સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 29th January 2020 07:53 EST
 

• કોચિંગ ક્લાસની છત પડતાં ૫નાં મોતઃ દિલ્હીના ભજનપુરામાં ૨૫મી જાન્યુઆરીએ એક કોચિંગ સેન્ટરની છત અચાનક પડવાથી ચાર વિદ્યાર્થીનાં અને એક ટીચરનાં મોત થયાં હતાં. આ ઘટનામાં અન્ય ૧૩ને ઈજા થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.
• પ્રયાગરાજમાં ૧ કરોડ લોકોનું સ્નાનઃ માઘ મેળાના ત્રીજા અને સૌથી મહત્ત્વપૂર્ણ મૌની અમાસના સ્નાન પૂર્વ પર પ્રયાગરાજમાં શ્રદ્વાળુઓનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. સંગમમાં ૨૪મીએ સાંજ સુધીમાં આશરે ૧ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું.
• લલિત ગ્રૂપની વિદેશી સંપત્તિ પકડાઇઃ ધ લલિત પટેલ ગ્રૂપની ૧૩ જગાએ ૨૪મીએ આઇટી દરોડો પાડવામાં આવતાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુની વિદેશી સંપત્તિ પકડાઇ છે. વિદેશી સંપત્તિમાં બ્રિટનમાં એક હોટેલ, બ્રિટન અને યુએઇમાં સ્થાવર મિલકત, વિદેશી બેંકોમાં જમા રકમ વગેરે સામેલ છે.
તપસામાં ઘરેલુ સ્તરે રૂ. ૫૫ કરોડની કરચોરી પણ પકડાઇ છે.
• અદાણીને રૂ. ૪૦૦ કરોડનો દંડ થઈ શકેઃ અદાણી ગેસ દ્વારા એક પ્રોજેક્ટ માટેની માહિતી છુપાવવા બદલ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા કંપનીને શો કોઝ નોટિસ ફટકારાઈ છે. નોટિસમાં અદાણી ગેસને રૂ. ૪૦૦ કરોડનો દંડ તેમજ લાઇસન્સ રદ કરવાની ચેતવણી અપાઈ છે. કંપની સામે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યૂશન પ્રોજેક્ટની હરાજી વખતે મહત્ત્વની વિગતો જાહેર નહીં કરવાનો આરોપ લગાવાયો છે. કંપની સામેના આરોપો જો સાબિત થશે તો તેની સામે ઉપર મુજબ શિક્ષાત્મક પગલાં લેવાશે.
• નેશનલ બિઝનેસ રજિસ્ટર માટે વિચારણાઃ એનઆરસી અને એનપીઆરની કવાયત વચ્ચે કેન્દ્ર સરકાર નેશનલ સ્ટેટિસ્ટિકલ બિઝનેસ રજિસ્ટર તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. સરકારની કવાયતના જાણકાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, સાતમા ઇકોનોમિક સેન્સસનાં પરિણામોના આધારે દેશના તમામ બિઝનેસ એન્ટરપ્રાઇઝની માહિતી એકઠી કરાશે. રજિસ્ટરમાં ગૂડ્સ અને સર્વિસિઝના પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યૂશન સાથે સંકળાયેલી કંપનીઓને સામેલ કરાશે.
• આસામમાં ૬૪૪ ઉગ્રવાદીનું આત્મસમર્પણઃ ઉગ્રવાદ પીડિત આસામમાં ૮ પ્રતિબંધિત સંગઠનોનાં ૬૪૪ ઉગ્રવાદીઓએ ૧૭૭ હથિયારો સાથે ૨૩મી જાન્યુઆરીએ આત્મસમર્પણ કર્યું હતું. તેઓ સમાજની મુખ્ય ધારામાં પાછા ફર્યા છે.
• ભારત 'લેડી રોબોટ' અવકાશમાં મોકલશેઃ ભારતના સમાનવ અવકાશ મિશન ગગનયાનની પૂર્વ તૈયારી માટે એક લેડી રોબોટને ઈસરોએ અવકાશમાં મોકલવાનું નક્કી કર્યું છે. ઈસરોના ચેરમેને ૨૨મીએ આ અંગે માહિતી આપી હતી. એ પ્રમાણે આ રોબોટને વ્યોમમિત્ર નામ અપાયું છે. વ્યોમમિત્ર મનુષ્યની માફક વાત-ચીત કરી શકશે, અન્ય મનુષ્યને ઓળખી શકશે અને નકલ પણ કરી શકશે. ઈસરોએ ખાસ સ્પેસ મિશન માટે આ રોબોટ તૈયાર કર્યો છે. ભારતનું સમાનવ અવકાશ મિશન ડિસેમ્બર ૨૦૨૧માં રવાના થશેે.
• સારંગ તોપનું સફળ પરીક્ષણઃ ભારતે દેશની સૌથી મોટી તોપ સારંગનું ૨૨મીએ સફળ પરીક્ષણ કર્યું છે. આ તોપ ભારતને પીઓકેમાં કોઈ અભિયાન ચલાવવામાં મદદ કરી શકશે. આ તોપ ટાર્ગેટ વિસ્તારમાં ઘૂસ્યા વગર ૪૦થી ૫૦ કિલોમીટર સુધી વાર કરી શકે છે. ઓર્ડિનન્સ પેકટરી કાનપુર દ્વારા બનાવવામાં આવેલી ૧૫૫ એમમની સારંગ તોપનું જબલપુર સ્થિત અમરિયા રેન્જમાં સફળ પરીક્ષણ કરાયું હતું.
• ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ બેંક ફ્રોડઃ ફ્રોસ્ટ ઈન્ટરનેશનલ અને તેના ડિરેક્ટરોએ જુદી જુદી ૧૪ બેંકોમાંથી રૂ. ૩,૫૯૨ કરોડની લોન લીધી હતી આ રકમ ભરપાઈ ન કરી શકતાં ઠગાઈ કેસમાં સીબીઆઈએ મર્ચન્ટ ટ્રેડિંગ કરનાર મુંબઈ સ્થિત ફ્રોસ્ટ ઈન્ટરનેશનલ, તેના ડિરેક્ટર્સ ઉદય દેસાઈ અને સંજય દેસાઈ સહિત ૧૧ વ્યક્તિઓ અને કંપનીઓની સામે કેસ દાખલ કર્યો છે.
• ‘ઝોમેટો’એ ‘ઉબર ઇટ્સ’નો ભારતીય બિઝનેસ ખરીદ્યોઃ ચીનની ઓનલાઇન કંપની અલિબાબાની પેટાકંપની એન્ટ ફાઇનાન્સિયલ સમર્થિત ફૂડ ડિલિવરી ઝોમેટોએ ઉબર ઇટ્સના ભારતીય બિઝનેસને રૂ. ૨૪૯૨ કરોડમાં ખરીદી લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter