• પ્રખર આર્યસમાજી સ્વામી અગ્નિવેશનું નિધનઃ પ્રખર આર્યસમાજી અને સામાજિક કાર્યકર સ્વામી અગ્નિવેશનું લિવરની બીમારીના કારણે દિલ્હીમાં ૧૧મી સપ્ટેમ્બરે ૮૦ વર્ષની વયે નિધન થયું હતું. બંધુઆ મજૂરોની મુક્તિના આંદોલન સાથે જાહેર જીવનમાં પ્રવેશેલા સ્વામી અગ્નિવેશ ૧૯૭૭માં હરિયાણા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બે વર્ષ સુધી તેઓએ શિક્ષણ પ્રધાન તરીકેની ફરજ બજાવી હતી. બંધુઆ મજૂરો પર ગોળીબાર કરનારા પોલીસ સામે સરકારે પગલાં ન લેતાં તેમણે રાજીનામું આપી દીધું હતું. તેમણે નકસલવાદીઓ, સરકાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી તો અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં જોડાયાં હતાં.
• દુર્ગા વિસર્જન પ્રતિબંધ પાળનારા બ્રાહ્મણોને ઈનામઃ પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જાહેરાત કરી છે કે, કોરોનાના સંકટ વચ્ચે સમજદાર બનીને દુર્ગા વિસર્જન ન કરનારા આશરે ૮ હજાર સનાતન બ્રાહ્મણ પૂજારીઓને મહિને એક હજાર રૂપિયા ભથ્થું તથા આવાસ યોજના હેઠળ મફત ઘર આપશે.
• ‘એક રૂપિયાનો દંડ ભરીશ, પણ ચુકાદો અમાન્ય’: સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અને એક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણને કોર્ટની અવમાનના કેસમાં એક રૂપિયાનો દંડ કરાયો હતો. તેમણે કહ્યું કે હું એક રૂપિયાનો દંડ ભરવા તૈયાર છું, પણ ચુકાદાને સ્વીકારવા તૈયાર નથી. પ્રશાંત ભૂષણે બે ટ્વિટમાં મુખ્ય ન્યાયાધીશ બોબડે બાઈક પર બેઠા હોવાની વિવાદિત તસવીર શેર કરી હતી.
• ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસઃ કેન્દ્રીય તપાસ એજન્સી-સીબીઆઈએ પૂર્વ સંરક્ષણ સચિવ અને કેગ અધિકારી શશિકાન્ત શર્મા, પૂર્વ એર વાઈસ માર્શલ જસબિર સિંહ પાનેસર અને વાયુસેનાના ત્રણ અધિકારીઓ વિરુદ્ધ રૂ. ૩૭૨૭ કરોડના ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં ફરિયાદ દાખલ કરવા કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માગી છે. ૧૨ વીવીઆઈપી હેલિકોપ્ટર માટે સમજૂતી થઈ ત્યારે શશિકાન્ત શર્મા સંરક્ષણ મંત્રાલયમાં સંયુક્ત સચિવપદ સંભળી રહ્યા હતા. યુપીએ સરકાર સમયે થયેલો આ સોદો વિવાદમાં છે. ફેબ્રુઆરી ૨૦૧૦માં એંગ્લો-ઇટાલિયન કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડ કંપની સાથે આ સોદો થયો હતો.
• હિઝબુલ મુજાહિદ્દીની ૧૭ રાજકીય નેતાની હત્યાની ધમકીઃ જમ્મુ કાશ્મીર કોંગ્રેસના ઉપપ્રમુખ રમણ ભલ્લાને ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્રમાં કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહ, જમ્મુ કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સહિત ૧૭ નેતાની હત્યાની ધમકી અપાઈ છે. બે પાનાનો પત્ર હિઝબુલના લેટરપેડ પર છે અને તેના પર હસ્તાક્ષર પણ છે. પોલીસ આ પત્ર અંગે તપાસ કરી રહી છે.
• સોનિયા ગાંધી સારવાર માટે અમેરિકા રવાનાઃ સંસદનું ચોમાસુ ૧૪મીથી શરૂ થવા વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી શરૂઆતી દિવસોમાં તેમાં હાજર રહેશે નહીં. અહેવાલો અનુસાર, સોનિયા ગાંધી પુત્ર રાહુલ સાથે પોતાની સારવાર માટે વિદેશ રવાના થયાં છે. સોનિયા ગાંધી અમેરિકામાં પોતાની સારવાર માટે થોડા દિવસ રોકાઇ શકે છે.
• સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંકને રૂ. ૧૦૦ કરોડનો દંડઃ ભારતની એન્ટી મની લોન્ડરિંગ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ફોરેન એક્સચેન્જના નિયમોનો ભંગ કરવા બદલ સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંકને ૧૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વિદેશી બેંકને ફટકારવામાં આવેલી દંડની આ રકમ અત્યાર સુધીની સૌથી વધારે છે. તમિલનાડુની સ્થાનિક બેંકને હસ્તગત કરવામાં નિયમોનો ભંગ કરવા બદલ આ દંડ ફટકારાયો છે.
• રાફેલ યુદ્ધવિમાન વિધિવત રીતે ભારતીય એરફોર્સમાં સામેલઃ ૨૭મી જુલાઇએ ફ્રાન્સથી હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશન ખાતે આવી પહોંચેલા પાંચ રાફેલ યુદ્ધવિમાનને ૧૦મી સપ્ટેમ્બરે સવારે આયોજિત સમારોહમાં વિધિવત રીતે ભારતીય એરફોર્સમાં સામેલ કરાયાં હતાં. પરંપરાગત સર્વ ધર્મ પૂજા સાથે સામેલ કરાયેલાં પાંચ રાફેલ વિમાન ભારતીય વાયુસેનાની ૧૭મી સ્ક્વોડ્રન ગોલ્ડન એરોઝનો હિસ્સો બન્યાં છે.
• ફિશરિઝ સેક્ટર માટે રૂ. ૨૦૦૫૦ કરોડની યોજનાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૦મીએ દેશમાં ફિશરિઝ સેક્ટરનાં વિકાસ માટે રૂ. ૨૦૦૫૦ કરોડની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) લોન્ચ કરવામાં આવી હતી. સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની યોજનાનાં ભાગરૂપે આ સ્કીમ શરૂ કરાઈ છે જેનો ઉદ્દેશ માછલીઓનું ઉત્પાદન અને નિકાસને વેગ આપવાનો છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા મોદીએ બિહારમાં ફિશરિઝ તેમજ પશુપાલન ક્ષેત્ર માટે કેટલાક અન્ય પ્રોત્સાહનો પણ જાહેર કર્યાં હતા.