સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 04th March 2020 06:47 EST
 

• જયપુરમાં ખેડૂતોનો વિરોધઃ જયપુર જિલ્લાના નિંદડ ગામમાં ખેડૂતોએ જમીન સમાધિ સત્યાગ્રહ શરૂ કર્યો છે. જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ ખેડૂતોની જમીન સંપાદિત કરાઈ છે. તેની સામે તેઓ જમીનમાં જ સમાધિની સ્થિતિમાં બેસીને વિરોધ કરી રહ્યા છે.
• રૂ. ૧૫૦ કરોડના બેનામી વ્યવહાર: છત્તીસગઢમાં નેતાઓ, અધિકારીઓ અને વેપારીઓ પર પડાયેલા આવકવેરા દરોડામાં રૂ. ૧૫૦ કરોડના બેનામી વ્યવહારના પુરાવા મળ્યાં છે. દરોડા દરમિયાન બેનામી વેચાણ, બેંકખાતા, રોકડ, કરોડો રૂપિયાની લેવડ દેવડની સાથે સંકળાયેલા લોકોના નામ, બેનામી વાહન, હવાલાની લેવડ દેવડ, શેલ કંપનીઓની માહિતી પ્રાપ્ત થઈ છે.
• ૧૫૦૦૦ જ્વેલર્સને આઇટીની નોટિસઃ ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ વડા પ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. ૮ નવેમ્બરની રાતે જ ઘણાએ રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની રદ થનારી નોટો બેંકમાં જમા કરાવવી ના પડે તે માટે આ નોટોની મદદથી જ્વેલર્સ પાસેથી સોનું ખરીદી લીધું હતું. આ સંદર્ભે આવકવેરા વિભાગ તરફથી સમગ્ર દેશના ૧૫,૦૦૦ જવેલર્સને નોટિસ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
• પુલ પરથી બસ નદીમાં ખાબકતાં ૨૪નાં મોત: રાજસ્થાનના બુંદી જિલ્લામાં ૨૬મી ફેબ્રુઆરીએ સવારે એક મિની બસ મેજ નદીના રેલિંગ વગરના પુલ પર પહોંચી ત્યારે તેનું ગિયર ફસાઇ ગયું હતું. આથી બસે નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ લગભગ ૨૫ ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. બસ નદીમાં ખાબકતાં ૨૪ લોકોનાં મોત થયાં હતાં.




to the free, weekly Gujarat Samachar email newsletter