સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 22nd May 2019 08:11 EDT
 

• તામિલનાડુમાં શ્રીલંકા બ્લાસ્ટ મુદ્દે ૧૦ સ્થળે દરોડાઃ શ્રીલંકામાં થયેલા ઇસ્ટર બ્લાસ્ટ કેસમાં તામિલનાડુમાં એનઆઈએ ટીમ દ્વારા સોમવારે ૧૦ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા કેટલાક લોકોની તપાસ અને સ્લિપર સેલની શોધ માટે આ દરોડા પાડવામાં આવ્યા હતા.
• મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર ભયમાંઃ મધ્ય પ્રદેશમાં વિપક્ષી નેતા ગોપાલ ભાર્ગવે ૨૦મીએ કહ્યું કે, હું ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગમાં માનતો નથી, પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને કમલનાથ સરકારથી અસંતોષ છે અને તેઓ ગમે ત્યારે પાર્ટી છોડી શકે છે. આથી સરકાર લઘુમતીમાં મુકાઈ શકે છે.
• ચીન દ્વારા બ્રહ્મપુત્રના જળપ્રવાહની માહિતી યથાવતઃ ચીને બ્રહ્મપુત્ર નદીના જળપ્રવાહ અંગેની માહિતી ભારતને આપવાની શરૂઆત કરી છે. આ નદી ચીનમાંથી આવે છે. તેના જળસ્તરમાં થતી વધઘટ તથા અન્ય માહિતી આગોતરી ભારતને મળતી રહે એ બહુ જરૂરી છે. જો ભારતને માહિતી ન હોય તો અચાનક પૂર આવે ત્યારે ભારતમાં મોટેપાયે નુકસાની થઈ શકે છે. ૨૦૧૭માં દોકલામ વિવાદ પછી ચીને માહિતી આપવાનું બંધ કરી દીધું હતું.
• ‘ઇંદિરા ગાંધીની જેમ અંગરક્ષકો મારી પણ હત્યા કરી શકે’: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે, મારો જીવ જોખમમાં છે. મારી આજુબાજુના મારા અંગરક્ષકો અને પોલીસ કર્મીઓ ભાજપને રિપોર્ટ કરે છે. મારા જ અંગરક્ષકો મારો જીવ લઈ શકે છે. ભાજપવાળા ઇંદિરા ગાંધીની જેમ મારી પણ હત્યા કરાવી શકે છે.
• તેલંગાણામાં કેદીઓ ઘટતાં પાંચ વર્ષમાં ૧૭ જેલ બંધ: તેલંગાણાની જેલોમાં આવતા કેદીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થતાં જેલવિભાગે છેલ્લા પાંચ વર્ષમાં ૪૯માંથી ૧૭ જેલ બંધ કરી દીધી છે. રાજ્ય કારાગાર અને સુધાર સેવાના મહાનિર્દેશક વી. કે. સિંહે કહ્યું કે હવે કારાગાર વિભાગ આ જેલોને સમાજ કલ્યાણ કેન્દ્ર, વૃદ્ધાશ્રમ અને અનાથાલાયમાં ફેરવશે.
• ઇન્ડિયન ઓઈલ યુએસ - સાઉદી પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદશેઃ ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ઇરાન પાસેથી ઓઇલની ખરીદી બંધ કરતા આ ઓઇલની ઘટ અમેરિકા અને સાઉદી અરેબિયા પાસેથી ઓઇલ ખરીદીને પૂરી કરવાનો નિર્ણય લીધો છે.
• અંગ્રેજી શબ્દકોશમાં એક નવો શબ્દ Modilie: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે અંગ્રેજી શબ્દકોશમાં એક નવો શબ્દ ‘મોડીલાઈ’ આવ્યો છે. તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક સ્ક્રીન શોટ શેર કર્યો હતો. આ શબ્દનો અર્થ ‘સતત સત્ય સાથે છેડછાડ’ અને ‘ખોટું બોલવાની આદત’ જણાવ્યો હતો. આ પોસ્ટને રાહુલની વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કોમેન્ટ માનવામાં આવી હતી.
• જેટ એરવેઝના ઉચ્ચ હોદ્દેદારોનાં રાજીનામા: જેટ એરવેઝના ત્રણ ઉચ્ચ અધિકારીએ રાજીનામું આપ્યું છે, જેમાં સીઇઓ વિનય દુબે, ડેપ્યુટી સીઇઓ, સીએફઓ અમિ અગ્રવાલ, ચીફ પીપલ ઓફિસર (એચઆર હેડ) રાહુલ તનેજા અને કંપની સેક્રેટરી કુલદીપ શર્માનો સમાવેશ થાય છે. અમિત અગ્રવાલે ૧૩મેએ અને વિનય દુબેએ ૧૪મેએ રાજીનામું આપ્યું હતું. જેટ એરવેઝે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ બન્ને રાજીનામાની સૂચના આપી હતી. ત્યા પછી રાહુલ તનેજાએ પણ રાજીનામું આપ્યું હોવાના સમાચાર આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter