સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 25th April 2018 08:35 EDT
 

• ‘છ મહિનામાં રામમંદિરનો ચુકાદો તરફેણમાં આવશે’: વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના નવનિયુક્ત અધ્યક્ષ વિષ્ણુ સદાશિવ કોકજે સોમવારે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે અહીં વિવાદાસ્પદ રામજન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે આંદોલનની જરૂર નથી, કારણ કે ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો મંદિરની તરફેણમાં આવશે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટને કલમ ૧૪૨ હેઠળ બધા ચુકાદા બદલી શકે છે અને કોઈ પણ આદેશ આપવાનો અધિકાર ધરાવે છે. તે કેસની હકીકતો વિરુદ્ધ પણ ચુકાદો આપી શકે છે. હિન્દુઓ માટે રામજન્મભૂમિ આસ્થાનો વિષય છે. સરયૂ તટ પર સ્નાન કર્યા બાદ તેમણે રામલલ્લાનાં દર્શન કર્યા અને પ્રખ્યાત હનુમાનગઢી મંદિરમાં જઈને માથું ટેકવ્યું હતું.
• ટીસીએસ દ્વારા સો અબજ ડોલર મિડ-કેપ સરઃ આઈટી કંપની ટીસીએસે સોમવારે ૧૦૦ અબજ ડોલરની મિડ- કેપ ધરાવતી ભારતની પ્રથમ લિસ્ટેડ આઈટી કંપની બનીને ઈતિહાસ સર્જ્યો હતો. કંપનીનું બજારમૂલ્ય સોમવારે રૂ. ૬.૫૩ લાખ કરોડને આંબી ગયું હતું. આમ તો ૨૦મી એપ્રિલે જ કંપનીના બજાર મૂલ્યમાં રૂ. ૪૦,૦૦૦ કરોડનો ઉમેરો થયો હતો અને કંપની વિક્રમજનક સ્થિતિની નજીક પહોંચી ગઈ હતી. મુંબઈ શેરબજારમાં કંપનીના શેર ૦.૨૬ ટકાના વધારા સાથે રૂ. ૩૪૧૫.૨૦ની ભાવસપાટીએ બંધ રહ્યા હતા.
• મેઘાલયમાં અફસ્પાની નાબૂદી, અરુણાચલમાં આંશિકઃ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા મેઘાલયમાંથી વિવાદાસ્પદ આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (એએફએસપીએ)ને સંપૂર્ણ રીતે હટાવી લેવાયો છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગમાંથી પણ આ એક્ટને દૂર કરાયો છે. આ કાયદા અંતર્ગત સૈન્યને કેટલાક વિશેષાધિકાર મળી રહે છે. જેનો છેલ્લા કેટલાક સમયથી વિરોધ થતો હતો. સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી મેઘાલયના ૪૦ ટકા વિસ્તારમાં અફસ્પા લાગુ હતો.
• મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ૧૬ નક્સલીઓ ઠારઃ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં રવિવારે તડગાંવના જંગલોમાં પોલીસ અથડામણમાં ૧૬ નક્સલીઓને ઠાર મરાયા છે. તેમાં જિલ્લા સ્તરના બે મોટા નક્સલીનો પણ સમાવેશ થાય છે. નક્સલીઓ વિરુદ્ધ આ વર્ષનું આ સૌથી મોટું ઓપરેશન છે. આ પહેલા ૩ એપ્રિલે પણ મહારાષ્ટ્ર પોલીસે એન્કાઉન્ટરમાં ૩ નક્સલીઓને ઠાર કર્યા હતા. ૩૮ વર્ષમાં પોલીસને આ સૌથી મોટી સફળતા મળેલી ગણાય છે.
• એર ઈન્ડિયાના ચાલુ વિમાને વિન્ડો તૂટીઃ અમૃતસરથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ૨૪૦ મુસાફરોનો જીવ ૧૯મી એપ્રિલે ખરાબ હવામાનના કારણે તાળવે ચોંટી ગયો હતો. ફ્લાઈટ ૧૫,૦૦૦ ફૂટ ઊંચે હતી ત્યારે ભારે તોફાનમાં વિમાન ફસાયું હતું અને મુસાફરોને આંચકા લાગવા શરૂ થયા હતા. એક વિંડો પેનલ તૂટીને વિમાનની અંદર પડી ગઇ હતી. જેથી ત્રણ મુસાફરો ઘવાયા હતા. આ ઘટનામાં કેટલાક મુસાફરોના ઓક્સિજન માસ્ક પણ ખૂલી ગયા હતા. જોકે સદનસીબે કોઇ અકસ્માત સર્જાયો નહોતો અને મુસાફરો હેમખેમ રહ્યા હતા. ફ્લાઈટનું સફળતાપૂર્વક ઊતરાણ થયું હતું. આ અંગે ઉડ્ડયન વિભાગ દ્વારા પૂરતી તપાસની ખાતરી અપાઈ છે.
• દેશમાં પ્રથમ વખત બે સગા ભાઈ લવ -કુશની દત્તકવિધિઃ નવી દિલ્હીના એક નિ:સંતાન દંપતીએ અમદાવાદના પાલડીમાં આવેલા શિશુગૃહમાં રહેતા લવ અને કુશ નામના બે સગા ભાઈઓને દત્તક લીધાં છે. બંને ભાઈને એક જ પરિવારે દત્તક લીધાનો આ પ્રથમ કિસ્સો છે. જૂન ૨૦૧૭માં લવ નામનો બાળક ૭ વર્ષનો હતો અને કુશ નામનો બાળક ૪ વર્ષનો હતો ત્યારે વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી આ બંને બાળકો મળી આવ્યા હતા.
• આઈઆઈટીના વિદ્યાર્થીઓએ ‘બહુજન આઝાદ પાર્ટી’ સ્થાપીઃ દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા ઈન્ડિયન ઈનસ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ૫૦ વિદ્યાર્થીઓના જૂથે તેમની નોકરી છોડીને રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેઓ એસ.સી., એસ.ટી. અને પછાત વર્ગના અધિકારો માટે લડવા ‘બહુજન આઝાદ પાર્ટી’ બનાવી છે અને ચૂંટણી પંચ તેમની પાર્ટીને મંજૂરી આપે તેની રાહ જુએ છે. પચાસ વિદ્યાર્થીઓના જૂથની આગેવાની લેનાર ૨૦૧૫ના ગ્રેજ્યુએટ નવીનકુમારે જણાવ્યું હતું કે, તેમના પક્ષમાં દેશભરની વિવિધ આઈઆઇટીમાંથી આવેલા સભ્યો સભ્યો નોકરી છોડીને રાજકારણમાં પ્રવેશ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter