સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 25th September 2019 08:41 EDT
 

• હિઝબુલના ૩ આતંકીઓની ધરપકડઃ જમ્મુ-કાશ્મીર પોલીસે સોમવારે હિઝબુલ મુજાહિદ્દીનના અને કિશ્તવાડના રહેવાસી ત્રણ આતંકીઓ નિસાર અહમદ શેખ, નિષાદ અહમદ અને આઝાદ હુસેનને પકડ્યા હતા. પોલીસે કહ્યું કે, કિશ્તવાડમાં કેટલાય ભાજપ અને આરએસએસ નેતાની હત્યામાં આ આ આતંકીઓ સામેલ છે.
• કાશ્મીરમાં બીજી વાર ખૂલશે બંધ પડેલાં મંદિરોઃ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે કાશ્મીરમાં વર્ષોથી બંધ શાળાઓ ફરી ખોલવા સમિતિ રચી છે. ખીણમાં લગભગ ૫૦ હજાર મંદિરો બંધ હતા. તેમાંથી અનેક ક્ષતિગ્રસ્ત છે. આ મંદિરો પુનઃ ખૂલશે અને અહીં એક પણ સિનેમાઘર ચાલુ નથી. અમે તે પણ બીજી વાર શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.
• યુવકોને આતંકી બનાવવા પાકિસ્તાન મોકલતો માણસ ઝબ્બેઃ પોલીસે ૨૨મીએ અલકાયદાના આતંકી મોહમ્મદ કલીમુદ્દીન મુજાહિરીની ઝારખંડથી ધરપકડ કરી હતી. મોહમ્મદ અન્ય યુવકોનું માઇન્ડ વોશ કરીને આતંકી બનાવવા પાકિસ્તાન મોકલતો હતો અને તે ઘણા સમયથી વોન્ટેડ પણ હતો. અલકાયદા ઇન્ડિયા સબકન્ટિનેન્ટમાં રહીને જેહાદે વતન માટે યુવકોને તૈયાર કરતો.
• સોનિયા ગાંધી - મનમોહન સિંહ ચિદમ્બરમને જેલમાં મળ્યાંઃ આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં પુરાયેલા પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને મળવા માટે સોમવારે સવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ ગયા હતાં. ૨૫ મિનિટ સુધી તેઓએ વાતચીત કરી હતી.
• એક માણસ એક કાર્ડઃ દિલ્હી રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા અને વસતી કમિશન કાર્યાલયની નવી ઇમારતનો શિલાન્યાસ કર્યા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ‘એક દેશ એક ઓળખકાર્ડ’ની જેમ નાગરિકો માટે બહુહેતુલક્ષી ઓળખકાર્ડનો વિચાર મૂક્યો છે. જેમાં આધાર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને બેંક ખાતા જેવી તમામ જરૂરિયાતો હશે.
• નારદ-સુદામાનો વેશ કાઢનારા ટીડીપીનાં પૂર્વ સાંસદનું નિધનઃ લાંબા સમયથી બીમાર તેલુગુ દેશમ પાર્ટીના પૂર્વ સાસંદ એન શિવ પ્રસાદનું ૨૧મીએ નિધન થયું હતું. તેમની સારવાર ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં ચાલતી હતી. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા શિવપ્રસાદ સંસદમાં ક્યારેક નારદ તો ક્યારેક સુદામા બનીને જતા હતા. આ કારણથી તેઓ સંસદમાં ઘણા પ્રખ્યાત હતા.
• ‘બાલાકોટથી આગળ પણ કાર્યવાહી થઈ શકે’: આર્મી ચીફ જનરલ બિપીન રાવતે સોમવારે કહ્યું છે કે પાકિસ્તાને બાલાકોટ સ્થિત આતંકી શિબિર ફરી સક્રિય કરી છે. સાથે જ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે આતંક વિરુદ્ધ કાર્યવાહી કરવા આર્મી બાલાકોટથી પણ આગળ જઈ શકે છે. તેમણે કહ્યું કે સરહદ પાર ૫૦૦ જેટલા આતંકી ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે.
• ચંદ્રયાન-૨: વિક્રમનો સંપર્ક થયો નથી: ઇસરોનાં વડા સિવાને ૨૧મીએ જણાવ્યું હતું કે અનેક પ્રયાસો છતાં હજી ચંદ્રયાન- ૨નાં લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થઈ શક્યો નથી. વિક્રમનાં સોફ્ટ લેન્ડિંગમાં ક્યાં ખામી રહી ગઈ તેની તપાસ ચાલે છે.
• જાદવપુર યુનિ.માં બાબુલ સુપ્રિયોનો કુર્તો ફાડી નાંખ્યોઃ કેન્દ્રીય રાજ્ય પ્રધાન અને આસનસોલના ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયો એબીવીપીના કાર્યક્રમમાં હાજરી આપવા ૧૯મી જાદવપુર યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા. તેઓ યુનિવર્સિટી સંકુલમાં પહોંચતાં જ વિદ્યાર્થીઓએ તેમના પર હુમલો કરી દીધો.
• મમતાએ મોદીને મીઠાઈ અને કુર્તાની ભેટ આપીઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી ૧૮મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા વડા પ્રધાન નિવાસે પહોંચ્યા હતા. મમતાએ મોદીને મીઠાઈ અને કુર્તાની ભેટ આપીને વીરભૂમિ બ્લોકનું ઉદઘાટન કરવા બંગાળ આવવાનું નિમંત્રણ પણ આપ્યું હતું. મુલાકાત પછી મમતા બેનર્જીએ કહ્યું કે, મોદી સાથેની ચર્ચા સારી રહી મમતા બેનરજીએ કહ્યું હતું કે આ કોઈ રાજકીય મુલાકાત નહોતી.
• મિસાઇલ ‘અસ્ત્ર’નું પરીક્ષણઃ દેશના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) અને વાયુસેનાએ પશ્ચિમ બંગાળમાં એક એવી મિસાઇલ ‘અસ્ત્ર’નું ૧૭મીએ સફળ પરીક્ષણ કર્યું હતું. ‘અસ્ત્ર’ દુશ્મનના વિમાનને ૭૦ કિમી દૂરથી જ તોડી પાડવા માટે સક્ષમ છે. પાકિસ્તાન તરફથી મળતી સતત યુદ્ધની ધમકીઓ વચ્ચે ડીઆરડીઓએ જણાવ્યું કે આ ભારતની પ્રથમ સ્વદેશી એર-ટુ-એર પ્રહાર કરતી સ્વદેશી મિસાઇલ છે. જેની રેન્જ ૭૦ કિમીની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter