સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 22nd January 2020 06:43 EST
 

લખનઉનો ગોખલે માર્ગ હવે પ્રિયંકા ગાંધીનું નવું સરનામુંઃ ઉત્તર પ્રદેશના પ્રભારી કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા માટે રાજધાની લખનઉમાં ઠેકાણાની શોધ પૂરી થઇ ગઇ છે. તેઓ ટૂંકમાં જ લખનઉ યાત્રાઓ દરમિયાન હજરત ગંજમાં ૨૩/૨, ગોખલે માર્ગ સ્થિત ઇન્દિરા ગાંધીનાં દિવંગત મામી શીલ કૌલના ઘેર રોકાશે.
• શોપિયામાં ત્રણ આતંકી ઠાર, ૧ આતંકી પૂર્વ પોલીસ અધિકારીઃ જમ્મુ કાશ્મીરના શોપિયામાં ૨૦મીએ સૈન્ય કાર્યવાહીમાં હિઝબુલના ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાંથી એક પોલીસ ઓફિસરનો પણ સમાવેશ થાય છે. આ પોલીસ ઓફિસરનું નામ આદિલ અહમદ છે અને તેણે કાશ્મીરમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર તરીકે સેવા આપી હતી. 

• વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને એક જ સ્થળે વસાવવા માગઃ કાશ્મીરી ઘાટીઓમાંથી પંડિતોના પલાયનને ૩૦ વર્ષ પૂરા થવા નિમિત્તે સમુદાયના લોકોએ સરકારને ઘાટીમાં એક સ્થળે તેમને વસાવવા માગ કરી હતી. સાથે જ તેમણે પોતાના જ દેશમાં તેઓ શરણાર્થીની જેમ રહે છે, પરંતુ કોઈને ચિંતા નથી તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
• મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં બ્રજેશ ઠાકુર સહિત ૧૯ દોષિતઃ બિહારના શેલ્ટર હોમમાં ૩૪ બાળકીઓ ઉપર થયેલા જાતીય સતામણીના કેસમાં બ્રજેશ ઠાકુર સહિત ૧૯ને દિલ્હીની કોર્ટે દોષિત ઠેરવ્યા છે. એક આરોપીને પુરાવાના આભાવે કોર્ટે છોડી મૂક્યો હતો. તમામ દોષિતોને ૨૮મી જાન્યુઆરીએ સજા ફટકારાશે.
• વિદેશ સંપત્તિ મામલે વાડ્રાના સહાયકની ઈડીએ ધરપકડ કરીઃ વિદેશી સંપત્તિ કેસમાં મની લોન્ડરિંગની તપાસનો સામનો કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની પરેશાની વધી છે. ઈડીએ પ્રવાસી ભારતીય ઉદ્યોગપતિ અને રોબર્ટ વાડ્રાના નજીકના સહાયક સી. સી. થંપીને સોમવારે ગિરફતાર કર્યા છે. ઈડીના એક અધિકારીએ જણાવ્યું કે થંપીને વાડ્રાના કેસમાં તપાસ માટે ગિરફતાર કરાયા હતા.
• બિઝનેસ વુમન જ્યોત્સના સૂરીનાં આઠ સ્થળે આઇટીના દરોડાઃ આવકવેરા વિભાગ દ્વારા રવિવારે રાત્રે અને સોમવારે ભારત હોટેલ્સ અને લલિત હોટેલ ચેનનાં એમડી જ્યોત્સના સૂરી અને તેમના નિકટના સહયોગીઓની ઓફિસ તેમજ નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. કરચોરીના કેસમાં દેશભરમાં ૮થી વધુ સ્થળે દરોડા અને જપ્તીની કામગીરી હાથ ધરાઈ હતી.
• પાંચ ના. મુખ્ય પ્રધાન ધરાવતા આંધ્રમાં હવે ત્રણ પાટનગરઃ આંધ્ર પ્રદેશમાં જગનમોહન રેડ્ડી સરકારે સોમવારે રાજ્યમાં ત્રણ પાટનગરની રચનાની જોગવાઇ ધરાવતા ખરડાને વિધાનસભામાં રજૂ કર્યું હતું. તે પહેલાં મુખ્ય પ્રધાન રેડ્ડીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટે આ અંગેની દરખાસ્તને મંજૂરી આપી હતી. કેબિનેટ બેઠક પછી વિધાનસભા કાર્યવાહી સલાહકાર સમિતિની ૧૦ વાગે મળેલી બેઠકમાં પણ ખરડાને મંજૂરી આપવામાં આવી હતી.
• વર્ષ ૨૦૧૩ના ગુડિયા ગેંગરેપ કેસમાં બે દોષિતઃ વર્ષ ૨૦૧૩માં દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર ગેંગરેપ અને અત્યંત ઘાતકી વ્યવહાર આચરવાના કેસમાં ૧૮મીએ દિલ્હીની પોક્સો કોર્ટે આરોપી પ્રદીપકુમાર અને મનોજ શાહને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટ બંને અપરાધીને ૩૦મી જાન્યુઆરીના રોજ સજાની સુનાવણી કરશે.
• ૧૭૦ વર્ષ જૂની મોદી મસ્જિદના દ્વાર બિનમુસ્લિમો માટે ખૂલ્યાઃ બેંગલુરુની ૧૭૦ વર્ષની પ્રાચીન મોદી મસ્જિદમાં રવિવારે સંખ્યાબંધ હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને કેટલાક શીખોના પ્રેવેશ સાથે અભૂતપૂર્વ દૃશ્ય જોવા મળ્યું હતું. બિનમુસ્લિમો ઇસ્લામને સારી રીતે સમજી શકે તે માટે શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલી આ મસ્જિદના દ્વાર બિનમુસ્લિમો માટે પહેલી વાર ખુલ્લા મુકાયા હતા.
• ભારત દ્વારા કે-૪ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણઃ ભારતે પરમાણુ હુમલો કરવા સક્ષમ બેલેસ્ટિગ મિસાઇલ કે-૪નું ૧૮મી જાન્યુઆરીએ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આંધ્ર પ્રદેશના દરિયાકિનારા પરથી આ મિલાઇલને છોડવામાં આવી હતી. જેની રેન્જ ૩૫૦૦ કિલોમીટરની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter