• તામિલનાડુમાં લોટરી કિંગ સૈંટિગો માર્ટિનની માલિકીના ૬૧ ફ્લેટ્સ, ૮૨ પ્લોટ સહિત કોઇમ્બૂતર સ્થિત રૂ. ૧૧૯.૬ કરોડની કિંમતના ૬ પ્લોટ પણ ઈડીએ જપ્ત કર્યા છે.
• ભાજપના ભોપાલના મહિલા સાંસદ પ્રજ્ઞા ઠાકુરે વિવાદિત નિવેદન કર્યું છે કે, ગટરો કે શૌચાલયો સાફ કરવા માટે સાંસદ નથી બની. મને જે કામ માટે સાંસદ બનાવાઈ છે તે કામ હું કરી રહી છું.
• આનંદીબહેન પટેલ ઉત્તર પ્રદેશના, લાલજી ટંડન મધ્ય પ્રદેશના, જગદીપ ધનખડને પશ્ચિમ બંગાળના, ફાગુ ચૌહાણને બિહારના, રમેશ બૈસને ત્રિપુરાના આર. એન. રવિને નાગાલેન્ડના રાજ્યપાલ બનાવ્યા છે.
• મહારાષ્ટ્રમાં થયેલા બે અકસ્માતમાં કુલ ૧૨ વ્યક્તિનાં મોત થયાં છે. પૂણે હાઈવે પર કાર અને ટ્રકની ટક્કરમાં ૯ વિદ્યાર્થીનાં મોત થયાં હતાં જ્યારે બિડ જિલ્લામાં થયેલા અકસ્માતમાં ત્રણના મોત થયાં છે.
• પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે પૂર્વ ક્રિકેટર અને કેબિનેટ પ્રધાન નવજોતસિંહ સિદ્ધુનું એક લીટીનું રાજીનામું સ્વીકારી લીધું છે અને પંજાબના રાજ્યપાલ સુધી પહોંચાડી આપ્યું છે.
• ભારતીય વિદેશ વિભાગના અધિકારી વિવેકકુમારને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે નિમવામાં આવ્યા છે.
• બિહારના સારણ જિલ્લામાં ૧૯મીએ વહેલી સવારે ભેંસચોરીની આશંકાએ ત્રણ લોકોને મારી નાંખ્યા હતા. જોકે મૃતકોના પરિવારે ચોરીના આક્ષેપને ખોટા ગણાવ્યા છે.
• સેન્સેક્સ અને સોના-ચાંદીમાં ૧૯મીએ બે દિવસથી ઊંચનીચ જોવા મળી હતી. બે દિવસમાં સોનું રૂ. ૬૦૦ મોંઘુ થઇ રૂ. ૩૬૩૦૦ની નવી ટોચે સ્પર્શી ગયું હતું તો સામે સેન્સેક્સ ૮૭૮ પોઇન્ટ ગગડી ૩૮૩૩૭.૦૧ પોઇન્ટે બંધ રહ્યો હતો.
• સુપ્રીમ કોર્ટે બાબરી ધ્વંસ કેસની સુનાવણી કરી રહેલા વિશેષ જજને ૯ મહિનાની અંદર ચુકાદો આપવા જણાવ્યું છે. જજ યાદવની મુદત ત્યાં સુધી વધારાઈ છે. તેઓ ૩૦ સપ્ટેમ્બરે નિવૃત્ત થવાના હતા.
• ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઉભભા ગામમાં સામાન્ય જમીન વિવાદ પછી ગ્રામ પ્રધાન (સરપંચ) અને ગ્રામીણો વચ્ચે થયેલી લડાઈમાં એક જ જૂથના ૯ લોકોની હત્યા કરાઈ છે. સરપંચ પક્ષના લોકોએ ગ્રામીણો પર ફાયરિંગ કર્યું હતું.
• બાલાકોટ પર એર સ્ટ્રાઇક બાદ ૨૭ ફેબ્રુઆરીથી પાકિસ્તાને બંધ કરી દીધેલા તેના એર સ્પેસને ભારત સહિત બીજા દેશોના વિમાનો માટે ખોલી દીધો છે. ૧૫મી જુલાઈએ મધરાત બાદ ૧૨.૪૧ કલાકે પાકિસ્તાને આ જાહેરાત કરી હતી. ભારતીય ઉડ્ડયન વિભાગે આ મામલાની સમીક્ષા કર્યા બાદ બંને દેશો વચ્ચે વિમાનોનું આવાગમન નોર્મલ બન્યું છે.