સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 19th February 2020 06:25 EST
 

• ભૂષણ પાવર હસ્તગત કરવા મંજૂરીઃ નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ(એનસીએલટી)એ સોમવારે જેએસડબ્લ્યુ સ્ટીલને રૂ. ૧૯,૭૦૦ કરોડમાં ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ હસ્તગત કરી લેવા મંજૂરી આપી દીધી હતી.
• મનમોહન રાજીનામું આપવા માગતા હતા’: આયોજન પંચ (હાલમાં નીતિ પંચ)ના પૂર્વ અધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાએ રવિવારે પોતાના નવા પુસ્તક, ‘બેકસ્ટેજ: ધ સ્ટોરી બિહાઇન્ડ ઇન્ડિયા હાઇ ગ્રોથ યર્સ’ના વિમોચનમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૩માં રાહુલ ગાંધીએ વટહુકમ ફાડી નાંખ્યા પછી તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહે મને પૂછયું હતું કે તેમણે રાજીનામું આપી દેવું જોઇએ? તે વખતે મેં તેમને જણાવ્યું હતું કે રાજીનામું આપવું યોગ્ય નહીં રહે. મનમોહનસિંહ તે વખતે અમેરિકી પ્રવાસે હતા.
• ‘ઠાકરે સરકાર તૂટે એ માટે કંઈ કરવાની જરૂર નહીં’: શિવસેનાએ ભાજપ અને જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ મહાવિકાસ આઘાડી સરકાર આપસી મતભેદને લીધે આપોઆપ તૂટી પડશે, એવો દાવો કરીને મધ્યવર્તી ચૂંટણીઓમાં જનાદેશનો અનાદર કરનારા આ બધા પક્ષોનેજનતા પાઠ ભણાવશે અને ભાજપ સરકાર ફરીથી સત્તા પર આવશે. એવો વિશ્વાસ ભાજપ પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે સોમવારે વ્યક્ત કર્યો હતો. આ માટે અમે કશું પણ કરવાની જરૂર નથી.
• રેલવે સ્ટેશનોમાં ગૂગલની ફ્રી Wi સર્વિસ બંધઃ ગૂગલના ભારત સ્થિત અધિકારી સીઝર સેનગુપ્તાએ બ્લોગમાં જાણકારી આપી હતી કે, ભારતમાં ડેટા પ્લાન ખૂબ જ સસ્તા હોવાથી રેલવે સ્ટેશનોમાં વાઈફાઈની જરૂરિયાત ઓછી થતી જાય છે. આમ પણ દેશના રેલવે સ્ટેશનોમાં વાઈફાઈ સિસ્ટમ મેઈનટેઈન કરવાનું કામ ઘણું કપરું હતું. તેથી આ સર્વિસ બંધ થશે. ગૂગલના અધિકારીએ કહ્યું હતું કે દુનિયાભરમાં ચાલતા સ્ટેશન વાઈફાઈ પ્રોગ્રામ્સ ૨૦૨૦ના અંત સુધીમાં બંધ કરવાનું કંપનીનું આયોજન છે.
• કાશ્મીરમાં પૂર્વ IAS ઓફિસર સામે કેસઃ જમ્મુ એન્ડ કાશ્મીરનાં પૂર્વ આઈએએશ ઓફિસર અને રાજકારણમાં પ્રવેશીને નવો પક્ષ જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટનાં વડા બનેલા શાહ ફૈઝલ સામે પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ કેસ કરાયો છે. તેઓ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરવાની ટીકા કરતા હતા. ૧૪મી ફેબ્રુઆરીએ રાત્રે તેમની સામે કેસ કરીને ધરપકડ કરવામાં આવી હતી.
• પ્રવાસી ભારતીય કેન્દ્ર હવે ‘સુષ્મા સ્વરાજ ભવન’: દેશના પૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજની મૃત્યુ તિથિએ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિદેશ મંત્રાલયે એક અનોખો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે દિલ્હીના પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ભવન તથા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસનું નામ સુષ્મા સ્વરાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ કરવાની જાહેરાત કરી છે.
• નોબેલ પીસ પ્રાઇઝ વિજેતા પચૌરીનું અવસાનઃ ધ એનર્જી એન્ડ રિસોર્સ ઈન્સ્ટિટ્યુટ (ટેરી)ના પૂર્વ પ્રમુખ તેમજ નોબેલ પીસ પ્રાઈઝનું સન્માન મેળવનાર આર. કે. પચૌરીનું ૧૩મીએ ૭૯ વર્ષની ઉંમરે અવસાન થયું છે. ૧૧મીથી તેમને દિલ્હીમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. નોબેલ પીસ પ્રાઈઝ સિવાય ભારત સરકારે તેમને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી પણ સન્માનિત કર્યા હતા. સાથે જ આર. કે. પચૌરી એક પર્યાવરણવિદ્દ પણ હતા. ૨૦૧૫ના વર્ષમાં તેમની એક સહ કર્મચારીએ પચૌરી પર યૌનશોષણનો આક્ષેપ લગાવ્યો હતો, ત્યારબાદ તેમણે ટેરીનું પ્રમુખપદ છોડ્યું હતું.
• સટ્ટાબાજ સંજીવ ચાવલા ૧૨ દિવસની પોલીસ કસ્ટડીમાંઃ ક્રિકેટ મેચ ફિક્સિંગના આરોપી અને મોટા સટ્ટેબાજ સંજીવ ચાવલાનું પ્રત્યાર્પણ કરીને ૧૩મીએ તેને લંડનથી ભારત લવાયો હતો. તે વર્ષ ૨૦૦૦માં મેચ ફિક્સિંગના કૌભાંડમાં સામેલ હતો. ચાવલાને ૧૨ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
• કે. સુરેન્દ્રન કેરળનાં ભાજપ પ્રમુખઃ ભાજપનાં પ્રમુખપદે જે પી નડ્ડાની સત્તાવાર નિયુક્તિ પછી હવે રાજ્યોમાં ભાજપ ચીફ બદલવાનો દોર ચાલ્યો છે. કેરળ ભાજપ પ્રદેશ પ્રમુખપદે ૪૯ વર્ષનાં ફાયર બ્રાન્ડ નેતા કે. સુરેન્દ્રની વરણી કરાઈ છે. કે. સુરેન્દ્રન સામે તોફાનો કરાવવાના, ભડકાઉ ભાષણો કરવાનાં અને મંજૂરી વિના આંદોલનો કરવાનાં ૨૪૦ કેસ છે. સબરીમાલા વિવાદમાં તેમની ભૂમિકા ચર્ચાસ્પદ રહી હતી અને તેઓ પોસ્ટર બોય ગણાતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter