• પાકિસ્તાનના તોપમારામાં એક જવાન શહીદઃ પાકિસ્તાને ૧૪મી મેએ કાશ્મીરના પૂંચમાં કરેલા તોપમારામાં એક ભારતીય જવાન શહીદ થયો હતો જ્યારે ત્રણ જવાનોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મહિનામાં ત્રીજા જવાને સરહદે પાકિસ્તાનના ગોળીબારમાં જીવ ગુમાવ્યો છે. આ વર્ષે પાકિસ્તાને ૨૦૦૦ વખત તોપમારો કર્યો જેથી શસ્ત્રવિરામ ભંગમાં ૬૯ ટકા વધારો થયો છે.
• ઉત્તર પ્રદેશમાં દલિતો પર હુમલોઃ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં ૧૩મી જૂને દલિતો પર કેટલાક મુસ્લિમોએ જીવલેણ હુમલો કર્યો હતો અને યુવતીઓને પણ માર માર્યો હતો. આ ઘટનામાં સ્થાનિક પોલીસે ૧૬ મુસ્લિમ યુવકોની ધરપકડ કરીને દરેક આરોપીઓની ઉપર એનએસએ (નેશનલ સિક્યુરિટી એક્ટ) અંતર્ગત કાર્યવાહી કરી છે. આ ઘટનામાં ૧૨ લોકો ઘવાયા હતા.
• પત્રકાર વિનોદ દુઆને દેશદ્રોહના કેસમાં રાહતઃ જાણીતા પત્રકાર વિનોદ દુઆ સામે દાખલ કરાયેલા દેશદ્રોહના કેસમાં ૧૪મી જૂને થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે વિનોદ દુઆને વચગાળાની રાહત આપી છે. છ જુલાઈ સુધી આ કેસમાં વિનોદ દુઆની ધરપકડ નહીં કરવા હિમાચલ પ્રદેશ પોલીસને આદેશ અપાયો છે. જોકે પોલીસને આ કેસમાં તપાસ ચાલુ રાખવાની તાકીદ છે. શિમલામાં નોંધાયેલા આ કેસમાં વડા પ્રધાન મોદી અંગે ભ્રમ ફેલાવવાનો આરોપ વિનોદ દુઆ પર મુકાયો હતો.
• લશ્કરે તૈયબાની મહિલા જાસૂસની ધરપકડઃ ભારતીય એનઆઇએની ટીમે લશ્કરે તૈયબાની ૨૨ વર્ષીય મહિલા તાનિયા પ્રવીણનું જાસૂસી નેટવર્ક તાજેતરમાં પકડી પાડ્યું હોવાના અહેવાલ છે. ૧૩મીએ તાનિયાને ૧૦ દિવસ માટે કસ્ટડીમાં મોકલી અપાઈ છે અને કોલકતાની ઓફિસમાં તેની પૂછપરછ કરાશે.
• અયોધ્યા બાદ કાશી-મથુરાનો વિવાદઃ વિશ્વ ભદ્ર પુજારી પુરોહિત મહાસંઘ નામના સંગઠન દ્વારા ૧૯૯૧ના એક કાયદાની જોગવાઈને સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ છે. ધાર્મિક સ્થળ સંબંધી ૧૯૯૧ના આ કાયદામાં એવી જોગવાઈ છે જે મુજબ ૧૫મી ઓગસ્ટે ૧૯૪૭ દરમિયાન ધાર્મિક સ્થળોની જે સ્થિત હતી તે જ રહેશે. જોકે આ જોગવાઈને હટાવવાની માગ કરાઈ છે. તેથી હવે કાશી અને મથુરાને લઈને વિવાદ થવાની શક્યતા છે. ધાર્મિક સ્થળ (વિશેષ જોગવાઈ) કાયદા ૧૯૯૧ની કલમ ચારને પડકારાઈ છે.
• ટીપીજીએ રિલાયન્સ જીયોનો ૦.૯૩ ટકા હિસ્સો ખરીદ્યોઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરેલી જાહેરાત મુજબ ગ્લોબલ ઓલ્ટરનેટિવ એસેટ ફર્મ ટીપીજીએ રિલાયન્સ જીયોનો ૦.૯૩ ટકા હિસ્સો ૪૫૪૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે વિશ્વની સૌથી મોટી ગ્રાહક કેન્દ્રિત પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ એલ કેટેરટોને ૧૮૯૪ કરોડ રૂપિયામાં રિલાયન્સ જીયોનો ૦.૩૯ ટકા હિસ્સો ખરીદ્યો છે. આ સાથે જ છેલ્લા આઠ સપ્તાહમાં વેચવામાં આવેલા હિસ્સાને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કુલ ૧૦૩૮૯૪ કરોડ રૂપિયા મળ્યા છે.
• ૨૧ જૂનના સૂર્યગ્રહણથી કોરોના વાઈરસનો નાશ?: ચેન્નાઈના એક વૈજ્ઞાનિક કે. એલ. સુંદર કૃષ્ણાએ દાવો કર્યો છે કે ૨૬ ડિસેમ્બરે થયેલા સૂર્યગ્રહણનો કોરોના સાથે સીધો સંબંધ છે અને ૨૧ જૂને થનારા સૂર્યગ્રહણથી કોરોનાનો નાશ થશે. સુંદર કૃષ્ણાએ કહ્યું છે કે સૂર્યગ્રહણ પછી ઉત્સર્જિત વિખંડન ઉર્જા (ફિશન એનર્જી)ના લીધે પહેલા ન્યુટ્રોનના કણ સાથેના સંપર્ક પછી કોરોના વાઈરસ તૂટી જાય છે. તેમણે કહ્યું કે, બાયો મોલેકયુલ સંરચના પ્રોટિનનો મ્યુટેશન પ્રોસેસ સહુ પહેલાં ચીનમાં શરૂ થયો હશે. આગામી સૂર્યગ્રહણ કોરોના વાઈરસને ખતમ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. સૂર્યકિરણોની તીવ્રતા વાઈરસને નિષ્ક્રિય કરી દેશે.
• આત્મનિર્ભર રાહત પેકેજ પર સવાલઃ કોરોના સંકટથી દેશની અર્થવ્યવસ્થાને બચાવવા મોદી સરકારે મે મહિનામાં રૂ. ૨૦ લાખ કરોડના આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ વિશે, નાણા પ્રધાન સીતારામને તબક્કાવાર માહિતી આપી હતી. તે પછી તરત તેની ટીકા થઈ હતી. હવે વડા પ્રધાનના આર્થિક સલાહકાર પરિષદનાં સભ્ય આશિમા ગોયલે કહ્યું છે કે, રાહત પેકેજમાં વધુ સુધારાની સંભાવના છે. માગ અને પુરવઠા વચ્ચે તાલમેલ જરૂરી છે. અર્થવ્યવસ્થાને વેગ આપવા માગમાં વૃદ્ધિની જરૂર છે.
• ‘સમાજના ભાગલા પાડનારા પોતાને રાષ્ટ્રવાદી માને છે’: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકાના પૂર્વ રાજદ્વારી અને હાર્વર્ડ યુનિ.ના પ્રોફેસર નિકોલસ સાથે ભારત અને અમેરિકાના સંબંધો, બંને દેશોની વર્તમાન સ્થિતિના મુદ્દે ચર્ચા કરી હતી. રાહુલે જણાવ્યું હતું કે સમાજના ભાગલા પાડવાથી દેશ નબળો પડે છે, પરંતુ આવું કરનારા પોતાને રાષ્ટ્રવાદી માને છે.
• વિદેશી હૂંડિયામણની અનામતો અડધો ટ્રિલિયનને પારઃ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન પછી દેશની ઈકોનોમી ડચકાં ખાઈ રહી છે ત્યારે ભારત માટે ૧૨મી જૂને સારા સમાચાર એ આવ્યા કે દેશની વિદેશી હૂંડિયામણની અનામતો પહેલીવાર અડધો ટ્રિલિયનને પાર ગઈ હતી. ફોરેક્સ રિઝર્વમાં ભારતે નવો ઈતિહાસ રચ્યો હતો. ફોરેક્સ રિઝર્વને મામલે ભારત હવે ચીન અને જાપાન પછી સૌથી વધુ વિદેશી હૂંડિયામણ ધરાવતો ત્રીજો દેશ બન્યો હતો.
• હંદવાડામાંથી રૂ. ૧૦૦ કરોડનું ૨૧ કિલો હેરોઇન જપ્તઃ જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં જિલ્લા પોલીસે ૧૧મી જૂને લશ્કરે તૈયબાના આતંકીઓને મદદ કરનારા ૩ મદદગારોની રૂ. ૧૦૦ કરોડના ૨૧ કિલો હેરોઈન અને ૧.૩૪ કરોડની રોકડ સાથે ધરપકડ કરી હતી.