IAS શાહ ફૈસલનું રાજીનામુંઃ જમ્મુ-કાશ્મીર કેડરના આઇએએસ અધિકારી શાહ ફૈસલ ફરી અમલદાર શાહીમાં પાછા ફરી શકે છે. ફૈસલ નવા ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના સલાહકાર પણ બની શકે છે. તેમણે પોતાની જ પાર્ટી જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.
આંદામાનમાં ઝડપી નેટ માટે અન્ડરવોટર કેબલ કનેક્શનઃ ચેન્નાઈથી પોર્ટ બ્લેર સુધી ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને વધુ સ્પીડ માટે ફાઈબર કેબલ નંખાયો છે જેને સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ તરીકે ઓળખાય છે. વડા પ્રધાન મોદીએ સોમવારે ૨૩૧૨ કિમી લાંબા સબમરીન ઓપ્ટિકલ ફાઈબલ કેબલનું અનાવરણ કર્યું હતું. મોદીએ આ સાથે કહ્યું હતું કે સરકાર અહીં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનાવવા માગે છે.
મણિપુરમાં ભાજપની વિશ્વાસ મત પર જીતઃ મણિપુરમાં મુખ્ય પ્રધાન એન બીરેન સિંહની આગેવાની વાળી ભાજપ સરકારે વોઇસ વોટથી ૧૦મીએ વિશ્વાસ મત પ્રાપ્ત કર્યો છે. અહેવાલો અનુસાર બહુમત પરીક્ષણ દરમિયાન ભાજપના ૨૮ જ્યારે કોંગ્રેસના ૧૬ ધારાસભ્યો હાજર હતા. જોકે આ વિશ્વાસમત પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના આઠ ધારાસભ્યો હાજર નહોતા રહ્યા. મુખ્ય પ્રધાન એન. બિરેનસિંહે વિશ્વાસ મત પ્રાપ્ત કર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ પર વિધાનસભાની મર્યાદાના લીરા ઉડાડ્યાના આરોપો લગાવ્યા હતા.