સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 24th April 2019 08:11 EDT
 

• ‘પાકિસ્તાનનાં એટમબોમ્બ ઇદ માટે નહીં’: પરમાણુ બોમ્બ અંગે ચૂંટણી રેલી દરમિયાન વડા પ્રધાન મોદીના નિવેદન સામે વળતો જવાબ આપતાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફતીએ જાણે પાકિસ્તાનના પ્રવક્તા હોય તેમ વારંવાર પાકિસ્તાનની તરફેણ કરતાં સોમવારે જણાવ્યું હતું કે જો ભારતે પરમાણુ બોમ્બ દિવાળી માટે ન રાખ્યા હોય તો સ્વાભાવિક છે કે પાકિસ્તાને પણ તે ઇદ માટે નથી રાખ્યા. મુફતી વર્તમાન સમયમાં કેન્દ્ર સરકાર અને ખાસ કરીને મોદી વિરુદ્ધ કડક વલણ અપનાવતાં તેમને નિશાન બનાવી રહ્યાં છે.
• ભારતીયોને લિબિયા છોડવાની સલાહઃ લિબિયામાં સત્તા સંઘર્ષના કારણે વણસતી પરિસ્થિતિ જોતાં ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ૧૯મીએ લિબિયાની રાજધાની ત્રિપોલીમાં રહેતા ભારતીયોને ઝડપથી દેશમાંથી નીકળી જવાની સલાહ આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે લીબિયામાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે વ્યાપક સ્તર પર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યાંની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ છતાં પણ ત્રિપોલીમાં ૫૦૦થી વધારે ભારતીયો ફસાયેલા હોવાના અહેવાલ હતા.
• રતન તાતા ભાગવતને મળ્યા: ઉદ્યોગપતિ અને તાતા સન્સના પૂર્વ ચેરમેન રતન તાતાએ ૧૯મીએ આરએસેએસ મુખ્યાલયમાં સર સંઘ સંચાલક મોહન ભાગવતની મુલાકાત લીધી હતી. બંને વચ્ચે બે કલાક બેઠક ચાલી હતી. ચૂંટણીના માગોલમાં કેટલાક ઉદ્યોગપતિઓ રાજકીય પક્ષોને સમર્થન જાહેર કરી રહ્યાં છે તેવામાં ભાગવત-તાતા મુલાકાતની ચર્ચા ચાલી હતી. જોકે સંઘના કાર્યકર્તાઓએ તાતા-ભાગવત વચ્ચેની મુલાકાતને શિષ્ટચાર ગણાવ્યો હતો.
• મંદિરમાં સિક્કા લેવા નાસભાગમાં ૭નાં મોત: તમિલનાડુમાં તિરુચિરાપલ્લીથી લગભગ ૪૫ કિમી દૂર મુથૈયાપલયમ ગામના કરુપન્ના સ્વામી મંદિરમાં રવિવારે સવારે એક મંદિરમાં સિક્કા લેવા માટે શ્રદ્ધાળુઓએ નાસભાગ કરતાં આ ઘટનામાં સાતનાં મોત થયાં હતાં અને ૧૦ અન્ય પણ ગંભીર રીતે ઘવાયા હતા.
• એન. ડી. તિવારીના પુત્રની હત્યા: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીની ૧૯મીએ મોઢું દબાવીને હત્યા કરાઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી આ વાત સામે આવી છે. રિપોર્ટ મળ્યા પછી દિલ્હી પોલીસે હત્યાનો કેસ નોંધવાની સાથે જ આ બાબતમાં તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે. ક્રાઇમ બ્રાન્ચે સીએફએસએલની ટીમ સાથે દિલ્હીના ડિફેન્સ કોલોની સ્થિત રોહિત શેખરના ઘરે લાગેલા સીસીટીવીના ફૂટેજની તપાસ કરી રહી છે.
• દેશમાં નિર્મિત ગાઇડેડ મિસાઇલ: ભારતીય નેવીએ ૨૦મીએ મડગાંવ ડોક શિપબિલ્ડર્સમાં ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર જહાજ ઇમ્ફાલને સમુદ્રમાં ઊતાર્યું હતું. તેની ડિઝાઇન ભારતીય નેવીના ડિરેક્ટોરેટ ઓફ નેવલ ડિઝાઇન દ્વારા તૈયાર કરાઈ છે. પ્રોજેક્ટ ૧૫બી હેઠળ નિર્મિત આ ત્રીજું જહાજ છે.
• કાશ્મીરમાં આતંકીઓ પાસે ચીની ગ્રેનેડઃ કાશ્મીરમાં આતંકવાદ ફેલાય તે માટે પાકિસ્તાનની સીધી સંડોવણી તો જગજાહેર છે, પરંતુ ભારતમાં આતંકી પ્રવૃત્તિઓમાં ચીનની આડકતરી સંડોવણી સામે આવી છે. કાશ્મીરના આતંકવાદીઓ પાસેથી ચીની ગ્રેનેટ મળવા લાગ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter