સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Tuesday 06th October 2020 16:25 EDT
 

• રાજ્યોને કમ્પન્સેશન સેસના રૂ. ૨૦૦૦૦ કરોડની ફાળવણીઃ જીએસટી કાઉન્સિલની સોમવારે મળેલી ૪૨મી મેરેથોન બેઠક બાદ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, આ વર્ષે એકઠી થયેલી કમ્પેન્સેશન સેસની રૂ. ૨૦૦૦૦ કરોડની રાજ્યોને તત્કાળ ફાળવણી કરવામાં આવશે.
• સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણઃ ભારતે ૩૦મી સપ્ટેમ્બરે ઓડિશામાં આવેલી ટેસ્ટિંગ રેન્જમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.
• શૌર્ય મિસાઈલના નવા વર્ઝનનું સફળ પરીક્ષણઃ સરહદે ચીન સાથે અશાંતિ વચ્ચે ભારતે શૌર્ય મિસાઈલના નવા વર્ઝનનું સફળ પરીક્ષણ ઓડિશાના સાગર કાંઠા વિસ્તારમાં ૩જીએ કર્યું હતું.
• બિહાર વિધાનસભા ચૂંટણીઃ બિહારમાં ભાજપ-જેડીયુના ગઠબંધનમાં બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. રાજ્યમાં જેડીયુ ૧૨૨ અને ભાજપ ૧૨૧ બેઠકો પર ચૂંટણી લડશે. બેઠકોની વહેંચણી થઈ ગઈ તે સાથે જ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે નીતિશ કુમારે ૩૨ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી હતી.
• કાશ્મીરમાં CRPFના કાફલા પર આતંકી હુમલોઃ જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં પમ્પોર બાયપાસ નજીક પેટ્રોલિંગ કરતા CRPFના કાફલા પર પાંચમીએ આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં બે જવાન શહીદ થયા હતા અને ૩ને ગંભીર ઈજા થઈ હતી.
• કર્ણાટકમાં કોંગ્રેસી શિવકુમારને ત્યાં દરોડાઃ સીબીઆઇએ ભ્રષ્ટાચાર અને વધુ સંપત્તિ મામલે કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ ડી. કે. શિવકુમાર અને તેમના સાંસદ ભાઇ ડી. કે. સુરેશકુમારને ત્યાં સોમવારે દરોડા પાડીને રૂ. ૫૦ લાખની રોકડ જપ્ત કરી હતી.
• ઉલ્ફા (આઇ) ભારતમાં ત્રાસવાદ ફેલાવે છેઃ પરેશ બરૂઆની આગેવાની હેઠળ ઉલ્ફા (આઈ) હાલમાં ચીના યુન્નાન પ્રાંતમાં રૂઈલી ખાતે બેઝ બનાવીને ત્યાંથી ભારત વિરોધી પ્રવૃત્તિ આચરી રહ્યા છે તેમ કેન્દ્ર સરકારે ચોથીએ જણાવ્યું હતું.
• રામવિલાસ પાસવાનની હાર્ટ સર્જરી કરાઇઃ લોક જનશક્તિ પાર્ટીના નેતા કેન્દ્રિય પ્રધાન દલિતોના આગેવાન રામવિલાસ પાસવાન (ઉં ૭૪)ની ચોથી ઓક્ટોબરે હાર્ટ સર્જરી કરાઇ હતી.
• ગલવાનના ૨૦ શહીદ જવાનોની યાદમાં મેમોરિયલઃ ભારત અને ચીનની સરહદ પર પ્રવર્તતી અશાંતિ વચ્ચે ચીનના સૈન્ય સામે હાથોહાથની લડાઈમાં સાહસ દર્શાવીને ૧૫મી જૂને ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ૨૦ જવાનોની યાદમાં ભારતીય સૈન્ય દ્વારા પૂર્વીય લદાખમાં ૧૨૦મી ચોકી પર એક મેમોરિયલની સ્થાપના કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter