સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 17th July 2019 07:51 EDT
 

• વિવાદ બાદ લોકસભામાં એનઆઈએ સુધારા ખરડો પસારઃ ભારે વિવાદો બાદ સોમવારે લોકસભામાં એનઆઈએ સુધારા ખરડાને બહુમતીએ પસાર કરાયો છે. આ ખરડો પસાર થયા બાદ રાષ્ટ્રીય તપાસનીશ એજન્સી (એનઆઈએ) વિદેશમાં ક્યાંય પણ ગંભીર ગુનાના કેસોની નોંધણી અને તપાસ કરી શકશે.
• કુમારસ્વામી વિશ્વાસનો મત મેળવશેઃ કોંગ્રેસ વિધાયક દળના નેતા સિદ્ધારમૈયાએ સોમવારે જાહેરાત કરી હતી કે મુખ્ય પ્રધાન એચ ડી. કુમારસ્વામીએ વિધાનસભામાં મૂકેલા વિશ્વાસ પ્રસ્તાવ વિશે ૧૮ જુલાઈએ ગુરુવારે સવારે ૧૧ વાગ્યાથી વિધાનસભામાં ચર્ચા શરૂ થશે અને ચર્ચાના અંતે વોટિંગ કરાવવામાં આવશે.
• સિદ્ધુએ રાજીનામું આપ્યુંઃ પંજાબની અમરિંદરસિંહ સરકારમાંથી પોતે જુદા થઈ રહ્યા છે અને રાજીનામું આપી દીધું હોવાની જાહેરાત પૂર્વ ક્રિકેટર અને કોમેડિયન નવજોત સિદ્ધુએ સોશિયલ મીડિયા પર ૧૫મીએ કરી હતી. સિદ્ધુએ ટ્વિટર પર જણાવ્યું હતું કે રાજીનામું કેપ્ટન અમરિંદરસિંહના સત્તાવાર નિવાસસ્થાને પણ પહોંચી ગયું છે.
• ગુજરાતના રમખાણોને દિલ્હી યુનિ.માં ભણાવવાનો વિવાદઃ દિલ્હી યુનિ.ના અન્ડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં નવા અભ્યાસક્રમમાં ગુજરાતના રમખાણોનો એક કેસ સ્ટડી અંગ્રેજી વિભાગના એક પેપરમાં દાખલ કરાતાં વિવાદ સર્જાયો છે.
• ગોવામાં ભાજપમાં સામેલ ધારાસભ્યો કેન્દ્રીય નેતાઓને મળ્યાઃ ભાજપમાં સામેલ કોંગ્રેસના ૧૦ ધારાસભ્યોને લઈને ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત દિલ્હી પહોંચ્યા હતા. તેઓ કાર્યકારી પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. નડ્ડા સાથેની મુલાકાત બાદ સાવંત અને ધારાસભ્યો પાર્ટી અધ્યક્ષ અમિત શાહને પણ મળ્યા હતા.
• ભારત-પાકિસ્તાન કરતારપુર કોરિડોર મંત્રણા સફળઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે કરતારપુર કોરીડોરને લઇને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભારતે જે માગો મૂકી હતી તેને પાકિસ્તાન દ્વારા સ્વીકારાઈ છે. પાકિસ્તાનની અનુમતિ પછી દરરોજ પાંચ હજાર લોકો કરતારપુર કોરિડોરની મદદથી દર્શન કરી શકશે.
• મેહુલ ચોક્સીની હાસ્યાસ્પદ દલીલઃ રૂ. ૧૩૦૦૦ કરોડના બેંક કૌભાંડનો સહઆરોપી મેહુલ ચોકસી હાલમાં એન્ટિગુઆમાં રહે છે. ભારતની કોર્ટમાં પોતાના કાયદાકીય દસ્તાવેજ સમયસર ન પહોંચાડવા માટે મેહુલ ચોકસીએ એક નવું બહાનું રજૂ કરીને જણાવ્યું છે કે તે એન્ટીગુઆ અને બર્મ્યુડામાં આવેલા વાવાઝોડાને કારણે હું કાયદાકીય દસ્તાવેજો સમયસર મોકલી શક્યો નથી. ૩૧ જાન્યુઆરીએ મુંબઇની એક વિશેષ કોર્ટમાં ચોકસીની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં તેણે સાક્ષીઓની તપાસની માગ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter