સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 10th July 2019 07:20 EDT
 

• કુલભૂષણ જાધવ કેસનો ચુકાદોઃ પાકિસ્તાન જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના કેસમાં ૧૭ જુલાઈએ ચુકાદો આવી જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું કે ઇન્ટરનેશનલ કોર્ટ દ્વારા થોડા સપ્તાહમાં ચુકાદો આવવાની મૌખિક જાણ કરાઈ છે. ૧૭મીએ સ્થાનિક સમય મુજબ ત્રણ વાગ્યે અને ભારતીય સમય અનુસાર સાંજે ૬-૩૦ વાગ્યે ચુકાદો આવવાની શક્યતા છે.
• આસામમાં મગજના તાવથી ૫૦નાં મોતઃ આસામમાં કોકરાઝારને બાકાત રાખી સમગ્ર રાજ્યમાં મગજના તાવ (જાપાની ઇન્સિફેલાઇટિસ)ની બીમારી ફેલાવાથી મૃત્યુઆંક પ૦ને વટાવી ગયો છે. રાજ્ય સરકારે સ્થિતિનો સામનો કરવા માટે ડોક્ટરો, નર્સો અને સ્વાસ્થ્ય વિભાગના તમામ કર્મચારીઓની રજા ૩૦ સપ્ટેમ્બર સુધી રદ કરી છે.
• જયપુર સિટીનો યુનેસ્કો હેરિટેજ યાદીમાં સમાવેશઃ જયપુર વોલ્ટ સિટી (પરકોટા)ને યુનેસ્કો વિશ્વ વરાસાનીયાદીમાં સામેલ કરવામાં આવી છે. છઠ્ઠીએ અઝરબૈજાનના પાટનગર બાકુમાં વિશ્વ હેરિટેજ સમિતિની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ ટ્વિટ કરીને યુનેસેકોના નિર્ણય પરત્વે ખુશી જાહેર કરી હતી. આ પહેલા જયપુર ખાતેના આમેર જિલ્લા તેમજ જંતરમંતરને આ યાદીમાં સ્થાન મળી ચૂક્યું છે.
• રાજીવ હત્યાકેસની દોષી નલિનીને ૩૦ દિવસના પેરોલઃ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસમાં દોષિત નલિનીને ૩૦ દિવસના પેરોલ મળ્યા છે. એનઆઈના હેવાલ મુજબ મદ્રાસ હાઈકોર્ટ પાંચમીએ આજીવન કેદની સજા ભોગવી રહેલી નલિની શ્રીહરનના પેરોલ મંજૂર કર્યાં છે.
• ઈન્દ્રાણી મુખરજીએ સરકારી સાક્ષી બનવા મંજૂરી માગીઃ સીબીઆઈની એક સ્પેશિયલ કોર્ટે ચોથીએ પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ્ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સાથે સંબંધિત આઈએનએક્સ મીડિયા મામલે ઇન્દ્રાણી મુખરજીને સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપી છે. પોતાની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં હાલ ઈન્દ્રાણી જેલમાં સજા ભોગવી રહી છે.
• કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં તમામ આરોપી નિર્દોષઃ ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં દિલ્હી સીબીઆઈની વિશેષ કોર્ટે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી સહિત પાંચ આરોપીઓને પુરાવા અભાવે નિર્દોષ છોડી મૂક્યા છે. જોકે, આરોપી મુન્ના બજરંગીની જેલમાં હત્યા થઈ ગઈ હતી.
• નન મરિયમને સંત જાહેર કરાશેઃ પોપ ફ્રાન્સિસ કેરળના નન મરિયમ થ્રેસિયા ચિરામલ મનકિદિયાને સંત જાહેર કરશે. તેમના ધર્મસંઘે કહ્યું હતું કે પોપે વેટિકનમાં કાર્ડિનલની સામાન્ય ઔપચારિક પરિષદમાં મરિયમ થ્રેસિયાને સત્તાવાર સંતોની યાદીમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter