એકબીજા પર આરોપો લગાવવા માડ્યા છે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે કોંગ્રેસ ભાજપવિરોધી મતદારોમાં પણ ભાગલા પાડી રહી છે. જ્યારે રાહુલ ગાંધીએ કેજરીવાલ પર યુ-ટર્નનો આરોપ લગાવ્યો હતો. રાહુલે અગાઉ સોમવારે ગઠબંધનની ઓફર કરીને સાતમાંથી ચાર બેઠક ‘આપ’ને આપવા તૈયારી દર્શાવી હતી. જોકે બાદમાં રાહુલે કેજરીવાલ સામે યુ-ટર્નનો આરોપ લગાવ્યો હતો.
• ભારતમાં આ વર્ષે ચોમાસું સારુંઃ દેશમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાનું અનુમાન છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન આશરે ૯૬ ટકા વરસાદ પડશે. હવામાન વિભાગે સોમવારે આ વર્ષના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું પહેલું પૂર્વાનુમાન જારી કર્યું હતું. અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ. રાજીવન નાયર અને ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ કે. જે. રમેશે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ચોમાસાના પૂર્વાનુમાનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ વર્ષે ચોમાસા દરમિયાન જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. મહત્તમ ૯૬ ટકા વરસાદ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter