• મહારાષ્ટ્રમાં ભારે વરસાદઃ મહારાષ્ટ્રમાં મંગળવારે સતત ચોથા દિવસે ભારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે મુંબઇ, થાણે રાયગઢ, રત્નાગિરિમાં ભારે વરસાદની આગાહી સાથે તંત્રએ એલર્ટ જાહેર કરીને માછીમારોને દરિયામાં નહીં જવા ચેતવણી આપી હતી. ભારે વરસાદ દરમિયાન મુંબઇના દરિયામાં ૧૫ ફૂટ જેટલા ઊંચા મોજાથી દરિયાકાંઠાના ઘરોમાં પાણી ઘૂૂસી ગયાં હતા. વઇ લેકનું પાણી પણ ઓવરફ્લો થઇને બહાર વહેતું જોવા મળ્યું હતું. બિહારમાં પણ ભારે વરસાદ વચ્ચે વીજળી ત્રાટકતાં બીજીએ ૨૬નાં મોત નોંધાયા હતા.
• પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા આદેશઃ કેન્દ્ર સરકારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાને દિલ્હીમાં આવેલો લોધી એસ્ટેટનો સરકારી બંગલો ખાલી કરવા પહેલી જુલાઈએ કહ્યું છે. આ માટે તેને ૧ ઓગસ્ટ સુધીનો સમય અપાયો છે. આ અવધિ પછી જો તેઓ બંગલામાં રહેશે તો પ્રિયંકાએ ભાડું કે દંડ ભરવો પડશે. સરકારે એસપીજી સુરક્ષા હટાવ્યાને બંગલો ખાલી કરવાનું કારણ ગણાવ્યું છે.
• પાન-આધાર લિંકની મર્યાદા માર્ચ ૨૦૨૧ઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે કોરોનાની સ્થિતિ ધ્યાનમાં રાખીને સોમવારે પાન અને આધાર કાર્ડ લિંક કરવાની સમય મર્યાદા વધારીને ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી કરી છે. અગાઉ આ તારીખ ૩૦ જૂન હતી. જે લોકો તે લિંક નહીં કરાવે તેમને રૂ. દસ હજારના દંડની પણ જોગવાઈ છે.
• પાકિસ્તાનનો યુદ્ધવિરામનો ભંગઃ પાકિસ્તાન આર્મીએ લાઈન ઓફ કંટ્રોલ પાસેની ઘણી જગ્યાએ યુદ્ધવિરામનું પાંચમીએ ઉલ્લંઘન કર્યું હતું. નિકિઆલ સેક્ટરમાં રાખચિકરી, દેવાસ અને બગસારમાં પાકિસ્તાને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સામે ભારતીય સુરક્ષાદળોએ પાકિસ્તાની સુબેદાર સહિત ૨ સૈનિકો માર્યા ગયા હતા. રાખચિકરીમાં ૩ જુલાઈએ પણ પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો ત્યારે પણ ભારતે તેના બે સૈનિકોને ઠાર માર્યા હતા. સોપોરમાં પણ પહેલીએ આંતકીઓએ એક વૃદ્ધની હત્યા કરી હતી અને ભારતીય સેનાએ વૃદ્ધના ૩ વર્ષના પૌત્રને બચાવ્યો હતો ત્યારે ૧ ભારતીય જવાન શહીદ થયો હતો.
• જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા બે આતંકી કોરોના પોઝિટિવઃ કાશ્મીરના કુલગામમાં પાંચમીએ સુરક્ષાદળો સાથે અથડામણમાં માર્યા ગયેલા બે આંતકીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જમ્મુ- કાશ્મીર પોલીસના પ્રવક્તાએ રવિવારે કહ્યું કે કાનૂની ઔપચારિક્તા અંતર્ગત મૃત આતંકીઓના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવાયા હતા. રિપોર્ટમાં બન્ને કોરોના સંક્રમિત હોવાની પુષ્ટી થઇ.
• કેરળના એરપોર્ટ પરથી ૩૦ કિલો સોનું જપ્તઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, થિરૂવનંતપુરમ પર એર કાર્ગોમાં આવેલી ડિપ્લોમેટિક બેગેજમાંથી કસ્ટમે પાંચમીએ ૩૦ કિલો સોનું જપ્ત કર્યું હતું. રાજદ્વારી હોદ્દા ધરાવતી કોઇ વ્યક્તિના નામનો ઉપયોગ કરીને દાણચોરી કરાયા પછી જે વ્યક્તિના નામે આ સામન આવ્યો હતો તેણે પણ કસ્ટમની તપાસમાં સહકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે જયપુર એરપોર્ટ ઉપર પણ તાજેતરમાં એઇ અને સઉદી અરેબિયામાંથી બે ચાર્ટડ ફલાઇટ દ્વારા જયપુર આવેલા ૧૪ યાત્રીઓ પાસેથી પણ કુલ ૩૨ કિલો સોનું જપ્ત કરાયું છે.
• છત્તીસગઢમાં નવ નક્સલોનું આત્મસમર્પણઃ છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં બીજાપુર અને દાંતીવાડા જિલ્લામાં રૂ. ૧૬ લાખના ૪ ઈનામધારી સહિત કુલ નવ નક્સલવાદીઓએ ચોથીએ આત્મસમર્પણ કર્યું હોવાનું પોલીસે કહ્યું હતું. બે નક્સલોએ બીજાપુરમાં જ્યારે અન્યોએ છત્તીસગઢમાં શસ્ત્રો નીચે મૂક્યા હતા. જેના માથે પાંચ લાખનું ઈનામ હતું એ મકદમ દેવાએ બીજાપુરમાં આત્મસમર્પણ કર્યું હતું. મહિલા બળવાખોર સુમિત્રા ચેપાને કોરોનાના લક્ષણો દેખાતા ૧૨ જૂને નક્સલ કેમ્પમાંથી નીકળી જવાનો ઓર્ડર થયો હતો. તેણે પણ બીજાપુરમાં આત્મસમર્પણ કર્યું હતું.
• કોલકાતાના જવેલરી હાઉસને રૂ. ૭૨૨૦ કરોડની નોટિસઃ ઇડીએ કોલકાતાના જવેલરી હાઉસને રૂ. ૭૨૨૦ કરોડની શો કોઝ નોટિસ જારી કરી છે. ગેરકાયદે ફોરેન એક્સચેન્જમાં સામેલ થવા બદલ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ નોટિસ ફટકારાઈ છે. ફેમા હેઠળ અત્યાર સુધીમાં ફટકારાયેલી નોટિસ પૈકી આ સૌથી મોટી રકમની નોટિસ છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ શ્રી ગણેશ જવેલરી હાઉસ (ઇન્ડિયા) લિ. અને તેના પ્રમોટરો સામે ફેમાનો ભંગ કરવા બદલ ચાર્જશીટ દાખલ કરી છે. અહેવાલો પ્રમાણે આ કંપની દેશની ૧૦૦ વિલફુલ બેંક લોન ડિફોલ્ટર્સ પૈકીની એક છે.
• શિવરાજ સરકારમાં ૨૮ નવા પ્રધાનઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનમ શિવરાજસિંહ ચૌહાણે બીજીએ ૩ મહિનામાં બીજી વખત પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું. રાજ્યપાલ આનંદીબહેન પટેલે ૨૮ નવા પ્રધાનોને શપથ અપાવ્યા. તેમાંથી ૧૬ ભાજપના ધારાસભ્ય છે જ્યારે ૧૨ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય છે. માર્ચમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા રાજ્યસભા સભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયાની શિવરાજ પ્રધાનમંડળ પર સ્પષ્ટ અસર દેખાઈ હતી. પ્રધાન બનેલા ૧૨ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યોમાંથી ૯ સિંધિયા સમર્થક છે. સિંધિયાના નજીકના તુલસી સિલાવટ અને ગોવિંદસિંહ રાજપૂત પહેલેથી જ પ્રધાન છે.
• મુંબઇમાં ૩૩ ટકા ક્ષમતાથી હોટેલો શરૂ થશેઃ રાજ્ય સરકારે આખરે કન્ટેઈનમેન્ટ ઝોન્સની બહાર મુંબઈ, પૂણે, સોલાપુર, ઔરંગાબાદ, માલેગાવ, નાશિક, ધુળે, જળગાંવ, અકોલા, અમરાવતી અને નાગપુર સહિત એમએમઆર (મુંબઈ મહાનગર) પ્રદેશમાં લોજ, ગેસ્ટહાઉસ સહિત મુકામ સેવાઓ આપતી હોટેલો સહિતની હોટેલો ૮ જુલાઈથી શરૂ કરવાની પરવાનગી આપી છે. ૩૩ ટકા ક્ષમતા સાથે અને સર્વ સુરક્ષાના નિયમોનું સખતાઈથી પાલન કરીને હોટેલો શરૂ કરવાની પરવાનગી અપાઈ છે. ગોવા પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું છે અને ૨૫૦ હોટેલોને શરૂ કરવા મંજૂરી મળી છે.