• નવી ૮૦ સ્પેશિયલ પ્રવાસી ટ્રેનઃ અનલોક ૪.૦માં ભારતીય રેલવેએ ૧૨મી સપ્ટેમ્બરથી વધુ નવી ૮૦ સ્પેશિયલ પ્રવાસી ટ્રેન દોડાવવાની જાહેરાત પાંચમીએ કરી હતી. રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે શનિવારે જણાવ્યું હતું કે, ૧૨મી સપ્ટેમ્બરથી રેલવે દ્વારા નવી ૮૦ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેનો માટેનું રિઝર્વેશન ૧૦મી સપ્ટેમ્બરથી શરૂ કરાશે. અત્યારે રેલવે દ્વારા ૨૩૦ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન થાય છે.
• સ્વામી કેશવાનંદ ભારતીનું અવસાનઃ ભારત સરકારના મનસ્વી વલણની વિરુદ્ધ કોર્ટમાં ગયેલા કેશવાનંદ ભારતી (ઉં ૮૦)નું રવિવારે ઈડનીર મઠમાં અવસાન થયું હતું. ‘બંધારણનો મૂળ ઢાંચો’ શબ્દ સાથે કેશવાનંદ ભારતી કેસનો હંમેશા ઉલ્લેખ થાય છે. સ્વામી કેશવાનંદને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
• ચંદા કોચરના પતિ દીપકની ધરપકડઃ ઇડીએ ICICI બેન્કે વીડિયોકોન જૂથને આપેલી લોનમાં થયેલી ગેરરીતિ અને મની લોન્ડરિંગ મુદ્દે ચંદા કોચરના પતિ દીપકની ધરપકડ કરી છે. ICICI બેન્ક તરફથી મંજૂર કરાયેલી રૂ. ૩૨૫૦ કરોડની લોનમાં ગેરરીતિનો કેસમાં આ કાર્યવાહી થઈ છે.
• કાશી-મથુરા મુક્તિ આંદોલનઃ પ્રયાગરાજમાં તાજેતરમાં અખિલ ભારતીય અખાડા પરિષદમાં એકત્ર સાધુ-સંતોએ અયોધ્યામાં રામ મંદિર બની જાય પછી કાશી-મથુરાના મુક્તિ આંદોલનનો સંકેત આપ્યો હતો.
• વિધાનસભ્ય મહેશ નેગી સામે દુષ્કર્મ કેસઃ એક મહિલાએ ભાજપના વિધાનસભ્ય મહેશ નેગી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કર્યા પછી ઉત્તરાખંડ હાઇ કોર્ટે દ્વારહાટના વિધાનસભ્ય નેગી સામે કેસ દાખલ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટના આદેશ પછી નેગી ડીએનએ ટેસ્ટ માટે સહમત થયાં છે. આ કેસમાં નેગીનાં પત્નીને પણ સહઆરોપી ગણાવાયાં છે.
• ૨૬ કંપનીઓનું ખાનગીકરણઃ કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની ૨૬ કંપનીઓનું ખાનગીકરણ કરવા જઈ રહી છે તેવું એક આરટીઆઇ અરજી પરથી જાણવા મળ્યું છે.
• બિહારની મદરેસાઓમાં વિવિધ વિષયોઃ બિહારના મદરેસા બોર્ડે નિર્ણય જાહેર કર્યો છે કે હવેથી મદરેસાઓમાં અંગ્રેજી, હિંદી, ગણિત અને વિજ્ઞાન વિષયોને પણ ફરજિયાત ભણાવાશે.
• બિહાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી: ચૂંટણી પંચે જણાવ્યું છે કે ૨૯ નવેમ્બર પહેલાં બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂરી કરાશે. પંચે એમ પણ જણાવ્યું છે કે બિહારની ચૂંટણીની સાથે જ દેશની એક લોકસભા અને વિધાનસભાની ૬૪ બેઠક પર પેટાચૂંટણી પણ યોજાશે. જોકે હજી બિહાર ચૂંટણી તારીખોની જાહેરાત નથી થઈ.
• ૧૯૮૪ શીખ રમખાણ કેસઃ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જનકુમારને ચોથીએ જામીન આપવા ઇનકાર કરતાં જણાવ્યું છે કે, આ નાનો કેસ નથી તેથી જામીન ન આપી શકીએ. કોંગ્રેસના પૂર્વ સાંસદના મેડિકલ રિપોર્ટ કહી રહ્યા છે કે તેમને હોસ્પિટલમાં રહેવાની જરૂર નથી. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના કેસમાં સજ્જનકુમાર આજીવન કેદ ભોગવી રહ્યાં છે.
• ગાયત્રી પરિવારના પ્રણવ પંડ્યા સામે કેસઃ છત્તીસગઢની યુવતીએ ગાયત્રી પરિવારના વડા ડો. પ્રણવ પંડ્યા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે ૨૦૧૦માં જ્યારે આશ્રમમાં ગઈ હતી ત્યારે તેના પર રેપ થયો હતો. એ આરોપોને પ્રણવ પંડ્યાએ નકારી દીધા હતા. ઉત્તરાખંડ હાઈ કોર્ટે પ્રણવ પંડ્યાના જામીન મંજૂર કર્યા હોવાથી ફરિયાદી યુવતીએ સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા હતા અને ડો. પ્રણવ પંડ્યાના જામીન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ છે.