સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Tuesday 28th April 2020 15:53 EDT
 

• પંજાબ સરકાર અર્થતંત્રને બેઠું કરવા મનમોહનની સલાહ લેશેઃ લોકડાઉન હટયા પછી અર્થતંત્રને ફરી પાટે ચડાવવા માટે દરેક દેશ, દરેક રાજ્ય માટે બ્લુ પ્રિન્ટની આવશ્યકતા છે. પંજાબ સરકારે રાજ્યને ફરીથી ધમધમતું કરવા પૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહનસિંહની સલાહ લેવાનું નક્કી કર્યું છે. પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે જણાવ્યું હતું કે અમે પૂર્વ વડાપ્રધાનને વિનંતી કરી હતી અને તેમણે અમારી વિનંતી માન્ય રાખી છે.
• ભારતને રૂ. ૧૦ લાખ કરોડનું નુકસાનઃ દેશની રેટિંગ એજન્સી ક્રિસિલના અંદાજ મુજબ કોરોના લોકડાઉનને પગલે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતનો જીડીપી ઘટીને ૧.૮ ટકા થઇ જશે. ક્રિસિલના જણાવ્યા મુજબ લોકડાઉનથી ભારતને કુલ ૧૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે એટલે કે દેશની દરેક વ્યકિતને ૭૦૦૦ રૂપિયાનું નુકસાન થશે. ઉલ્લેખનીય છે કે ક્રિસિલે સૌથી પહેલા અંદાજ મૂક્યો હતો કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતનો જીડીપી ૬ ટકા રહેશે. ત્યારબાદ માર્ચમાં જીડીપીનો આ અંદાજ ઘટાડીને ૩.૫ ટકા કરી દીધો હતો. અને હવે આ અંદાજ પણ ઘટાડીને ૧.૮ ટકા કરી દીધો છે.
• મ્યુચ્યુઅલ ફંડ્સ માટે RBIનું પેકેજઃ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ફ્રેન્કલિન ટેમ્પલટન દ્વારા તેની ૬ ડેટ સ્કીમ બંધ કરવાની જાહેરાતને પગલે ફાઇનાન્સ માર્કેટમાં નવું સંકટ સર્જાયું હતું. આ સંકટથી ઉગારવા માટે RBI દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સ માટે રૂ. ૫૦,૦૦૦ કરોડનું સ્પેશિયલ લિક્વિડિટી પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે રિઝર્વ બેંકે વિશેષ ઋણ યોજનાની જાહેરાત કરી છે. ઉદ્યોગોમાં નાણાકીય તરલતાની સમસ્યા ન સર્જાય તે માટે આ રૂ. ૫૦, ૦૦૦ કરોડનો ઉપયોગ કરાશે.
• સંજય કોઠારીઓએ સીવીસી પદના શપથ લીધાઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ સંજ્ય કોઠારીએ ૨૪મી એપ્રિલે ચીફ વિજિલન્સ કમિશનર પદ (સીવીસી)ના શપથ લીધા. શપથ સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રખાયું હતું દરબાર હોલમાં નક્કી અંતરે ગણતરીની ખુરશીઓ લગાવાઇ હતી. સીવીસી પદ કે.વી ચૌધરીના નિવૃત થયા બાદથી ખાલી હતું.
• કાશ્મીરમાં જેલવાસ ભોગવતા ૨૮ ઉપરથી PSA દૂર કરાયોઃ જમ્મુ-કાશ્મીર પ્રશાસને કેન્દ્રશાસિત પ્રદેશ અને તેની બહાર જેલમાં બંધ ૨૮ લોકો પર લગાવાયેલો જન સુરક્ષા કાનૂન હટાવી લેવાયો છે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે ૫ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરી તેને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરી દીધું હતું. એ બાદ મુખ્ય પ્રવાહના નેતાઓ સહિત રાજ્યમાં સેંકડો લોકોને પીએસએ કાયદા હેઠળ હિરાસતમાં લેવાયા હતા. જેમના પરથી પીએસએ હટાવી લેવાયો છે. તેમાં કાશ્મીર વ્યાપાર અને વિનિર્માણ સંઘ અને કાશ્મીર ઇકોનોમિક એલાયન્સના વડા મોહંમદ યાસીન ખાન પણ સામેલ છે. જો કે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા તથા પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફતીને હજુ રાહત નસીબ નથી થઈ.
• સરહદે ૪૫૦ આતંકીઓ ઘુસવાની ફિરાકમાંઃ પાકિસ્તાને સરહદે ૪૫૦ આતંકીઓને ખડકી દીધા હોવાના રિપોર્ટ ૨૬મી એપ્રિલે મળ્યા હતા. આ આતંકીઓ ગમે ત્યારે ભારતમાં ઘૂસી શકે છે. એક સિનિયર સરકારી અધિકારીએ આ માહિતી મીડિયાને આપી હતી જેમાં વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સરહદે ગોળીબાર કરીને સૈન્યનું ધ્યાન ભટકાવી આ આતંકીઓને કાશ્મીરમાં ઘુસાડવાની ફિરાકમાં છે.
• પુરીઃ રથનિર્માણ અટકાવાયું, યાત્રા અંગે નિર્ણય ૩ મે પછી: કોરોના પ્રકોપની અસર પુરીની જગન્નાથ રથાયાત્રા ઉપર પણ થઇ છે. લોકડાઉનના કારણે અક્ષય તૃતિયાથી શરૂ થનારા રથનિર્માણના કામ પર ૩મે સુધી રોક લગાવાઇ છે. યાત્રા માટે દર વર્ષે નવા રથ બનાવાયા છે. અક્ષય તૃતિયાના દિવસથી ત્રણ રથોનું નિર્માણ શરૂ થાય છે. ૨૩મી એપ્રિલે મંદિર મેનેજમેન્ટ સમિતિની બેઠક પછી પુરી ગજપતિ મહારાજે જણાવ્યું કે ૩મે પછી કેન્દ્રના નવા દિશાનિર્દેશ, નિયમ તથા પરંપરાઓના મૂલ્યાંકન પછી જ નક્કી કરાશે કે આ વખતે રથયાત્રા ઉત્સવ મનાવાશે. કે નહીં?
• અર્નબ ગોસ્વામી સામે કોંગ્રેસે ૩૫ પોલીસ ફરિયાદઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બે સાધુઓની હત્યાના મામલે રીપબ્લિક ઇન્ડિયા ટીવાના સંપાદક અર્નબ ગોસ્વામીએ ડિબેટ યોજી હતી, જેમાં તેણે કોંગ્રેસ અધ્યક્ષાં સોનિયા ગાંધીને ‘ઈટાલિયન સોનિયા ગાંધી’ કહેતા તેની સામે રાજ્યભરમાં ૩૫ ફરિયાદ કોંગ્રેસે કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter