• કઠુઆ દુષ્કર્મ કેસ પઠાણકોટ ટ્રાન્સફરઃ સુપ્રીમ કોર્ટે કઠુઆ સામૂહિક દુષ્કર્મ કેસની સુનાવણી પંજાબ ટ્રાન્સફર કરી દીધી છે. જોકે, ટોચની અદાલતે આ કેસની સીબીઆઈ તપાસની માગ ફગાવી દીધી છે. કોર્ટે કેસની દૈનિક સુનાવણી અને રેકોર્ડિંગનો પણ આદેશ આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી ૯મી જુલાઈથી થશે.
• ઝારખંડમાં બળાત્કાર પીડિતા સગીરાને જીવતી સળગાવાઈઃ ઝારખંડમાં એક ૧૪ વર્ષીય સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યા બાદ, સગીરાના પિતાએ પંચાયતમાં ફરિયાદ કરી હતી. પંચાયતે બળાત્કારીને ૧૦૦ ઉઠ-બેસની સજા અને રૂ. ૫૦ હજારનો દંડ કર્યો હતો. બળાત્કારીએ સજા-દંડનો ઇનકાર કર્યો અને સગીરાના ઘરે જઇને ઝગડો કર્યો હતો. ગુસ્સામાં બળાત્કારીએ જ્વલનશીલ પ્રવાહી સગીરા પર છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી. ત્યારબાદ તે નાસી છુટયો હતો. પોલીસ તેને શોધી રહી છે.
• વીડિયોકોન ગ્રૂપને દેવાળિયું જાહેર અપીલઃ વીડિયોકોન ગ્રૂપ અને તેની અન્ય કંપનીઓ પાસેથી દેશની મોટી બેંકોએ કુલ રૂ. ૧૩,૦૦૦ કરોડની રકમ લેવાની નીકળે છે. તેથી બેંકોએ ગ્રૂપ અને અન્ય કંપનીઓને દેવાળિયું જાહેર કરવા કોર્ટમાં અપીલ કરી છે.
• બિહારમાં પાક.ની છોકરી બ્રાન્ડ એમ્બેસેડર બનતા હોબાળોઃ જમુઇ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની નોટબુક પર પાકિસ્તાની છોકરીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવતા બિહારમાં હોબાળો થયો છે. આ મુદ્દે બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે તપાસના આદેશ આપ્યા છે અને આ કેસની તપાસ જમુઇ જિલ્લાધિકારીને સોંપી છે.
• ચેન્નાઈમાંથી ડીઆરઆઈએ વર્ષમાં ૧૯૪ કિલો સોનું પકડ્યુંઃ ગયા વર્ષમાં દેશમાંથી કુલ રૂ. ૫૭.૭૩ કરોડનું ૧૯૪ કિલો સોનું પકડી પડાયું હોવાનું ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્ટે કહ્યું હતું. પકડાયેલું સોનું મોટાભાગે શ્રીલંકાથી દાણચોરી દ્વારા ઘૂસાડાયું હતું. સોનાના દાણચોરી લાંબો દરિયાકિનારો ધરાવતા દક્ષિણ ભારતમાં અને ખાસ તો તામિલનાડુમાં એક મોટો મુદ્દો છે.
• બરફવર્ષાના કારણે કેદારનાથ યાત્રા અટકીઃ ઉત્તર ભારતમાં આંધી-તોફાનને લઇને હવામાન વિભાગની ચેતવણીની વચ્ચે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની યાત્રા અટકાવી દેવાઈ છે. કેદારનાથ ધામમાં સતત થઇ રહેલી ભારે બરફવર્ષાને કારણે એડમિનિસ્ટ્રેશને સાવચેતી ખાતર હાલમાં યાત્રાને અટકાવવાનો નિર્ણય કર્યો છે. એડમિનિસ્ટ્રેશનના નિર્દેશ મળ્યા બાદ શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં રોકવામાં આવ્યા છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવત સહિત ઘણા કોંગ્રેસ નેતા પણ કેદારનાથ ધામમાં ફસાયેલા છે. હવામાનમાં સુધાર થવા પર કેદારનાથ યાત્રાને ફરીથી શરૂ કરાશે.
• ઇન્ટિરિયર ડિઝાઈનરના આપઘાતમાં અર્ણબ ગોસ્વામી ફસાયાઃ ઇન્ટિરિયર ડઝાઇનર અન્વય મધુકર નાઈકે તાજેતરમાં ચોથી મેએ તેમના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેણે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, રિપબ્લિક ટીવીના અર્ણબ ગોસ્વામી, આયકાસ્ટ એક્સ મીડિયાના ફિરોઝ શેખ તેમજ સ્માર્ટ વર્કસના નીતેશ સારડા વગેરેએ તેના પૈસા ડુબાડ્યા તેથી તેણે આ પગલું ભર્યું છે. અલીબાગ પોલીસે નાઇકની પત્નીએ નોંધાયેલી ફરિયાદ અને નાઇકની સુસાઈડ નોટને આધારે ત્રણેય વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
• કર્ણાટકમાં ચૂંટણી પહેલાં મતદારોને લાલચનો કારસો: કર્ણાટકમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી ૧૨મીએ યોજાવાની છે ત્યારે મતદારોને લલચાવવા માટે ઉપયોગમાં લેવાનાર રૂ. ૧૨૦ કરોડથી વધુ રકમની રોકડ, ઝવેરાત અને ડ્રગ્સનો પ્રતિબંધિત જથ્થો જુદાજુદા સ્થળેથી જપ્ત કરવામાં આવ્યો છે. જે વાંધાજનક વસ્તુઓ જપ્ત કરાઈ છે તેમાં મતદારોને લલચાવવા માટે ઉપયોગમાં લેવાનાર રોકડ રૂ. ૬૭.૨૭ કરોડ, રૂ. ૨૩.૩૬ લાખની કિંમતનો ૫ લાખ લિટર દારૂ, રૂ. ૪૩.૧૭ કરોડનું સોનું અને ઝવેરાત તેમજ રૂ. ૧૮.૫૭ કરોડનાં પ્રેશર કૂકર્સ, સાડીઓ, સિવવાનાં સંચા, ગુટકા, લેપટોપ્સ અને વાહનોનો સમાવેશ થયો હોવાનું કહેવાય છે.
• માયાવતી સામેના ખાંડ મિલ કૌભાંડ કેસમાં તપાસ શરૂઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન બહુજન સમાજ પાર્ટીના માયાવતી વિરુદ્ધ સીબીઆઈ તપાસ શરૂ થઈ ચૂકી છે. આ કેસ વર્ષ ૨૦૧૦- ૧૧માં વેચવામાં આવેલી ખાંડની ૨૧ મિલ સંબંધી છે. કહેવાય છે કે ખાંડની આ મિલો વેચવામાં આવતાં રાજ્ય સરકારને રૂ. ૧,૧૭૯ કરોડનું નુકસાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં માયાવતી વર્ષ ૨૦૦૭થી ૨૦૧૨ દરમિયાન સત્તામાં રહ્યા હતા. તે સમયે માયાવતીની નજીક રહેલા નસીમુદ્દીન સિદ્દીકીએ ગયા વર્ષે આક્ષેપ કર્યા હતા કે તત્કાલીન મુખ્ય પ્રધાન માયાવતી અને બસપાના મહામંત્રી સતીષચંદ્ર મિશ્રાના ઈશારે તે મિલો વેચવામાં આવી હતી.
• સ્ટાફ સિલેકશનની એકઝામમાં બ્રાહ્મણોનું અપમાનઃ હરિયાણામાં ૧૦મી એપ્રિલે લેવાયેલી સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી)ની જેઇ (જુનિયર એન્જિનિયર)ની એક્ઝામમાં એવો સવાલ હતો કે, નીચે આપેલા ૪ વિકલ્પોમાંથી કોને અપશુકન મનાય છે? એના વિકલ્પો હતા કે, ખાલી ઘડો, ઇંધણથી ભરેલો ડબો, કાળા બ્રાહ્મણ સાથે મુલાકાત અને બ્રાહ્મણ છોકરી દેખાઇ જવી? બ્રાહ્મણો અંગેના આ અપમાનજનક સવાલનો સ્ક્રીનશોટ વાઇરલ થતાં વિપક્ષો તથા બ્રાહ્મણોમાં ક્રોધની લાગણી ફેલાઈ છે.કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ હરિયાણા એસએસસી અને મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરની ટીકા કરતા સમગ્ર બાબતને શરમજનક ગણાવી છે તો આમ આદમી પાર્ટીના હરિયાણાના પ્રદેશ પ્રમુખ નવીન જયહિંદે બ્રાહ્મણોને ભાજપનો બહિષ્કાર કરવા અપીલ કરી હતી.