સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 12th June 2019 07:19 EDT
 

• કોલકાતામાં જગન્નાથ ઘાટ પાસેનું ગોડાઉન વળીને ખાખ: કોલકાતાના બિઝનેસ હબ હાવડાના જગન્નાથ ઘાટ પાસે એક કેમિકલ ગોડાઉનમાં આઠમીએ સવારે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેને ઓલવવામાં ૨૫ વાહનોની સાતે ૧૦૦ ફાયરફાઇટરને ૧૦થી વધુ કલાક લાગી ગયા હતા. જોકે સદભાગ્યે કોઈ માનવી આગની લપેટમાં આવ્યું નહોતું.
• ‘બાલાકોટ’ બોમ્બ ખરીદવા ભારત-ઇઝરાયેલ વચ્ચે સોદોઃ ભારતીય વાયુસેનાએ લગભગ ૧૦ સ્પાઇઝ ૨,૦૦૦ બોમ્બ માટે ઇઝરાયેલની સાથે ૩૦૦ કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. ભારતીય હવાઈદળે આ બોમ્બનો પાકિસ્તાનના બાલાકોટમાં ૨૬મી ફેબ્રુઆરીના હવાઈ હુમલા દરમિયાન ઉપયોગ કર્યો હતો.
• પંજાબ સરકારમાંથી સિદ્ધુ દૂરઃ પંજાબના પ્રધાન નવજોત સિદ્ધુને મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સાથેનો ઝઘડો ભારે પડી રહ્યો છે. અગાઉ તમની પાસેથી મહત્ત્વનું મંત્રાલય છીનવીને ઉર્જા મંત્રાલય સોંપાયું હતું તો હવે મુખ્ય પ્રધાનના મંત્રાલયના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની અમલીકરણની સમિતિઓમાંથી પણ તે પડતા મુકાયા હતા.
• આંધ્રમાં જગનમોહન સરકારમાં પાંચ નાયબ મુખ્ય પ્રધાનઃ આંધ્ર પ્રદેશનાં મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ સાતમીએ ૨૫ સભ્યોના પોતાના પ્રધાનમંડળમાં પાંચ નાયબ મુખ્ય પ્રધાનની વરણી કરવાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન નિવાસે વાયએસઆર કોંગ્રેસ વિધાનસભા પક્ષની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. પ્રધાનમંડળમાં પાંચ નાયબ મુખ્ય પ્રધાન સહિત ૨૫ પ્રધાનો રહેશે. દેશના કોઈ રાજ્યમાં પાંચ મુખ્ય પ્રધાન હોય તેવું પહેલીવાર થયું છે.
• અલીગઢમાં દસ હજાર માટે બાળકીની હત્યાઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં બે વર્ષની નવજાત બાળકી ટ્વિંકલની રૂ. ૧૦૦૦૦ માટે હત્યા કરાઈ હતી. ટ્વિંકલ ૩૦મી મેના રોજ ઘેરથી લાપતા બની હતી અને ૨ જૂનના રોજ તેની લાશ વિકૃત સ્થિતિમાં મળી આવી હતી. પોલીસે ટ્વિંકલની હત્યાના આરોપમાં મોહમ્મદ જાહિદ અને મોહમ્મદ અસલમની ધરપકડ કરી છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેની સાથે દુષ્કર્મના પુરાવા મળ્યા નથી.
• એમબીબીએસની ૫૦૦૦ બેઠક વધી: દેશમાં ચાલુ વર્ષથી એટલે કે ૨૦૧૯-૨૦થી એમબીબીએસની ૫૦૦૦ બેઠક વધી જશે. આ સાથે જ એમબીબીએસની બેઠકોની કુલ સંખ્યા ૭૦ હજારથી વધી ૭૫૩૬૫ની થશે. નીટમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ આ વધેલી બેઠક ઉપર પણ પ્રવેશ મેળવી શકશે. એમબીઆઇના જણાવ્યા અનુસાર દેશમાં ચાલુ વર્ષે ૩૭ નવી મેડિકલ કોલેજ શરૂ થઈ છે.
• કેબિનેટ સચિવ પી. કે. સિંહાને એક્સટેન્શન: ઉત્તર પ્રદેશ કેડરના વરિષ્ઠ આઇએએસ અધિકારી પ્રદીપકુમાર સિંહા આગામી ત્રણ મહિના સુધી કેબિનેટ સચિવપદે રહેશે. તેમની મુદત ૧૨ જૂને પૂરી થતી હતી. તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન અપાયું છે. બીજી બાજુ ગૃહ પ્રધાન અમિત શાહના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે આઇએએસ સાંકેતકુમારની નિમણૂક થઈ છે.
• સુવર્ણ મંદિરમાં તલવારો સાથે ખાલિસ્તાનના નારાઃ ઓપરેશન બ્લુ સ્ટારની ૩૫મી વરસી નિમિત્તે છઠ્ઠીએ અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરમાં તલવારો ઊછળી હતી. આ દરમિયાન આતંકી જરનેલસિંહ ભીંદરાનવાલેના ફોટો વાળી ટી-શર્ટ પહેરીને લોકોએ ખાલિસ્તાન ઝીંદાબાદના સૂત્રોચ્ચાર કર્યાં હતાં. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના કાર્યકર્તાઓ સાથે તેમની અથડામણ થઈ હતી. અકાલ તખ્ત સાહિબના જથ્થેદાર જ્ઞાની હરપ્રીતસિંહ ઓપરેશન બ્લૂ સ્ટારમાં માર્યા ગયેલા લોકોના પરિવારનું સન્માન કરી રહ્યા હતા ત્યારે વિવાદ શરૂ થયો. ત્યારે સ્વઘોષિત જથ્થેદાર ધ્યાનસિંહ મંડ અકાલ તખ્ત નીચે ઊભા રહીને સંદેશો વાંચવા લાગ્યા. તેમને ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અધિકારીઓને રોક્યા તો સમર્થકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter