સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Tuesday 12th May 2020 16:29 EDT
 

• બે દુર્ઘટનામાં ૨૭ના મૃત્યુઃ માત્ર ૨૪ કલાકમાં બે રાજ્યોમાં બનેલી બે હૃદયદ્રાવક ઘટનામાં ૨૭ નિર્દોષ લોકો મોતના મુખમાં હોમાઇ જતાં અરેરાટી પ્રસરી ગઇ છે. પહેલી ઘટના આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં સાતમી મેની મધરાતે બની હતી. જેમાં એક પોલિમર પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક થતાં ૧૧ જણાં ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૧૦૦૦થી વધુને અસર થઇ હતી. તો બીજી ઘટના આઠમી મેની વહેલી સવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં બની હતી. આ ઘટનામાં રેલવે ટ્રેક પર સૂઇ રહેલા ૧૬ પરપ્રાંતીય શ્રમિકો ગુડ્સ ટ્રેન નીચે કચડાઇ ગયા હતા.
• બિલિયોનેર હિન્દુજા ગ્રૂપ ૩૬૦ કર્મચારીને ફર્લો કરશે: બ્રિટનની સૌથી ધનાઢય બંધુબેલડી તરીકે જાણીતા શ્રીચંદ અને ગોપી હિન્દુજા તેમની બસ કંપનીના સ્ટાફને ફર્લો કરશે. હિન્દુજા બંધુઓ ૨૨ બિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવે છે. હિન્દુજા જૂથની નોર્થ યોર્કશાયરમાં આવેલી ઇલેક્ટ્રિક બસનું નિર્માણ કરતી ઓપટારે કંપનીના લગભગ ૩૬૦ કર્મચારીને ફર્લો કરાશે. હિન્દુજા ગ્રૂપ વિશ્વભરમાં લગભગ ૧.૫ લાખ લોકોને રોજગારી આપે છે. ૨૦૧૮માં કંપનીનું કુલ વેચાણ ૪૦ બિલિયન પાઉન્ડ હતું.
• કેન્દ્ર સરકારે રથયાત્રા માટે રથનિર્માણની મંજૂરી આપીઃ ભગવાન જગન્નાથ, ઓડિશાના પુરીથી રથયાત્રા નીકાળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રથનિર્માણની મંજૂરી ૮મી મેએ આપી દીધી છે. સરકારની મંજૂરી મળતાં જ પુરીમાં રથનિર્માણની કામગીરી શરૂ થઈ ગઈ છે.
• કુલભૂષણ જાધવ કેસઃ પાકિસ્તાનની જેલમાં સબડી રહેલા પૂર્વ ભારતીય નેવી કર્મી કુલભૂષણ જાધવ કેસ અંગે પાકિસ્તાને રવિવારે કહ્યું હતું કે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)ના તમામ નિયમોનું પૂરી રીતે પાલન થયું છે. ભારત તરફથી પેરવી કરી રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કરેલા આક્ષેપનો જવાબ આપતાં પાકિસ્તાને આ નિવેદન આપ્યું છે. સાલ્વેએ એક નિવેદન આપીને આક્ષેપ કર્યાં હતા કે, પાકિસ્તાને આઇસીજેના આદેશનું પાલન નથી કર્યું. તેમણે કહ્યું હતું કે આદેશ મુજબ પાકિસ્તાને હજી કોઇ પગલાં નથી લીધાં. જોકે, ભારતે પાક.ની વાતને રદિયો આપ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter