સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Friday 22nd February 2019 04:02 EST
 

• મુંબઈ એર પોર્ટના રનવેનું સમારકામઃ મુંબઈ એર પોર્ટનો રનવે ૧૭મીએ સવારે ૧૧થી સાંજે પાંચ વાગ્યા સુધી સમારકામ માટે બંધ રખાયો હતો. આ દરમિયાન ૨૩૦ ફ્લાઈટ રદ કરાઈ હતી. વિમાન યાત્રીઓને વધુ સારી સુવિધા પૂરી પાડવાના ઈરાદાથી મુંબઈ એરપોર્ટનું સમારકામ હાથ ધરાયું છે. પરિણામે મંગળવાર, ગુરુવાર અને શનિવારના રોજ છ કલાક માટે રન-વે બંધ રખાય છે. આથી વિમાન સેવા પર અસર થાય છે. ૩૦મી માર્ચ સુધી સમારકામ ચાલુ રહેશે.
• રજનીકાન્ત ૨૦૧૯ની ચૂંટણી નહીં લડેઃ ગયા વર્ષે રાજકારણમાં પ્રવેશ કરનારા અભિનેતા રજનીકાન્તે રવિવારે જણાવ્યું હતું કે તેઓ કે તેમના સંગઠન રજની મક્કલ મંદરમ (આરએમએમ)ના કોઈ સભ્ય આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. એક નિવેદનમાં ૬૮ વર્ષના અભિનેતાએ જણાવ્યું હતું કે તે કોઈ પણને સમર્થન નહીં કે કોઈ પક્ષ સાથે ચૂંટણી સમજૂતી પણ નહીં કરે.
• ચીને તિબેટ સરહદે એરપોર્ટ બાંધ્યાઃ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી તિબેટમાં ગોંગ્ગનમાં તેનું એક હવાઇમથક અપગ્રેડ કરી રહ્યું છે. ગોગ્ગન વિસ્તાર ભારતીય સરહદથી એકદમ નજીક છે. આ ઉપરાંત ચીને દક્ષિણ તિબેટમાં ‘૩+૧ પ્રોજેક્ટ’ હેઠળ બુરાંગ, લ્હુન્ઝે અને ટિંગરીમાં ત્રણ નવા એરપોર્ટ્સ બાંધવાની યોજના બનાવી છે. ચીની મીડિયાના રિપોર્ટ મુજબ, ચીન આશરે ૨.૬ અબજ ડોલરનો ખર્ચ કરશે અને તે ૨૦૨૧ સુધીમાં પૂર્ણ થઇ જશે. ભારત અને ચીન વચ્ચે દોકલામ વિવાદ શમી ગયો હોય માની શકાય, પરંતુ પાડોશી દેશો સરહદી વિસ્તારોમાં સંરક્ષણ તૈયારીઓને મજબૂત કરવામાં વ્યસ્ત છે.
• લોકસભાની ચૂંટણીની સાથે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી શક્યઃ ભાજપના મહામંત્રી રામ માધવે ૧૩મીએ કહ્યું હતું કે એવી શક્યતા છે કે લોકસભાની સાથે જ રાજ્ય વિધાનસભાની પણ ચૂંટણી યોજાય. 'અમારા કાર્યકરો મારફતે અમે રાજ્યના લોકો સુધી પહોંચવું જ પડશે અને લોકસભા જીતવી પડશે. શક્યતા એવી છે કે લોકસભાની સાથે જ રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ યોજવામાં આવે' એમ એક કાર્યક્રમમાં સંબોધતા તેમણે કહ્યું હતું.
• ‘મોદી ફરી વડા પ્રધાન બને તેવી આશા’ઃ સમાજવાદી પક્ષના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે ૧૩મીએ લોકસભામાં પોતાના સમાપન ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બે હાથ જોડયા હતા અને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન બને તેમ તેઓ ઈચ્છે છે.
• રાજસ્થાનમાં ગુર્જરોને પાંચ ટકા અનામતઃ રાજસ્થાનમાં છેલ્લા ૧૩ વર્ષથી અનામતની લડાઈ લડી રહેલા ગુર્જરોને પાંચમી વખત અનામત મળી છે. સરકારે ૧૩મીએ વિધાનસભામાં બિલ પાસ કર્યું તેમાં ગુર્જર સહિત પાંચ જાતિઓને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પાંચ ટકા અનામત આપવાની જોગવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter