સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 16th October 2019 07:18 EDT
 

• મહિલાએ પાંચ બાળકોને જન્મ આપ્યો: રાજસ્થાનના જયપુરની એક હોસ્પિટલમાં રૂખસાના નામની મહિલાએ ૧૨મીએ પાંચ બાળકોને જન્મ આપ્યો હતો. એક ડિલિવરી અને પાંચ બાળકની આ ઘટના આનંદ અને દુઃખનું કારણ પણ બની વાસ્તવમાં પાંચમાં એક બાળક મૃત જન્મ્યો અને ૧ હજુ વેન્ટિલેટર પર છે. આ દુર્લભ પ્રસૂતિમાં ૩ બાળક અને બે બાળકીનો જન્મ થયો હતો. અન્ય ત્રણ સ્વસ્થ છે. મહિલાની આ ત્રીજી પ્રસૂતિ છે.
• ઘરમાં ગેસ સિલિન્ડર ફાટતાં ૧૩નાં મોત: ઉત્તર પ્રદેશના મઉના મોહમ્મદાબાદ કોતવાલી ક્ષેત્રના વલીદપુર વિસ્તારમાં બે માળના મકાનમાં ૧૪મીએ રાંધણ ગેસ સિલિન્ડર ફાટતાં ૧૩ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૩૦ લોકો ઘવાયા હતા. પોલીસે જણાવ્યું કે મકાન છોટું વિશ્વકર્માના નામે હતું જ્યાં સિલિન્ડર ફાટતાં અફરા-તફરી મચી જવા પામી હતી. લોકો જીવ બચાવવા આમ-તેમ નાસવા લાગ્યા હતા. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે મકાનની છત જ ઊડી ગઈ અને તે ધસી પડ્યો. પાડોશીના એક મકાનને પણ નુકસાન થયું છે.
• મધ્ય પ્રદેશમાં કાર અકસ્માતમાં ચાર હોકી ખેલાડીઓનાં મોતઃ મધ્ય પ્રદેશના હોશંગાબાદના રેસલપુર ગામ નજીક સોમવારે વહેલી સવારે કાર અકસ્માત થયો હતો. જેમાં ચાર નેશનલ લેવલના હોકી ખેલાડીઓનાં મોત થયાં હતાં. ત્રણ ખેલાડીઓને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત ખેલાડીઓની હાલત ખૂબ જ નાજુક હોવાનું જણાવાયું હતું. સાત ખેલાડીઓ કારમાં મેજર ધ્યાનચંદ હોકી ટૂર્નામેન્ટની સેમિફાઈનલ રમવા હોશંગાબાદ ગયા હતા.
• ‘વિશ્વભરમાં સૌથી વધુ સુખી મુસ્લિમ ભારતમાં’: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ભુવનેશ્વરમાં બૌદ્ધિકોની એક સભામાં ભારતીય વિવિધતાને વખાણતા કહ્યું કે, વિશ્વમાં સૌથી વધુ સુખી મુસ્લિમો ભારતમાં છે. તેમણે કારણ આપતાં કહ્યું કે, આપણે હિન્દુ છીએ. તેમણે કહ્યું કે, અહીંના લોકો વિવિધ સંસ્કૃતિ, ભાષા અને ભૂગોળ સાથે જોડાયેલા છે, પોતાને ભારતીય માને છે.
• ‘હિંમત હોય તો કલમ ૩૭૦ ફરી લાગુ કરવાનો વાયદો કરો’: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે મહારાષ્ટ્રમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી. મોદીએ ભંડારા અને જલગાંવમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી જ્યારે રાહુલે લાતુર સહિત ત્રણ સ્થળે ચૂંટણી રેલી યોજી હતી. મોદીએ જલગાંવની રેલીમાં વિપક્ષોને જમ્મુ-કાશ્મીર મામલે સીધો પડકાર ફેંક્યો. તેમને કહ્યું કે જો હિંમત હોય તો જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ ફરી લાવવાની જાહેરાત પોતાના ચંટણી ઢંઢેરામાં કરીને દેખાડો.
• ‘મારી માતાનાં મોત માટે ચાકો જવાબદાર’ઃ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષના નામની જાહેરાત થવાની છે એવી અટકળો વચ્ચે આંતરિક વિવાદ સપાટી પર આવી ગયું છે. પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતે તેમની માતાના મૃત્યુ માટે દિલ્હી કોંગ્રેસના પ્રભારી પીસી ચાકોને જવાબદાર ઠેરવ્યા છે. આ માટે તેમણે ચાકોને પત્ર લખીને આરોપ મૂક્યો છે કે, ચાકોએ સર્જેલી રાજકીય સ્થિતિના કારણે જ મારી માતાનું મૃત્યું થયું છે.
• મુર્શિદાબાદમાં સંઘ કાર્યકર્તા, પત્ની અને પુત્રની હત્યા: મુર્શિદાબાદમાં તાજેતરમાં રહેતા ૩૫ વર્ષીય શિક્ષક બંધુપ્રકાશ પાલ, તેની ગર્ભવતી પત્ની અને આઠ વર્ષના પુત્રની ઘાતકી હત્યા થઈ હતી. આ ત્રિપલ મર્ડર કેસમાં બે આરોપીઓની ધરપકડ થઈ હતી. શિક્ષક શિક્ષણ સંઘ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરાયો હતો. આ ત્રિપલ મર્ડર મુદ્દે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે. બંધુપ્રકાશ આરએસએસ સાથે જોડાયેલા હતા.
• કર્ણાટકના પૂર્વ ઉપ મુખ્ય પ્રધાનના ૩૦ સ્થળોએ આઈટી દરોડાઃ આવકવેરા વિભાગ દ્વારા કર્ણાટકનાં પૂર્વ ડેપ્યુટી મુખ્ય પ્રધાન અને કોંગ્રેસ નેતા જી. પરમેશ્વરનાં નિવાસ અને મેડિકલ કોલેજ તેમજ બેંગલુરુ અને તુમકૂર સહિત ૩૦ સ્થળે ૧૦મી ઓક્ટોબરે દરોડા પાડવામાં આવ્યા હતા અને સર્ચ અને દરોડાની કામગીરી દરમિયાન આઈટી અધિકારીઓને તેમની ઓફિસ અને નિવાસેથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે.
• ૪૯ હસ્તીઓ સામે દાખલ રાજદ્રોહનો કેસ બંધ કરવા આદેશઃ વડા પ્રધાન મોદીને મોબ લિંચિંગનો ફરિયાદભર્યો પત્ર લખનાર ૪૯ હસ્તીઓની સામે બિહાર કોર્ટમાં કેસ દાખલ કરનાર મુઝફ્ફરપુરના વકીલની સામે ખોટો કેસ કરવાનો આદેશ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter