•દુનિયાની ટોપ-૫૦ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટઃ વિશ્વની ૧૧૪ મેનેજમેન્ટ ઈન્સ્ટિ.ના મૂલ્યાંકનમાં આઈઆઈએમ અમદાવાદ, બેંગલુરુ, કલકત્તાનો ટોચની ૫૦ સંસ્થાઓમાં સમાવેશ કરાયો હતો. વિવિધ ૧૭ માપદંડોમાં આ સંસ્થાઓ ખરી ઉતરી હતી. આઈઆઈએમ અમદાવાદને આ યાદીમાં ૨૦મો ક્રમ મળ્યો હતો. ગયા વર્ષે આઈઆઈએમ અમદાવાદ ૨૧મા ક્રમે હતી.
• ઇકબાલ મિર્ચીની સંપત્તિ જપ્તઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૨મીએ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના ઇકબાલ મિર્ચીના પરિવારની દુબઇમાં આવેલી રૂ. ૨૦૩ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.
• મેરઠમાં ચાલુ બસે મહિલા સાથે ગેંગરેપઃ મેરઠમાં બસનાં ડ્રાઈવર - કન્ડક્ટરે આખી રાત ચાલતી બસે મહિલા પર રેપ કરીને બેભાન પીડિતાને રસ્તા પર ફેંકી દીધી હતી. ૨૬મીએ સવારે પીડિતા મહિલા દિલ્હી રોડ પર બેભાન હાલતમાં મળતાં તેને હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યાં ભાનમાં આવીને મહિલાએ આપવીતી જણાવી હતી.
• ISI સાથે સંડોવાયેલા કેરળવાસીને જન્મકેદઃ આઈએસઆઈએસની પ્રવૃત્તિઓમાં જાણી જોઈને સંડોવાયેલા કેરળવાસી સુબાહની હાજા મોઈદીનને કોચીની વિશેષ એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) કોર્ટે જનમટીપની સજા ઉપરાંત રૂ. બે લાખ દસ હજારનો દંડ કર્યો છે.
• પત્નીને માર મારતા ડીજી સસ્પેન્ડઃ મધ્ય પ્રદેશના પોલીસ સ્પેશ્યલ ડેપ્યુટી જનરલ પુરુષોત્તમ શર્માને ગર્લફ્રેન્ડ સાથે પકડીને તેમનો વીડિયો પત્નીએ બનાવી લીધો હતો. એ વીડિયો વાઈરલ થયા બાદ ડીજીએ પત્નીને માર મારી હતી. વીડિયો વાઈરલ થતાં શિવરાજ સરકારે ડીજી પુરુષોત્તમ શર્માને પદ પરથી દૂર કર્યાં છે.
• હાઇટેક વેપન્સ સિસ્ટમ માટે કરારઃ ભારત અને ઇઝરાઇલના નવા કરાર મુજબ આગામી પાંચ વર્ષોમાં લગભગ પાંચ અબજ ડોલરના રક્ષા નિકાસનું લક્ષ્ય નક્કી કરાયું છે. રક્ષા સાધનોના સંયુક્ત વિકાસ અને ઉત્પાદન, ટેકનોલોજી સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇનોવેશન અને ત્રીજા દેશોને સંયુક્ત નિકાસ સુનિશ્ચિત કરાશે.
• પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંત સિંહનું નિધનઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંત સિંહ (ઉં. ૮૨)નું રવિવારે નિધન થયું હતું. ઓગસ્ટ ૨૦૧૪માં તેમના ઘરે તેઓ પડી ગયા પછી બીમાર રહેતા હતા. જશવંત સિંહના નિધન અંગે દુ:ખ વ્યક્ત કરતાં વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરી હતી કે, જસવંત સિંહજીએ સંપૂર્ણ ધગશ સાથે દેશની સેવા કરી. પહેલા એક સૈનિક તરીકે અને પછી રાજકારણ સાથે લાંબા સમય સાથે જોડાયા બાદ પણ.
• પુલવામાં બે આતંકી ઠારઃ જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં ૫ આતંકી ઘૂસવા પ્રયત્ન કરતા હતા ત્યારે ભારતીય સૈન્યની નજરમાં આવતાં સામસામે ગોળીબાર થયો. જોકે આતંકીઓ ભાગી ગયા. બીજી તરફ પુલવામાં ભારતીય સૈનાએ ૨૭મીએ જ બે આતંકીઓને ઠાર માર્યા હતા.